બે દિવસમાં ભારતભરમાં ૫૦થી ૬૦ ટન દાગીનાનું થયું વેચાણ, ભાઈબીજ સુધી વેચાણ હજી વધુ સારું રહેવાની ઝવેરીઓને અપેક્ષા
પ્રતીકાત્મક તસવીર
સોના અને ચાંદીના ઊંચા ભાવ પછી પણ ધનતેરસના પર્વ પર શનિવાર-રવિવારના બે દિવસમાં આશરે ૫૦થી ૬૦ ટન ઝવેરાતનું સમગ્ર ભારતમાં વેચાણ થયું હતું. ઝવેરીઓને આ ધનતેરસે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના વેચાણની અપેક્ષા હતી. જોકે ગ્રાહકોના જોરદાર પ્રતિસાદને કારણે ફક્ત બે દિવસમાં ૮૫,૦૦૦ કરોડ રૂપિયાનું વેચાણ થતાં ઝવેરીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વેચાણ જોયા પછી દિવાળી અને ભાઈબીજના પાંચ દિવસના ઉત્સવમાં વેચાણ વધુ સારું થશે એવી ઝવેરીઓમાં અપેક્ષા છે. તેમને આ પાંચ દિવસમાં ઝવેરાતનું વેચાણ ૧૦૦થી ૧૨૦ ટન સુધી પહોંચવાની અપેક્ષા છે જેની નાણાકીય વૅલ્યુ એક લાખ કરોડ રૂપિયાથી ૧.૩૫ લાખ કરોડ રૂપિયાની રેન્જમાં રહી શકે છે.
૩૫થી ૪૦ ટકાનો વધારો
આ બાબતની માહિતી આપતાં ઑલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC)ના ચૅરમૅન રાજેશ રોકડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધનતેરસના બે દિવસમાં તમામ શ્રેણીના ઝવેરાતની ડિમાન્ડ મજબૂત રહી છે. ગ્રાહકોનો પ્રતિસાદ પણ શાનદાર રહ્યો છે. વૉલ્યુમની દૃષ્ટિએ વેચાણ ગયા વર્ષ જેટલું જ હતું, પરંતુ મૂલ્યની દૃષ્ટિએ બે દિવસમાં ૩૫થી ૪૦ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ગ્રાહકોએ આ સીઝનમાં ચાંદીને સ્પષ્ટ પસંદગી દર્શાવી હોવાથી ચાંદીનું વેચાણ લગભગ બમણું થઈ ગયું હતું. આ બે દિવસની ઘરાકી અમારી ધારણા બહારની રહી હતી. એ જોતાં અમને આશા છે કે દિવાળીથી લાભપાંચમ સુધી હજી વેચાણમાં વૃદ્ધિ જોવા મળશે.’
ADVERTISEMENT
રીટેલ અર્થતંત્રને નવી ઊર્જા મળી
આ ધનતેરસે બજારોમાં વિક્રમી વેચાણ થયું હતું એમ જણાવતાં ઑલ ઇન્ડિયા જ્વેલર્સ ઍન્ડ ગોલ્ડસ્મિથ્સ ફેડરેશન (AIJGF)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિવાળીનો આ તહેવાર માત્ર આર્થિક પ્રવૃત્તિનું પ્રતીક જ નથી પરંતુ આસ્થા, સમૃદ્ધિ અને સ્વદેશી સંકલ્પની ઉજવણી પણ બની ગયો છે. એણે ભારતના રીટેલ અર્થતંત્રને નવી ઊર્જા આપી છે.’


