આગામી જુલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન ભારત અને અન્ય દેશોમાં અલ નીનોની અસર જોવા મળશે એવી આગાહી વિદેશની અનેક હવામાન એજન્સી અને ભારતની પ્રાઇવેટ વેધર એજન્સી સ્કાયમેટે અગાઉથી કરી દીધી છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગ્લોબલ વૉર્મિંગની વ્યાપકતા વધતાં અલ નીનો અને લા નીનોની પૅટર્ન હવે બહુ જ સામાન્ય બની ચૂકી છે. છાશવારે અલ નીનો અને લા નીનોની પૅટર્ન બનવા લાગી છે. વાસ્તવમાં ગ્લોબલ વૉર્મિંગને કારણે દરિયાના પેટાળના તાપમાનમાં થઈ રહેલા ત્વરિત ફેરફારને કારણે આ બે પૅટર્ન બની રહી છે. છેલ્લાં પાંચ વર્ષમાં અલ નીનો અને લા નીનોને કારણે અનેક દેશોના ઍગ્રિકલ્ચર ઉત્પાદનમાં ધરમૂળથી ફેરફારો થયાં છે અને એની અસર ઍગ્રી કૉમોડિટી માર્કેટમાં જોવા મળી છે. આગામી જુલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન ભારત અને અન્ય દેશોમાં અલ નીનોની અસર જોવા મળશે એવી આગાહી વિદેશની અનેક હવામાન એજન્સી અને ભારતની પ્રાઇવેટ વેધર એજન્સી સ્કાયમેટે અગાઉથી કરી દીધી છે. ભારતીય હવામાન ખાતું કાચીડો કલર બદલાવે એ રીતે આગાહીમાં ડબલ ઢોલકી વગાડી રહ્યું છે. ઘડીક એમ કહે છે કે અલ નીનોની અસર ભારતીય ચોમાસા પર નહીં પડે. ત્યાર બાદ ફેરવીને અલ નીનોની અસર ઓછી જોવા મળશે એવું કહે છે અને છેલ્લી આગાહી અનુસાર હવે અલ નીનોની અસર બહુ જ ઓછી રહેશે એવું કહેવામાં આવ્યું છે. આથી ખેડૂતો અને માર્કેટ સતત અવઢવમાં રહે છે કે અલ નીનો આવશે કે કેમ? ભારતમાં અલ નીનોની કેવી અસર જોવા મળશે? આવો પ્રશ્ન બધાને સતાવી રહ્યો છે. અલ નીનો અને લા નીનોની અસરે વિશ્વના કોઈ પણ ભાગમાં ભારે વરસાદ પડે છે તો કોઈ ભાગમાં સાવ વરસાદ પડતો નથી. આથી વિસ્તારો હવે દુકાળ અને અતિવૃષ્ટિનો શિકાર બની રહ્યા છે.
મલેશિયામાં પામતેલનું ઉત્પાદન ઘટવાની આગાહી
ADVERTISEMENT
તાજેતરમાં મલેશિયન પામ ઑઇલ બોર્ડે ૨૦૨૪માં અલ નીનોની અસરે મલેશિયામાં પામતેલનું ઉત્પાદન ૧૦થી ૩૦ લાખ ટન ઘટવાની આગાહી કરી છે. મલેશિયામાં ચાલુ વર્ષે ૧૯૦ લાખ ટન પામતેલનું ઉત્પાદન થવાનો અંદાજ છે, જેમાં ૨૦થી ૩૦ લાખ ટનનો ઘટાડો જો આગાહી અનુસાર થાય તો એની મોટી અસર જોવા મળી શકે છે. ગયા વર્ષે બ્રાઝિલ, આર્જેન્ટિના, પેરૂગ્વે, ઉરૂગ્વે અને બોલોવિયામાં અલ નીનોની મોટી અસર જોવા મળી હતી. આ પાંચેય દેશોમાં ૨૦૦૦ લાખ ટન સોયાબીનનું ઉત્પાદન થવાના અંદાજને બદલે ૧૮૦૦ લાખ ટન સોયાબીનનું ઉત્પાદન થયું છે. ચાલુ વર્ષે આર્જેન્ટિનામાં દુષ્કાળની અસરે સોયાબીનનું ઉત્પાદન ગયા વર્ષના ૪૨૮ લાખ ટનને બદલે ૨૧૦ લાખ ટન જ થયું છે. કૅનેડામાં ગયા વર્ષે કનોલાનું ઉત્પાદન ૧૪ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું. ઑસ્ટ્રેલિયામાં અલ નીનોની અસરે બે વર્ષ અગાઉ ઍગ્રિકલ્ચર પ્રોડક્શનમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકામાં ગયા વર્ષે સોયાબીનના ઉત્પાદન પર મોટી અસર અલ નીનોની જોવા મળી હતી.
ચોમાસાનું ટાઇમ-ટેબલ અનિશ્ચિત બનતાં પાકમાં બગાડ
ગ્લોબલ વૉર્મિંગને કારણે વિશ્વના અનેક દેશોના ટાઇમ-ટેબલ બગડી ગયા છે. ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં કોઈ વર્ષે ૧૦ જૂને ચોમાસું બેસી ગયાના સમાચાર આવે છે તો કેટલાક વિસ્તારમાં જુલાઈના ત્રીજા સપ્તાહ સુધી વરસાદ પડતો નથી. આ રીતે કેટલાક વિસ્તારમાં ઑક્ટોબર-નવેમ્બરમાં ભારે વરસાદ થયાનું એક વખત નહીં, પણ અનેક વખત બની ગયું છે. છેલ્લાં ચાર વર્ષથી દર વર્ષે ઑક્ટોબર-નવેમ્બરના વરસાદને કારણે તલનો પાક સતત નિષ્ફળ જઈ રહ્યો છે. સામાન્ય રીતે તલ બહુ જ સંવેદનશીલ અને નાજુક ક્રૉપ હોવાથી ઝાડ પર તૈયાર થઈ ગયા પર જો વરસાદ પડે તો આખો પાક ધોવાઈ જાય છે. બે વર્ષ પહેલાં ઑક્ટોબરમાં ગુજરાતમાં એટલો ભારે વરસાદ પડ્યો હતો કે તલનો ૮૦ ટકાથી વધુ પાક ધોવાઈ ગયો હતો. આવું જ ગયા વર્ષે થયું હતું. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનો મોટા ભાગનો તલનો પાક ધોવાઈ ગયો હતો અને માર્કેટમાં ન ધારેલી તેજી જોવા મળી હતી. ભારતમાં છેલ્લા તબક્કાનો વરસાદ પડવા લાગતાં પાંચ-સાત વર્ષ પહેલાં ભારત સમગ્ર વિશ્વમાં તલની નિકાસ કરતું હતું એ હવે છેલ્લાં બે વર્ષથી તલનું આયાતકાર બન્યું છે. વારંવાર છેલ્લા તબક્કામાં પડી રહેલા વરસાદથી હવે ખરીફ સીઝનમાં તલનું વાવેતર ઘટવા લાગ્યું છે એની બદલે તલનું વાવેતર મોટેપાયે ઉનાળુ સીઝનમાં થવા લાગ્યું છે.
જીરુંની બેફામ તોફાની તેજી અને અલ નીનોની અસર
જીરુંમાં હાલ બેફામ તોફાની તેજી ચાલી રહી છે. જીરુંના ભાવ કિલોના ૧૫૦થી ૧૭૦ રૂપિયા સામાન્ય સંજોગોમાં હોય છે એના ભાવ હાલ ૪૭૫થી ૫૦૦ રૂપિયા બોલાવા લાગ્યા છે. જીરુંમાં છેલ્લા પાંચ મહિનાથી બેફામ સળંગ તેજી ચાલી રહી છે, કારણ કે જીરું પણ બહુ જ સંવેદનશીલ અને નાજુક પાક હોવાથી કમોસમી વરસાદની મોટી અસર જીરુંમાં જોવા મળી છે. જીરુંનું સૌથી મોટું ઉત્પાદન ભારતમાં રાજસ્થાનમાં થાય છે. રાજસ્થાનમાં ચાલુ વર્ષે ૧૦થી ૧૫ ટકા વાવેતર વધતાં જીરુંનું બમ્પર ઉત્પાદન થવાનો અંદાજ હતો, પણ માર્ચ મહિનામાં રાજસ્થાનમાં કુલ છ વખત કમોસમી ભારે વરસાદ પડ્યો હતો એમાં જીરુંના પાકને મોટું નુકસાન થતાં પાક સાવ ઓછો રહ્યો અને જીરુંના ભાવ સડસડાટ વધવા લાગ્યા હતા. આવી જ અસર ઇસબગુલ, વરિયાળી, અજમો, મેથી વગેરે મસાલા પાકોમાં પણ થઈ છે. ઇસબગુલનું ઉત્પાદન ૩૪થી ૩૫ લાખ ગૂણી થવાનો અંદાજ હતો, પણ માર્ચ મહિનામાં પડેલા કમોસમી વરસાદને કારણે ઇસબગુલનો મોટો ક્રૉપ નિષ્ફળ જતાં હવે માત્ર ૨૨થી ૨૩ લાખ ગૂણી જ ઉત્પાદન થશે.
ભારતમાં અલ નીનોની અસર કેવી રહેશે?
ઇન્ટરનૅશનલ અનેક વેધર એજન્સી અને ભારતની પ્રાઇવેટ વેધર એજન્સી સ્કાઇમેટની આગાહી જો સાચી પડે અને ભારતમાં અલ નીનોની અસર જોવા મળે તો ખરીફ સીઝનમાં ઊગતાં તેલીબિયા પાકો સોયાબીન, મગફળી, તલ, એરંડા અને સૂર્યમુખીનાં ઉત્પાદનને મોટી અસર થશે. ભારત એની ખાદ્ય તેલોની જરૂરિયાતનું ૭૦થી ૭૫ ટકા આયાત કરી રહ્યું હોવાથી જો તેલીબિયાના ઉત્પાદનને અસર થાય તો ભારતની ખાદ્ય તેલોની આયાતને મોટી અસર થઈ શકે છે. વિશ્વમાં ભારત રૂનું સૌથી મોટું ઉત્પાદક છે. કપાસ-રૂનું વાવેતર ખરીફ સીઝનમાં થાય છે. જો વરસાદની સ્થિતિ નબળી પડે તો રૂ-કપાસનાં ઉત્પાદનને મોટી અસર થઈ શકે છે. જો અલ નીનોની અસર થશે તો ફરી એક વખત ભારતની કપાસ-રૂની પ્રોડક્ટની નિકાસને ફટકો પડશે.


