Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > બજારની પીછેહઠ વચ્ચે કૅપિટલ ગુડ્સ, પાવર, સરકારી બૅન્કો, પીએસયુ સેક્ટર લાઇમ લાઇટમાં

બજારની પીછેહઠ વચ્ચે કૅપિટલ ગુડ્સ, પાવર, સરકારી બૅન્કો, પીએસયુ સેક્ટર લાઇમ લાઇટમાં

16 May, 2024 06:52 AM IST | Mumbai
Anil Patel

પૉઝિટિવ ઓપનિંગ બાદ સેન્સેક્સ ઉપરમાં ૭૩,૩૦૧ વટાવ્યા પછી ખરડાઈને નીચામાં ૭૨,૮૮૩ થયો હતો

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


સિમેન્સ ૭૦૦૦ અને થર્મેક્સ ૫૦૦૦ની પાર થઈ નવી વિક્રમી સપાટીએ : બૉમ્બે સાઇકલ પરિણામની પૂર્વસંધ્યાએ ૨૦ ટકાની તેજીમાં બંધ : પબ્લિક હોલ્ડિંગ વિશે સેબીની રાહત મળતાં એલઆઇસી સવાછ ટકાની તેજીમાંઃ હિટાચી પાવર ૯૬૭ના ઉછાળે પાંચ આંકડામાં, એક્સ-સ્પ્લિટ થતાં કૅનેરા બૅન્કમાં ઝમક : સોલરા ઍક્ટિવ એક્સ-રાઇટ થતાં પોણાઅગિયાર ટકા તૂટ્યો, ભારતી ઍરટેલ અને ભારતી હેક્સાકૉમ મજબૂત : એશિયન પેઇન્ટ્સના સીઈઓ તરફથી જીડીપીના આંકડા શંકાસ્પદ હોવાનો અભિપ્રાય : વિરુષ્કાના રોકાણવાળી ગો ડિજિટનો ઇશ્યુ પ્રથમ દિવસે ૩૬ ટકા ભરાયો, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટ્યું : વિન્સોલ એન્જિનિયર્સ તેજીની સર્કિટમાં

અમેરિકન ફેડના સૂત્રધાર જેરોમી પૉવેલે છેવટે કહી દીધું છે કે ફુગાવો ઘટાડાતરફી છે, પરંતુ ઘટાડાની માત્રા ધારણા મુજબની કે સંતોષજનક નથી એથી વ્યાજદરમાં ઘટાડો પાછો ઠેલાશે. ૨૦૨૪માં રેટ-કટને ખાસ અવકાશ નથી લાગતો. વિશ્વબજારોને આ વાત ગમે એવી નથી, પરંતુ એની ખાસ અસર ત્વરિત જોવાઈ નથી. બુધવારે હૉન્ગકૉન્ગ અને સાઉથ કોરિયન બજાર રજામાં હતું. ચાઇના તથા સિંગાપોર પોણો ટકો ઘટ્યું છે. સામે ઇન્ડોનેશિયા સવા ટકો અને તાઇવાન પોણો ટકો અપ હતું. થાઇલૅન્ડ અડધો ટકો નરમ અને જપાન લગભગ ફ્લૅટ રહ્યું છે. યુરોપ નજીવી વધઘટે મિશ્ર વલણ રનિંગમાં દાખવતું હતું. પાકિસ્તાનનું કરાચી શૅરબજાર જોશમાં છે. ત્યાંનો આંક ૭૫,૧૧૫ની નવી ઑલટાઇમ હાઈ બનાવી ૧૬૩ પૉઇન્ટની આગેકૂચમાં ૭૪,૬૯૪ બંધ થયો છે. 
ઘરઆંગણે ૪ જૂન પછી ફરીથી સત્તારૂઢ થવાના હુંકાર સાથે બજારમાં તેજી રહેવાની અમિત શાહ ઍન્ડ પાર્ટીએ આપેલી ખાતરીનો કૈફ પૂરો થયો હોય એમ શૅરબજાર ગઈ કાલે ૧૧૭ પૉઇન્ટની પીછેહઠમાં ૭૨,૯૮૭ તથા નિફ્ટી ૧૭ પૉઇન્ટ ઘટી ૨૨,૨૦૧ નજીક બંધ આવ્યો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ સેન્સેક્સ ઉપરમાં ૭૩,૩૦૧ વટાવ્યા પછી ખરડાઈને નીચામાં ૭૨,૮૮૩ થયો હતો અને આ ખરાબી બજાર ખૂલ્યા પછીના માંડ પોણા કલાકમાં જ જોવાઈ હતી. ત્યાર પછી આખો દિવસ માર્કેટ રેડ ઝોનમાં રહ્યું હતું. બજારનું માર્કેટકૅપ જોકે ૨.૩૪ લાખ કરોડના ઉમેરામાં ૪૦૪.૨૫ લાખ કરોડને વટાવી ગયું છે માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી છે. એનએસઈ ખાતે વધેલા ૧૩૩૮ શૅરની સામે ૯૩૮ જાતો નરમ હતી. બન્ને બજારના સેક્ટોરલ લગભગ મિક્ષ વલણમાં હતા. પાવર, યુટિલિટીઝ, ઑઇલ-ગૅસ, એનર્જી, કૅપિટલ ગુડ્સ, પીએસયુ બૅન્ક નિફ્ટી, રિયલ્ટી જેવા ઇન્ડાઇસિસ એકથી બે ટકા તો પીએસયુ ઇન્ડેક્સ દોઢેક ટકા આગળ વધ્યો છે. બૅન્ક નિફ્ટી ૧૭૨ પૉઇન્ટ કે ૦.૪ ટકા જેવો ઘટ્યો છે. એફએમસીજી, ઑટો, નિફ્ટી મીડિયા અડધો-પોણો ટકો ઢીલા હતા.


રોકડામાં કિર્લોસ્કર બ્રધર્સ અને બૉમ્બે ડાઇંગ ૧૧ ટકાથી વધુની તેજીમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યા હતા. હિટાચી પાવર ૧૦,૮૫૦ની ઑલટાઇમ હાઈ બતાવી ૯.૯ ટકા કે ૯૬૭ની તેજીમાં ૧૦,૭૫૦ની ઑલટાઇમ હાઈ બતાવી ૧૦,૭૫૨ બંધ થયો છે. ભાવ વર્ષ પૂર્વે ૩૭૩૯ હતો. આ શૅરની ફેસવૅલ્યુ બેની છે. બૉમ્બે સાઇકલ રોજના સરેરાશ ૧૨૦ શૅરની સામે ૫૫૨૯ શૅરના કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૯૬ રૂપિયાના ઉછાળે ૧૭૭૬ થઈ છે. કંપનીના પરિણામ માટે બોર્ડ મીટિંગ આજે, ગુરુવારે મળવાની છે. સરકારી કંપની આઇટીઆઇ લિમિટેડ ૧૫ ગણા વૉલ્યુમે પોણાદસ ટકાના જોરમાં ૩૧૩ થઈ છે. શિપિંગ કૉર્પોરેશન સાડાસાત ટકા, એલઆઇસી સવાછ ટકા, એમએસટીસી સાડાપાંચ ટકા મજબૂત હતી. હોન્ડા ઇન્ડિયા પાવર પ્રોડક્ટ્સ ૩૪૯ રૂપિયા કે સવાચૌદ ટકાની છલાંગમાં ૨૮૧૦ થયો છે. પરિણામ ૨૦ મેએ છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી મુંબઈની વરયા ક્રીએશન ૨૦ ટકાની નીચલી સર્કિટમાં ૧૭૬ રહી છે. ૩૦ એપ્રિલે અહીં ૨૯૯ની ટૉપ બની હતી. 

ભારતી ઍરટેલમાં નબળાં પરિણામની અવગણના, સિપ્લા સતત મજબૂત
ભારતી ઍરટેલ નફામાં ઘટાડા સાથે નબળાં પરિણામને અવગણી પોણાબે ગણા કામકાજે બે ટકા વધી ૧૩૧૨ બંધમાં બજારને સર્વાધિક ૫૮ પૉઇન્ટ ફળ્યો છે, તો એચડીએફસી બૅન્ક દોઢ ટકા બગડી ૧૪૩૯ના બંધમાં ૧૫૨ પૉઇન્ટ નડ્યો છે. માથે પરિણામ વચ્ચે તેજીની ચાલ જાળવી રાખતાં મહિન્દ્ર સવા ટકો વધી ૨૩૦૦ના શિખરે બંધ રહ્યો છે. એશિયન પેઇન્ટ્સ ૧.૮ ટકા વધુ ઘટી ૨૯૧૩ હતો. કંપનીના સીઈઓ તરફથી દેશના જીડીપી ગ્રોથના આંકડા શંકાસ્પદ કે અવાસ્તવિક રીતે ઊંચા હોવાના નિવેદનથી કૉર્પોરેટ વિશ્વમાં હલચલ મચી છે. તાતા મોટર્સ પોણાબે ટકા બગડી ૯૪૭ હતો. કંપનીનો ૧૭,૦૦૦ કરોડ પ્લસનો જોરદાર નફો આવ્યો પછી શૅર વધવાના બદલે સતત ઘટાડામાં છે. 



સિપ્લા સુધારાની હૅટ-ટ્રિકમાં સાડાત્રણ ટકા વધી ૧૪૦૪ વટાવી ગયો છે. રિઝલ્ટ આ કંપનીને ફળ્યાં છે. કંપનીના પ્રમોટર્સ દ્વારા સખાવતી કે ધર્માદાના હેતુથી ભંડોળની જોગવાઈ કરતાં અઢી ટકા હિસ્સો વેચી ૨૬૦૦ કરોડ ઊભા કરવાનો ઉમદા નિર્ણય શૅરને પણ લાભદાયી નીવડ્યો છે. કેઆર ચોકસીવાળા ૧૬૩૩ની ટાર્ગેટ પ્રાઇસથી સિપ્લામાં બુલિશ છે. કોલ ઇન્ડિયા સવાચાર ટકા ઊંચકાઈ ૪૬૮ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર હતી. ભારત પેટ્રોલિયમ શૅરદીઠ એક બોનસનો કરન્ટ વધઘટે જાળવી રાખતાં સવાત્રણેક ટકા વધી ૬૨૫ થઈ છે.


હેવીવેઇટ રિલાયન્સ સરેરાશ કરતાં ૨૫ ટકા વૉલ્યુમે સાડાઆઠ રૂપિયા જેવા નજીવા ઘટાડે ૨૮૨૧ હતો. અદાણી ગ્રુપના ૧૧માંથી ૯ શૅર પ્લસ હતા. અદાણી એન્ટર અડધો ટકો વધ્યો છે. અદાણી પાવર ૬૪૮ની ઑલટાઇમ હાઈ બતાવી બે ટકા વધી ૬૪૦ હતો. અદાણી ગ્રીન પોણાત્રણ ટકા નજીક, અદાણી ટોટલ એક ટકો, અંબુજા સિમેન્ટ્સ અને અદાણી પોર્ટ્સ અડધા ટકા નજીક, એસીસી તથા સાંધી ઇન્ડ. એકાદ ટકો પ્લસ હતા. અદાણી વિલ્મર એક ટકો ઘટ્યો છે. રિલાયન્સ ગ્રુપની જસ્ટડાયલ એક ટકો અને હૅથવે કેબલ્સ સવા ટકો ઘટી છે. સ્ટર્લિંગ વિલ્સન પાંચ ટકાની ઉપલી સર્કિટ આગળ ધપાવી ૭૬૦ના બેસ્ટ લેવલે ગઈ છે. ટીવી-૧૮ દોઢ ટકા, ડેન નેટવર્ક બે ટકા, આલોક ઇન્ડ. પોણાબે ટકા, રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા તથા જિયો ફાઇ. અડધા ટકા આસપાસ વધી હતી. લોટસ ચૉકલેટ એક ટકો ઘટી છે. નેટવર્ક-૧૮ ફ્લૅટ રહી છે. 

ટીબીઓ ટેકનું ટકાટક અને આધાર હાઉસિંગનું નબળું લિસ્ટિંગ 
આધાર આઉસિંગ ૧૦ના શૅરદીઠ ૩૧૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૪૮ના પ્રીમિયમ સાથે ડિસ્કાઉન્ટમાં ૩૧૪ ખૂલી નીચામાં ૨૯૩ તથા ઉપરમાં ૩૪૩ બતાવી ૩૨૯ બંધ થતાં ૪.૬ ટકાના લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. સામે ટીબીઓ ટેક એકના શૅરદીઠ ૯૨૦ની ઇશ્યુ પ્રાઇસ અને ૩૫૦ના પ્રીમિયમ સામે ૧૩૮૦ ખૂલી નીચામાં ૧૨૭૫ તથા ઉપરમાં ૧૪૫૬ થઈ ૧૪૦૫ બંધ આવતાં એમાં ૫૨.૭ ટકા કે શૅરદીઠ ૪૮૫ રૂપિયાનો મજેદાર લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. એસએમઈ સેગમેન્ટમાં ગઈ કાલે અમદાવાદી ટીજીઆઇએફ ઍગ્રી બિઝનેસ ૯૩ની ઇશ્યુ પ્રાઇસ અને છેલ્લે ૭૦ના પ્રીમિયમ સામે ૧૫૦ ખૂલી ૧૪૨ બંધ થતાં ૫૩ ટકા કે ૪૯ રૂપિયાનું લિસ્ટિંગમાં રિટર્ન મળ્યું છે, જ્યારે સિલ્કફ્લેકસ પૉલિમર્સ બાવનની ઇશ્યુ પ્રાઇસ અને ૧૫ના પ્રીમિયમ સામે ૬૦ ખૂલ્યા બાદ ૫૯ બંધ આવતાં ૧૩ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળે છે. અમદાવાદની એનર્જી મિશન મશીનરીનો ૧૦ના શૅરદીઠ ૧૩૮ના ભાવનો એસએમઈ આઇપીઓ ગુરુવારે લિસ્ટેડ થવાનો છે. પ્રીમિયમ ૧૪૦ જેવું છે. આગલા દિવસે ૪૧૧ ટકાનો મારફાડ લિસ્ટિંગ ગેઇન આપનારી જામનગરની વિન્સોલ એન્જિનિયર્સ ગઈ કાલે પાંચ ટકાની તેજીની સર્કિટે ૪૦૨ વટાવી ત્યાં જ બંધ આવી છે. ઇન્ડિજેન સવાબે ટકા વધીને ૫૬૭ નજીક ગઈ છે. 

વિરુષ્કાના રોકાણવાળી ગો ડિજિટ જનરલ ઇન્શ્યૉરન્સનો ૧૦ના શૅરદીઠ ૨૭૨ની અપર બૅન્ડવાળો ૨૬૧૫ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૩૬ ટકા ભરાયો છે. પ્રીમિયમ અગાઉના ૪૭થી ઘટી ૩૨ થઈ ગયું છે. ઇન્ડિયન ઇમ્યુલસાઇફરમાં હાલ ૨૦૦, એબીએસ મરીનમાં ૮૫, મનદીપ ઑટોમાં ૨૦ તથા વેરિતાસ ઍડ.માં ૧૧૦ના પ્રીમિયમ છે. 

કોલગેટ સારાં પરિણામમાં ગગડ્યો, પતંજલિ નબળાં રિઝલ્ટથી બેઅસર 
કૅનેરા બૅન્ક ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં પાંચ ટકાની તેજીમાં ૧૧૯ બંધ આવી છે. આંધ્ર પેપરમાં ૧૦ના શૅરનું બે રૂપિયામાં વિભાજન નક્કી થયું છે. ત્રિમાસિક નફો ૭૫ ટકા જેવો ગગડી ૩૮ કરોડ થયો છે. શૅર જોકે અઢી ટકાના સામાન્ય ઘટાડે ૫૧૨ નજીક બંધ આવ્યો છે. ટાઇટન ઇન્ટેક પાંચ શૅરદીઠ ત્રણ બોનસમાં શુક્રવારે એક્સ-બોનસ થવાનો છે. ભાવ એક ટકો ઘટી ૧૦૪ નીચે રહ્યો છે. વર્ષની બૉટમ ૩૮ની છે. વર્ધમાન પોલિયેસ્ટર ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં ૧૭મીએ એક્સ-સ્પ્લિટ થવાનો છે. શૅર ગઈ કાલે ૧૦૭ની વર્ષની ટૉપ બતાવી સવાત્રણ ટકા વધીને ૧૦૬ નજીક ગયો છે. સોલરા ઍક્ટિવ ત્રણ શૅરદીઠ એકના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૩૭૫ના ભાવે રાઇટ ઇશ્યુમાં એક્સ-રાઇટ થતાં બુધવારે ૧૦.૮ ટકા ગગડી ૪૮૮ રહ્યો છે. 

કોલગેટ પામોલિવ દ્વારા જાહેરાત ખર્ચમાં ૧૮ ટકાની વૃદ્ધિ છતાં ૨૦ ટકાના વધારામાં ૩૮૦ કરોડના નફા સાથે સારાં પરિણામ રજૂ થયાં છે, પરંતુ શૅર પ્રૉફિટ બુકિંગમાં બમણા કામકાજે પાંચ ટકા કે ૧૪૫ રૂપિયા ખરડાઈને ૨૬૭૩ બંધ રહ્યો છે. એલઆઇસીને લિસ્ટિંગ સંબંધી ન્યુનતમ પબ્લિક હોલ્ડિંગ વિશેના નિયમમાં સેબીએ ત્રણ વર્ષની રાહત આપી છે. આના લીધે નજીકના ભવિષ્યમાં ફ્લોટિંગ સ્ટૉકમાં વધારો થવાની શક્યતા રહેતી નથી. શૅર પાંચ ગણા કામકાજે સવાછ ટકા પોરસાઈને ૯૯૦ થયો છે. બાબા રામદેવની પતંજલિ ફૂડ્સ તરફથી આવકમાં ચાર ટકા વૃદ્ધિ સાથે ત્રિમાસિક નફો ૨૨ ટકા ઘટીને ૨૦૬ કરોડ આવ્યો છે, પરંતુ શૅર સાડાત્રણ ટકા ઊંચકાઈને ૧૩૮૩ જેવો બંધ રહ્યો છે. અપોલો ટાયર્સ ૧૩ ટકાના ઘટાડે ૩૫૪ કરોડના ચોખ્ખા નફામાંય ૪૭૪ના આગલા લેવલે ફ્લૅટ હતો. પીવીઆર આઇનોક્સે ૧૩૦ કરોડની નેટ લોસ કરી છે. મૂવી કન્ટેન્ટના અભાવ વચ્ચે દર્શકોને ખેંચી લાવવા કંપની ક્રિકેટ વર્લ્ડ કપ, ઇવેન્ટ્સ, કૉન્સર્ટ ઇત્યાદી પ્રદર્શિત કરવાની યોજના વિચારી રહી છે. શૅર પોણો ટકો ઘટીને ૧૨૮૬ બંધ હતો. ૧૨૪૮ની ઐતિહાસિક બૉટમ અહીં નજીકમાં તૂટવા સંભવ છે. ભારતી હેક્સાકૉમ પરિણામ પાછળ ૬ ટકાના જમ્પમાં ૪ ગણા કામકાજે ૯૫૫ નજીક બંધ થયો છે.

સંખ્યાબંધ શૅરોમાં નવા શિખર સાથે કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ 

કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૭માંથી ૨૪ શૅરની મજબૂતીમાં ૬૪,૫૦૮ની વિક્રમી સપાટી બનાવી ૨.૧ ટકા કે ૧૩૪૬ પૉઇન્ટ ઊછળી ૬૪,૪૫૪ બંધ થયો છે, જેમાં સિમેન્સનું પ્રદાન ૨૪૫ પૉઇન્ટ હતું. દમદાર રિઝલ્ટ સાથે ડીમર્જરની યોજનાના પગલે જેફરીઝ સહિતના બ્રોકરેજ હાઉસ દ્વારા અહીં ૭૭૦૦થી ૮૦૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જારી થયો છે. શૅર ગઈ કાલે ૭૨૪૪ની સર્વોચ્ચ સપાટી દેખાડી સાત ટકા કે ૪૬૬ની તેજીમાં ૭૧૨૦ બંધ આવ્યો છે. થર્મેક્સમાં પરિણામ બાદ બ્રોકરેજ હાઉસ મિક્સ વ્યુમાં રહ્યા છે. કોટકવાળા ૩૫૫૦ના ભાવે બેરિશ વ્યુમાં છે. એચડીએફસી સિક્યૉરિટીએ ૪૬૮૬ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનો કૉલ આવ્યો હતો અને શૅર બુધવારે પરિણામ બાદ ત્રીજા દિવસની મજબૂતીમાં ૫૩૪૭ની ઑલટાઇમ હાઈ બતાવી આઠ ટકા કે ૩૮૧ના ઉછાળે ૫૦૭૩ થયો છે. ભાવ વર્ષ પૂર્વે ૨૧૯૨ હતો. એસકેએફ ઇન્ડિયા પણ ૫૩૬૫ની નવી ટૉપ નોંધાવી ૬ ટકા કે ૩૦૫ રૂપિયાના જમ્પમાં ૫૩૧૭ રહ્યો છે. ટીમકેન ઇન્ડિયા ૪૦૧૭ના શિખરે જઈ સાત ટકા કે ૨૪૯ રૂપિયા ઊંચકાઈ ૩૯૮૯ હતો. સીજી પાવર ૬૫૦ નજીકના બેસ્ટ લેવલે જઈ ૫.૪ ટકાના ઉછાળે ૬૪૧ થયો છે. સૂઝલોન ૫ ટકાની ઉપલી સર્કિટે ૪૨ વટાવી ત્યાં જ હતો. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ ૪૧૯૨ની ઑલટાઇમ હાઈ બનાવી ૨.૭ ટકા કે ૧૦૯ રૂપિયાની આગેકૂચમાં ૪૧૮૪ થયો છે. ગયા વર્ષે ૨૫ મેએ ભાવ ૧૪૯૦ના તળિયે હતો. લાર્સન એક ટકાના સુધારામાં ૩૪૧૦ બંધ આપી કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સને ૨૧૯ પૉઇન્ટ ફળ્યો હતો. ભારત ફોર્જ ૧૪૬૭ના શિખરે જઈ દોઢ ટકો વધી ૧૪૬૨ રહ્યો છે. વીગાર્ડ ૩૭૮ની ટોચે જઈ ૩.૫ ટકા વધી ૩૬૬ હતો. અન્યમાં સોના કોમસ્ટાર ૪.૩ ટકા, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ ૩.૬ ટકા, કાર્બોરેન્ડમ યુનિ. ૩.૨ ટકા, ફિનોલેક્સ કેબલ્સ ૨.૮ ટકા, સેફલર અઢી ટકા, પૉ‌લિકેબ ૨.૩ ટકા, ભેલ એક ટકો, ગ્રાઇન્ડવેલ નોર્ટન ૧.૪ ટકા અપ હતા. એબીબી ઇન્ડિયા ૮૧૩૨ના શિખરે જઈ નજીવો ઘટી ૮૦૬૬ રહ્યો છે. એઆઇએ એન્જી. અડધો ટકો ઘટી ૩૭૫૦ થયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2024 06:52 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK