હૅકિંગ થયેલી કરન્સી પાછી નહીં મળે તોપણ બાયબિટ એ પાછી આપશે, એવું એક્સચેન્જના ચીફ એક્ઝિક્યુટિવ બેન ઝોઉએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ મારફતે જણાવ્યું છે.
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ – બાયબિટમાંથી ૧.૫ અબજ ડૉલર મૂલ્યની ક્રિપ્ટોકરન્સીનું હૅકિંગ થયા બાદ એક્સચેન્જે ક્રિપ્ટોની રિકવરી માટે સાઇબર સિક્યૉરિટી ક્ષેત્રના અત્યંત તેજસ્વી લોકો પાસેથી મદદ માગી છે. આ હૅકિંગ અત્યાર સુધીની સૌથી મોટી ડિજિટલ ચોરી કહી શકાય એટલા મોટા પ્રમાણમાં થયું છે. દુબઈસ્થિત આ એક્ચેન્જે જણાવ્યા મુજબ હૅકરે ઇથેરિયમના એક વૉલેટ પર કબજો કરી લીધો હતો અને એમાંના કૉઇન અજાણ્યા ઍડ્રેસ પર મોકલી આપ્યા હતા. નોંધનીય છે કે ઇથેરિયમ એ બિટકૉઇન પછીની સૌથી વધુ લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી છે. બાયબિટે ગ્રાહકોને સાંત્વન આપતાં કહ્યું હતું કે એમની ક્રિપ્ટોકરન્સીને કોઈ નુકસાન થયું નથી. હૅકિંગ થયેલી કરન્સી પાછી નહીં મળે તોપણ બાયબિટ એ પાછી આપશે, એવું એક્સચેન્જના ચીફ એક્ઝિક્યુટિવ બેન ઝોઉએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ મારફતે જણાવ્યું છે.
બાયબિટ વિશ્વભરમાં ૬૦ મિલ્યન કરતાં વધુ યુઝર્સ ધરાવે છે અને ટ્રેડિંગ વૉલ્યુમની દૃષ્ટિએ દુનિયાનું બીજા ક્રમાંકનું ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ છે. ઝોઉએ જણાવ્યા મુજબ નાણાંનો ઉપાડ કરવા માટે ગ્રાહકો પાસેથી સાડાત્રણ લાખ કરતાં વધુ વિનંતીઓ પ્રાપ્ત થઈ છે. કંપની રાબેતા મુજબ ઑફલાઇન કોલ્ડ વૉલેટમાંથી વૉર્મ વૉલેટમાં ઇથેરિયમની ટ્રાન્સફર કરી રહી હતી એવા સમયે હૅકિંગ થયું હતું. બાકીનાં બધાં વૉલેટ સલામત છે.
ADVERTISEMENT
દરમ્યાન, વૈશ્વિક ઇક્વિટી બજારની રાહે ક્રિપ્ટો માર્કેટમાં પણ સોમવારે ઘટાડો નોંધાયો હતો. માર્કેટ કૅપિટલાઇઝેશન ૨.૮૦ ટકા ઘટીને ૩.૦૯ ટ્રિલ્યન થયું હતું. બિટકૉઇન ૦.૩૩ ટકા ઘટીને ૯૫,૫૯૧ ડૉલર થયો હતો, જ્યારે ઇથેરિયમમાં ૪.૨૦ ટકાના ઘટાડા સાથે ભાવ ૨૬૭૯ ડૉલર પર પહોંચ્યો હતો. એક્સઆરપીમાં ૩.૨૯ ટકા, સોલાનામાં ૬.૬૪ ટકા, ડોઝકૉઇનમાં ૫.૯૧ ટકા, કાર્ડાનોમાં ૫.૬૫ ટકા, ચેઇનલિંકમાં ૬.૩૮ તથા અવાલાંશમાં ૫.૪૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો.


