Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બજારમાં નરમાઈની હૅટ-ટ્રિક આગળ વધી હેલ્થકૅર મજબૂત, આઇટીમાં નબળાઈ

બજારમાં નરમાઈની હૅટ-ટ્રિક આગળ વધી હેલ્થકૅર મજબૂત, આઇટીમાં નબળાઈ

Published : 15 July, 2025 08:59 AM | Modified : 17 July, 2025 07:08 AM | IST | Mumbai
Anil Patel

વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝમાંથી દિલીપ પિરામલની એક્ઝિટને બજારનાં વધામણાં : એક્સ-રાઇટની પૂર્વસંધ્યાએ ક્લીચ ડ્રગ્સ ઉપલી સર્કિટમાં બંધ

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


દોઢ લાખનો માઇલસ્ટોન સર કરવા બિટકૉઇન અને પાકિસ્તાની શૅરબજાર વચ્ચે હોડ જામી હોવાનો માહોલ : વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝમાંથી દિલીપ પિરામલની એક્ઝિટને બજારનાં વધામણાં : એક્સ-રાઇટની પૂર્વસંધ્યાએ ક્લીચ ડ્રગ્સ ઉપલી સર્કિટમાં બંધ : મુંબઈની મોનિકા આલ્કોબિવનો શૅરદીઠ ૨૮૬ના ભાવે ઇશ્યુ બુધવારે, રોકાણ માટે મોનિકા કરતાં નૉર્ધર્ન સ્પિરિટ્સ ઘણો સારો : ન્યુલૅન્ડ લૅબમાં તગડા વૉલ્યુમે ૨૨૯૫ રૂપિયાની તેજી, નવી દિલ્હીની કોલેબ પ્લૅટફૉર્મ સતત ૧૯ દિવસથી ઉપલી સર્કિટમાં : માથે પરિણામ વચ્ચે રિલાયન્સ અને જિયો ફાઇનૅન્શ્યલમાં નબળાઈ : ગ્લેન ઇન્ડસ્ટ્રીઝનું લિસ્ટિંગ આજે


તેજીની નવી ભ્રમણકક્ષામાં પ્રવેશ કરતાંની સાથે જ બિટકૉઇનમાં નવા શિખરની હારમાળા શરૂ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ભાવ ૧,૨૨,૮૮૪ ડૉલરની નવી વિક્રમી સપાટી બનાવી રનિંગમાં ત્રણેક ટકા વધી ૧,૨૧,૪૭૯ ડૉલર દેખાયો છે. ભારતીય ચલણમાં ભાવ એક કરોડ છ લાખ રૂપિયા નજીકના બેસ્ટ લેવલે જઈ અઢી ટકાના વધારામાં ૧,૦૪,૬૧,૦૦૦ રૂપિયા ક્વોટ થઈ રહ્યો હતો. હાલનો રંગ જોતાં લાગે છે કે નવેમ્બર સુધીમાં બિટકૉઇન દોઢ લાખ ડૉલર થઈ જાય તો નવાઈ નહીં. આ દોઢ લાખના ફીગરની વાત નીકળી છે એટલે અનાયાસ પાકિસ્તાનનું શૅરબજાર યાદ આવી ગયું છે. આગલા દિવસે ૧,૩૪,૩૦૦ નજીકના બેસ્ટ લેવલે બંધ થયા પછી પાકિસ્તાનનો કરાચી શૅરબજારનો આંક ગઈ કાલે ૧,૩૬,૮૪૧ની નવી ઑલટાઇમ હાઈ બતાવી ૧.૯ ટકા કે ૨૪૮૬ પૉઇન્ટની તેજીમાં ૧,૩૬,૭૮૬ બંધ થયો છે. એક લાખે પહોંચવાની હોડમાં પાકિસ્તાની બજાર મેદાન મારી ગયું હતું. ત્યાં ૨૦૨૪ની ૧ નવેમ્બરે શૅરઆંક પ્રથમ વાર એક લાખની પાર થયો હતો, જ્યારે બિટકૉઇન ડિસેમ્બર ૨૦૨૪ના પ્રથમ સપ્તાહમાં પહેલી વાર લાખેણો બન્યો હતો. હવે દોઢ લાખે પહેલું કોણ પહોંચે છે એ જોવું રહ્યું.



નવા સપ્તાહની શરૂઆત એશિયન બજારોમાં સુધારા સાથે થઈ છે. થાઇલૅન્ડ બે ટકા નજીક, ઇન્ડોનેશિયા અને સાઉથ કોરિયા પોણો ટકો, સિંગાપોર અડધો ટકો પ્લસ હતું. સામે તાઇવાન અડધો ટકો અને જપાન સામાન્ય ઘટ્યું છે. યુરોપ ઉપર ટ્રમ્પે ૩૦ ટકા ટૅરિફ જાહેર કરી છે. લંડન ફુત્સી ગઈ કાલે રનિંગમાં અડધા ટકા નજીક પ્લસ હતો. અન્ય યુરોપિયન બજાર અડધાથી એકાદ ટકો નીચે હતાં. બ્રેન્ટ ક્રૂડ ૭૧ ડૉલરની પાર થઈ ગયું છે.


નરમાઈની હૅટ-ટ્રિક આગળ ધપાવતાં સોમવારે ઘરઆંગણે બજાર વધુ ઢીલું પડ્યું છે. સેન્સેક્સ આગલા બંધથી ૩૯ પૉઇન્ટ પ્લસમાં ૮૨,૫૩૮ ખૂલી છેવટે ૨૪૭ પૉઇન્ટ ઘટીને ૮૨,૨૫૩ તથા નિફ્ટી ૬૭ પૉઇન્ટના ઘટાડે ૨૫,૦૮૨ બંધ થયો છે. બજારે ખૂલતાંની સાથે એને જ ઇન્ટ્રા-ડે હાઈ બનાવી રેડ ઝોનમાં આવી ગયું હતું જેમાં ૮૨,૦૧૦ની ઇન્ટ્રા-ડે બૉટમ બની હતી. નબળા બજારમાં હેલ્થકૅર બેન્ચમાર્ક ૧૦૫માંથી ૭૩ શૅરના સથવારે ૧.૨ ટકા કે ૫૧૧ પૉઇન્ટ મજબૂત હતો. નિફ્ટી મીડિયા ૧.૪ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી પોણો ટકો, રિયલ્ટી ૧.૪ ટકા, યુટિલિટીઝ પોણો ટકો પ્લસ હતા. રસાકસીવાળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૪૬૧ શૅરની સામે ૧૪૭૯ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૧.૦૨ લાખ કરોડ રૂપિયા વધી ૪૫૭.૬૪ લાખ કરોડને વટાવી ગયું છે.

વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૧.૭ ટકા છે. એમાંથી ૩૨ ટકા હિસ્સો શૅરદીઠ ૩૮૮ના ભાવે ૧૭૬૩ કરોડમાં મલ્ટિપલ પ્રાઇવેટ ઇક્વિટી ફન્ડ્સ દ્વારા હસ્તગત કરાયો છે. હવે ટેકઓવર રૂલ્સ મુજબ ૨૬ ટકા પબ્લિક હોલ્ડિંગ ખરીદવા શૅરદીઠ ૩૮૮ના ભાવે ઓપન ઑફર આવશે. શૅર ગઈ કાલે નવ ગણા વૉલ્યુમે નીચામાં ૪૩૧ થયા બાદ શાર્પ બાઉન્સબૅકમાં ૪૮૬ વટાવી સાડાપાંચ ટકા ઊચકાઈ ૪૮૨ બંધ થયો છે. BSE લિમિટેડ આગલા દિવસની ખરાબી બાદ ગઈ કાલે પોણાચાર ટકાના જમ્પમાં ૨૪૬૧ નજીક પહોંચી છે. MCX બે ટકા વધી ૮૨૧૫ હતી. અનુહ ફાર્મા આજે શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થશે. ભાવ ગઈ કાલે પોણો ટકો સુધરી ૨૦૭ બંધ હતો. અશોક લેલૅન્ડ બુધવારે બોનસ બાદ થવાની છે. ભાવ પોણાત્રણ ટકા વધી ૨૫૩ થયો છે. ક્લીચ ડ્રગ્સ એક્સ-રાઇટની પૂર્વસંધ્યાએ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૪૮૭ બંધ રહી છે.  


ટ્રાવેલ ફૂડનું નબળું લિસ્ટિંગ, પચીસ રૂપિયાની લિસ્ટિંગ લૉસ

મેઇન બોર્ડમાં ટ્રાવેલ ફૂડ એકના શૅરદીઠ ૧૧૦૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ અને છેલ્લે ગ્રે માર્કેટમાં બોલાતા પચીસ રૂપિયાના પ્રીમિયમ સામે ૧૧૨૬ ખૂલી નીચામાં ૧૦૬૫ થઈ ૧૦૭૫ બંધ થતાં અત્રે સવાબે ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે. SME સેગમેન્ટમાં કેમકાર્ટ ઇન્ડિયા શૅરદીઠ ૨૪૮ની ઇશ્યુ પ્રાઇસ અને ૩ના પ્રીમિયમ સામે ૨૫૦ ખૂલી ઉપલી સર્કિટમાં ૨૬૨ વટાવી ૨૫૯ બંધ થતાં એમાં ૪.૪ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. જ્યારે શૅરદીઠ ૧૦૦ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૫ના પ્રીમિયમવાળી સ્માર્ટન પાવર ૧૪૪ ખૂલી ઉપલી સર્કિટમાં ૧૫૧ વટાવી ત્યાં જ બંધ રહેતાં ૫૧ ટકા લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. મંગળવારે શૅરદીઠ ૯૭ના ઇશ્યુ ભાવવાળી ગ્લેન ઇન્ડસ્ટ્રીઝનું લિસ્ટિંગ છે. હાલ ૪૩ રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે.

નવાં ભરણાંમાં મેઇન બોર્ડ ખાતે કર્ણાટકાની ઍન્થમ બાયો સાયન્સિસનો બેના શૅરદીઠ ૫૭૦ની અપર બૅન્ડ સાથે કુલ ૩૩૯૫ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે ૭૬ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૩૦ ચાલે છે. સ્માર્ટવર્ક્સ કોવર્કિંગનો ૧૦ના શૅરદીઠ ૪૦૭ની અપર બૅન્ડ સાથે કુલ ૫૮૨ કરોડ પ્લસનો ઇશ્યુ કુલ ૧૪ ગણા પ્રતિસાદમાં ગઈ કાલે પૂરો થયો છે. પ્રીમિયમ ઘસાતું રહી હાલ ૧૨ થઈ ગયું છે. વાંકાનેર, રાજકોટની સ્પનવેબ નૉનવોવન લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૯૬ની અપર બૅન્ડમાં કુલ ૬૦૯૮ લાખ રૂપિયાનો NSE SME IPO ગઈ કાલે લાવી છે. ભરણું પ્રથમ દિવસે જ આઠ ગણું છલકાયું છે. પ્રીમિયમ વધીને ૩૫ થઈ ગયું છે.

અંધેરી-વેસ્ટ ખાતેની મોનિકા આલ્કોબિવ ૧૦ના શૅરદીઠ ૨૮૬ની અપર બૅન્ડમાં કુલ ૧૬,૫૬૩ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ બુધવારે કરવાની છે. ૨૦૧૫માં સ્થપાયેલી ભીમજી નાનજી પટેલની આ કંપની મોંઘો, લક્ઝરી બ્રૅન્ડનો જાત-જાતનો દારૂ આયાત કરી એનું ભારત સહિત ભારતીય ઉપખંડમાં વેચાણ કરે છે. કંપનીએ ગત વર્ષે ૨૩૮ કરોડની આવક પર ૨૩ કરોડ નેટ નફો કર્યો છે. દેવું ૧૭૪ કરોડનું છે. આના આધારે ઇશ્યુ પ્રાઇસ ૨૬.૫૦ ઉપરનો પીઈ સૂચવે છે. આવા જ પ્રકારના બિઝનેસમાં પ્રવૃત્ત નોર્ધર્ન સ્પિરિટ્સ જેનું કદ મોનિકા કરતાં છ ગણું મોટું છે એનો શૅર હાલ ૨૧૭માં મળે છે, એ માત્ર ૧૫નો પીઈ સૂચવે છે.

ઓલા ઇલેક્ટ્રિકની આવક ગગડી, ખોટ વધી, શૅરમાં ૧૮. ટકાની તેજી આવી

ન્યુલૅન્ડ લૅબ ગઈ કાલે ચિક્કાર વૉલ્યુમે ૧૮.૭ ટકા કે ૨૨૯૫ રૂપિયાની તેજીમાં ૧૪,૬૦૧ બંધ આપી ‘એ’ ગ્રુપ ખાતે બેસ્ટ ગેઇનર બની છે. ઓલા ઇલેક્ટ્રિકની ત્રિમાસિક આવક ૫૦ ટકા ગગડી ૮૨૮ કરોડ થઈ છે. ચોખ્ખી ખોટ ૩૪૭ કરોડથી વધીને ૪૨૮ કરોડ વટાવી ગઈ છે. આમ છતાં શૅર ૧૪ ગણા કામકાજે નીચામાં ૩૯.૫૮ના વર્સ્ટ લેવલે જઈ તગડા બાઉન્સબૅકમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૪૮ નજીક જઈ છેવટે ૧૮.૪ ટકાની તેજીમાં ૪૭ ઉપર બંધ આવ્યો છે. કંપનીએ માર્ચ ક્વૉર્ટરમાં ૬૧૧ કરોડની આવક પર ૮૭૦ કરોડની નેટ લૉસ કરી હતી. એની તુલનામાં જૂન ક્વૉર્ટરનાં પરિણામ ઘણાં ઉજળાં હોવાની થિયરી ચાલતાં શૅરમાં કરન્ટ આવ્યો હોવાનું કહેવાય છે. વિશાલ મેગામાર્ટ અઢી ગણા વૉલ્યુમે ૧૪૦ના શિખરે જઈ પોણાત્રણ ટકા વધી ૧૩૭ બંધ થયો છે. શૉપર્સ સ્ટૉપનાં પરિણામ ૧૭મીએ છે, શૅર ઉપરમાં ૫૪૨ વટાવ્યા બાદ સવાત્રણ ટકા વધીને ૫૨૯ હતો. ડીમાર્ટની આવક ૧૬ ટકા વધી એની સામે નફો માત્ર બે ટકા વધી ૮૩૦ કરોડ થયો છે. માર્જિન ભીંસમાં જોવાયુ છે. શૅર ૪૧૦૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ નીચામાં ૩૯૨૮ થઈ સવા ટકો ઘટી ૪૦૧૩ બંધ થયો છે.

ઘરઆંગણે ચાંદી ૧.૧૫ લાખ રૂપિયા આસપાસની વિક્રમી સપાટીએ પહોંચતાં હિન્દુસ્તાન ઝિન્ક પોણાત્રણ ટકા વધીને ૪૩૬ વટાવી ગઈ છે. જયપ્રકાશ પાવર વેન્ચર્સ તેજીની ચાલ બરકરાર રાખતાં ૪ ગણા કામકાજે ૨૭.૬૨ની ૧૨ વર્ષની નવી ટૉપ બનાવી ૧૫.૧ ટકા ઊછળી ૨૭.૨૨ બંધ રહ્યો છે. ત્રીજી માર્ચે અત્રે ૧૨.૩૫નું વર્સ્ટ લેવલ બન્યું હતું. અગાઉ JSG લિઝિંગ તરીકે ઓળખાતી કોલેબ પ્લૅટફૉર્મ સતત ૧૯મા દિવસે બે ટકાની ઉપલી સર્કિટ મારીને ગઈ કાલે ૪૩ ઉપર બંધ થઈ છે. ફેસવૅલ્યુ એકની છે. આ શૅરનો ભાવ ૭ ઑક્ટોબરે ૫.૪૨ના તળિયે હતો. ત્યાર બાદ ઉપલી સર્કિટની હારમાળામાં ભાવ ૮ મેએ ૭૬ના બેસ્ટ લેવલે પહોંચી ગયો હતો. ત્યાંથી સતત તૂટતો રહી ૧૭ જૂને ૨૫.૬૮ દેખાયો હતો. ત્યાર પછી ફરી વાર ઉપલી સર્કિટના ખેલ શરૂ થયેલા છે. શૅર આજે ૩૦૮ના અતિ ઊંચા પીઈ પર ચાલે છે. આને સટ્ટાખોરી ન કહેવાય?

ડિફેન્સમાં નરમાઈની હૅટ-ટ્રિક, ભારત અર્થમૂવર મજબૂત

સેન્સેક્સના ૩૦માંથી ૧૦ અને નિફ્ટીના ૫૦માંથી બાવીસ વધેલા શૅરમાં એટર્નલ ૪ ગણા કામકાજે પોણાત્રણ ટકા ઊચકાઈ ૨૭૧ નજીકના બંધમાં ટૉપ ગેઇનર બની છે. એની હરીફ સ્વિગી બે ટકા વધી ૩૯૩ હતી. ટાઇટન સવા ટકો, ઇન્ડસઇન્ડ બૅન્ક એક ટકો, ONGC એક ટકો, અદાણી એન્ટરપ્રાઇઝિસ ૦.૯ ટકા, SBI લાઇફ તથા ગ્રાસિમ પોણા ટકાથી વધુ પ્લસ હતા. રિલાયન્સનાં પરિણામ શુક્રવારે આવવાનાં છે. શૅર નરમાઈની ચાલમાં પોણા ટકા નજીક ઘટી ૧૪૮૪ રહ્યા છે.

જિયો ફાઇનૅન્શ્યલનાં રિઝલ્ટ ૧૭મીએ છે. શૅર બે ટકા બગડી નિફ્ટી ખાતે ટૉપ લૂઝર હતો. સેન્સેક્સમાં એશિયન પેઇન્ટ્સ દોઢ ટકાથી વધુ ઝંખવાઈ ૨૪૦૧ના બંધમાં ટૉપ લૂઝર બન્યો છે. ઇન્ફીનાં પરિણામ ૨૩મીએ જાહેર થવાનાં છે. શૅર દોઢ ટકો બગડી ૧૫૭૦ના બંધમાં બજારને ૭૪ પૉઇન્ટ નડ્યો હતો. ટીસીએસ વધુ સવા ટકાની નબળાઈમાં ૩૨૨૩ થયો છે. ટેક મહિન્દ્ર, HCL ટેક્નૉલૉજીઝ તથા વિપ્રો દોઢ ટકા જેવા ડૂલ થયા હતા. આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૩૫ શૅરની નરમાઈ વચ્ચે એક ટકો ખરડાયો છે. તાતાની નેલ્કો નફામાં ૬૦ ટકા ધોવાણના પગલે ૪.૪ ટકા લથડી ૯૦૫ થઈ છે. કન્ટ્રોલ પ્રિન્ટ પાંચ ગણા વૉલ્યુમે ૯૦૮ના શિખરે જઈ સાડાઆઠ ટકા ઊછળી ૯૦૪ના બંધમાં અત્રે ઝળકી હતી.

અન્યમાં બજાજ ફાઇનૅન્સ દોઢ ટકા, લાર્સન સવા ટકો, તાતા મોટર્સ એક ટકો, બજાજ ફીનસર્વ તથા કોટક બૅન્ક પોણો ટકો, આઇશર સવા ટકો, ટ્રેન્ટ એક ટકો નરમ થઈ છે. ડિફેન્સમાં પ્રૉફિટ બુકિંગ ચાલુ છે. ઇન્ડેક્સ ૧૮માંથી ૧૪ શૅરના ઘટાડે ૦.૯ ટકા ડાઉન હતો. આ સતત ત્રીજા દિવસની નબળાઈ છે. ભારત અર્થમૂવર પોણાચાર ટકા કે ૧૬૭ના ઉછાળે ૪૫૯૩ વટાવી ગઈ છે. સામે ગાર્ડન રિચ પોણાપાંચ ટકા કે ૧૩૪ રૂપિયા, ભારત ડાયનેમિક્સ પોણાબે ટકા, કોચીન શિપયાર્ડ પોણાત્રણ ટકા, માઝગાવ ડૉક ૧.૯ ટકા, પારસ ડિફેન્સ ૨.૪ ટકા, ઍક્સિસકેડ્સ અઢી ટકા, રશેલ ટૅક્સિસ પોણાચાર ટકા, સિકા ઇન્ટરપ્લાન્ટ સવાત્રણ ટકા, આઇઠિયા ફોર્જ સવા ટકો, મિશ્ર ધાતુ નિગમ ત્રણ ટકા, એમટાર દોઢ ટકો, પ્રીમિયર એક્સ્પ્લોસિવ્ઝ સવાબે ટકા ખરડાઈ છે.  

Whatsapp-channel Whatsapp-channel

17 July, 2025 07:08 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK