કૉઇનબેઝ રજિસ્ટ્રેશન કરાવ્યા વગર સિક્યૉરિટીઝ બ્રોકર તરીકે કામકાજ કરે છે એવો આરોપ મૂકીને SECએ એની વિરુદ્ધ ખટલો માંડ્યો હતો.
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકામાં સરકાર બદલાયાની સારી અસર કૉઇનબેઝ પર થઈ છે. ડોનલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા બાદ દેશની સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન (SEC)એ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ – કૉઇનબેઝ વિરુદ્ધનો કેસ પડતો મૂકવાનો નિર્ણય લીધો છે. કૉઇનબેઝ રજિસ્ટ્રેશન કરાવ્યા વગર સિક્યૉરિટીઝ બ્રોકર તરીકે કામકાજ કરે છે એવો આરોપ મૂકીને SECએ એની વિરુદ્ધ ખટલો માંડ્યો હતો.
કૉઇનબેઝે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે SECના કમિશનર આખરી મંજૂરી આપશે ત્યાર બાદ જ ઔપચારિક રીતે ખટલો પાછો ખેંચી લેવાશે. કૉઇનબેઝના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર બ્રાયન આર્મસ્ટ્રૉન્ગે આ નિર્ણય સંબંધે કહ્યું છે કે સત્તાવાર રીતે નિર્ણય અમલમાં મુકાશે તો માત્ર એક્સચેન્જ માટે નહીં, પરંતુ સમગ્ર ક્રિપ્ટોઉદ્યોગ માટે એ ઘણી સારી વાત કહેવાશે.
ADVERTISEMENT
SECએ જૂન ૨૦૨૩માં અનેક કંપનીઓ વિરુદ્ધ આવા ખટલા માંડ્યા હતા, જેનાથી સમગ્ર ક્રિપ્ટોઉદ્યોગ ચિંતિત હતો.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં આજનો દિવસ સુધારાનો હતો. કૉઇનબેઝ સંબંધિત નિર્ણય એ માટેનાં મુખ્ય કારણોમાં સામેલ હતો. માર્કેટ કૅપિટલાઇઝેશન ૨.૨૧ ટકા વધીને ૩.૨૮ ટ્રિલ્યન ડૉલર થયું હતું, જ્યારે બિટકૉઇનનો ભાવ ૨૪ કલાકના ગાળામાં ૨.૧૨ ટકા વધીને ૯૯,૩૬૬ ડૉલર થયો હતો. ઇથેરિયમ ૩.૬૧ ટકા વધીને ૨૮૩૬ ડૉલર અને એક્સઆરપી ૦.૫૫ ટકા વધીને ૨.૭૦ ડૉલર પર પહોંચ્યા હતા. સોલાના ૪ ટકા, ડોઝકૉઇન ૨.૬૧ ટકા, કાર્ડાનો ૩.૪૨ ટકા અને ટ્રોન ૩ ટકા વધ્યા હતા.


