Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > ભેંકાર લોખંડબજાર ફરી ધમધમતી થઈ શકશે?

ભેંકાર લોખંડબજાર ફરી ધમધમતી થઈ શકશે?

08 July, 2024 09:15 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

કોરોનાકાળ પછી આ ઐતિહાસિક માર્કેટ સૂમસામ અને નિર્જન થઈ ગઈ છે, વેપારીઓ વેરવિખેર થઈ ગયા છે; પણ આશાવાદ હજીયે અકબંધ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોના મહામારીને કારણે અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું, પણ સૌથી મોટું જો કોઈ પરિવર્તન આવ્યું હોય તો એ છે સાઉથ મુંબઈમાં મસ્જિદ બંદરના કર્નાક બંદર પાસે આવેલી લોખંડબજાર (આયર્ન ઍન્ડ સ્ટીલ માર્કેટ)માં એક સમયમાં માનવમહેરામણથી ધમધમતી આ બજાર પર કોવિડકાળના લૉકડાઉનમાં એવું તોફાન આવ્યું કે આ બજારના વેપારીઓ વેરવિખેર થઈ ગયા અને અહીંની ઇમારતો ભેંકાર થઈ ગઈ. આયર્ન ઍન્ડ સ્ટીલની કંપનીઓના ડીલરો સિવાયના સેંકડો નાના-મોટા વેપારીઓ આ બિઝનેસમાંથી બહાર થઈ ગયા. વેપારીઓ કહે છે કે સરકાર અને પ્રશાસનને આ માર્કેટના અસ્તિત્વને ટકાવવામાં કોઈ રસ ન હોવાથી આ ઐતિહાસિક બજાર આજે સૂમસામ અને નિર્જન બની ગઈ છે, સરકારને દરેક પ્રકારના ટૅક્સ મળતા હોય એવો વ્યાપાર છૂટોછવાયો થઈ ગયો છે જેને કારણે આ માર્કેટ એક દિવસ ફક્ત ઇતિહાસ બની રહેશે, એનાથી વધુ માર્કેટનું કોઈ અસ્તિત્વ બની રહે એવું લાગતું નથી.  આમ છતાં માર્કેટને ફરી ઊભી કરવા, વેપારીઓ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે, ફરીથી માર્કેટ જોમવંતી બને અને નાના વેપારીઓ ફરીથી આવક રળી શકે એ ઉદ્દેશથી અમુક વેપારીઓ દ્વારા બે-ચાર મહિને એક વાર માર્કેટમાં રોડ પર ગેટ-ટુગેધર કરવામાં આવે છે. આ વેપારીઓ કહે છે કે અમે આશાવાદી છીએ.


અનેક લોકો સમૃદ્ધ થયાઆ બજાર સાથે દસકાઓના દસકાઓથી ગુજરાતી અને મારવાડી વેપારીઓ જોડાયેલા રહ્યા હતા. નાના-નાના બ્રોકરો સહિત અંદાજે ૩૦૦૦થી વધુ વેપારીઓ અહીં દોરી-લોટો લઈને આવ્યા હતા અને નોકરી કરીને મોટા બિઝનેસમેન બન્યા છે. આ બજાર નાનામાં નાના માણસથી લઈને હાથગાડી ચલાવતા તથા લોડિંગ અને અનલોડિંગનું કામ કરતા મજૂરો, ટ્રાન્સપોર્ટરો, બ્રોકરો, બિઝનેસમેન, ઇમ્પોર્ટર્સ, ટ્રેડર્સ, સપ્લાયર્સ જેવા બધાના જીવનને ઉજાગર કરીને એને ઊંચાઈ પર લઈ ગઈ છે. સવારથી ધમધમતી આ માર્કેટમાં સાંજ પડે ત્યારે સંત તુકારામ માર્ગ પરના ગિરિરાજ બિલ્ડિંગ પાસે લોખંડના બિઝનેસ સાથે સંકળાયેલા ઓછામાં ઓછા ૧૫૦૦થી ૨૦૦૦ લોકોએ ભેગા થઈને પોતાના બિઝનેસને આગળ વધાર્યો છે અને માર્કેટને સમૃદ્ધ બનાવી હતી. એને કારણે નાના સ્ટેશનરીવાળા તથા સૅન્ડવિચવાળાથી લઈને ચા-કૉફી અને હોટેલવાળા સુધીના લોકોને રોજગાર મળતો રહ્યો હતો. અત્યાર સુધી ભારતભરના લોખંડના બિઝનેસ સાથે જોડાયેલા શહેર, નગર, ગામના વેપારીઓ મુંબઈના લોખંડબજારથી સમૃદ્ધ થયા છે જે આ બજારની આન, બાન અને શાન રહી છે.


કોરોનાકાળ ભરખી ગયો

ધ બૉમ્બે આયર્ન મર્ચન્ટ્સ અસોસિએશનના વાઇસ-પ્રેસિડન્ટ અનિલ સંઘવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિશ્વભરમાં માર્ચ ૨૦૧૯ના અંતમાં લૉકડાઉન લાગી ગયું હતું. એમાં ચાર મહિના માર્કેટ બંધ રહી અને વેપારીઓ વર્ક ફ્રૉમ હોમ કરવા લાગ્યા હતા. ધીરે-ધીરે વેપારીઓએ તેમના ઘરની બાજુમાં જ ઑફિસો ખરીદીને ત્યાંથી જ બિઝનેસ શરૂ કરી દીધો હતો. લૉકડાઉન ખૂલ્યા પછી પણ વેપારીઓ માર્કેટમાં પાછા ન ફર્યા એનું મુખ્ય કારણ હતું માર્કેટના ડેવલપમેન્ટ પ્રત્યે સરકારની ઉદાસીનતા, કર્નાક બંદરનો ટ્રાફિક અને ગિર્દી, જગ્યાનું ખૂબ દબાણ, રોડ પર ટ્રાન્સપોર્ટરનાં વાહનોના પાર્કિંગને લીધે ગીચતા, આસપાસ વિસ્તરી રહેલી સ્લમ, ગેરકાયદે દુકાનો અને રેંકડીઓનું અતિક્રમણ, મહાનગરપાલિકા તરફથી સુવિધાના નામે ઝીરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઊણપ હોવાથી લેડીઝ સ્ટાફ અને દેશવિદેશના વેપારીઓ માર્કેટમાં આવતાં સંકોચ અનુભવવા લાગ્યા. આ સિવાય બૉમ્બે પોર્ટ ટ્રસ્ટના ઇશ્યુને લીધે પ્રૉપર્ટીના ભાવ તળિયે આવી ગયા છે. આજે સાઉથ મુંબઈમાં હોવા છતાં અમને વિરારમાં જે જગ્યાના ભાવ ચાલે છે એટલા પણ અમારી જગ્યાના ભાવ મળતા નથી. ગિરિરાજ બિલ્ડિંગ એટલે લોખંડબજારની ઓળખ. એ મકાનમાં અત્યારે ૯૦ ટકા જગ્યાઓ ખાલી પડી છે, ભાડે પણ જતી નથી. ત્યાં અમુક તત્ત્વો ઘૂસવા લાગ્યાં છે. અમારી માર્કેટમાં અમારા અસોસિએશન સિવાય સ્ટીલ ચેમ્બર, મુંબઈ આયર્ન બ્રોકર્સ અસોસિએશન અને દારૂખાના આયર્ન સ્ટીલ ઍન્ડ સ્ક્રૅપ મર્ચન્ટ્સ અસોસિએશન છે. અમે સંગઠિત થઈને માર્કેટના અસ્તિત્વને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.  છેલ્લાં બે વર્ષમાં અમે વર્ષે દસ પ્રોગ્રામ કરતા હતા, જેમાં દર મહિને શુક્રવારે હાઈ-ટીનો મસ્ત કાર્યક્રમ રાખતા હતા. એમાં ૫૦૦ નાના-મોટા વેપારીઓ અને અમુક બ્રોકરો માર્કેટમાં આવેલી કલ્પના હોટેલના પરિસરમાં હાજરી આપતા હતા. જોકે બાકીના દિવસોમાં કોઈ જ માર્કેટમાં આવવા તૈયાર નહોતું.’


બિઝનેસ પણ વેરવિખેર થઈ ગયો

છેલ્લાં ૩૨ વર્ષથી લોખંડબજારમાં સ્ટૉકિસ્ટ અને સપ્લાયર્સ અને ધ બૉમ્બે આયર્ન મર્ચન્ટ્સ અસોસિએશનમાં ૧૭ વર્ષથી સેવા આપી રહેલા તેમ જ ત્રણ ટર્મ સુધી પ્રેસિડન્ટ રહી ચૂકેલા અનીશ વળિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાએ અમારા સંયુક્ત પરિવારને વિભક્ત કરી દીધો. એને કારણે અનેક નાના વેપારીઓ અને બ્રોકરો બેકાર થઈ ગયા. અમારી માર્કેટના રસ્તાઓ, મકાનો, ગોડાઉનો પર અમારી નજીકમાં આવેલી મનીષ માર્કેટ અને એની આસપાસની માર્કેટોના વેપારીઓએ કબજો કરવાની શરૂઆત કરી દીધી છે. સ્લમ બધી જ બે-બે માળની બની ગઈ છે. એક ખાસ કોમે અત્યારે માર્કેટમાં અતિક્રમણો કરીને માર્કેટને વધુ ગીચ અને ગંદી બનાવી દીધી છે. ગિરિરાજ બિલ્ડિંગનો તાજેતરમાં જ સ્લૅબ પડી ગયો હતો. જે ઇમારતો ધમધમતી હતી એ અત્યારે ભેંકાર અને અસુરિક્ષત બની ગઈ છે. બૉમ્બે પોર્ટ ટ્રસ્ટના ઇશ્યુને કારણે અનેક વેપારીઓએ કાલે આજે જે રૂપિયા આવે છે એ પણ નહીં આવે એવા ભયથી તેમનાં ગોડાઉનો વેચી દીધાં છે, જેને અમુક ખાસ તત્ત્વો ખરીદીને તેમનું સામ્રાજ્ય સ્થાપવા લાગ્યાં છે. રસ્તાઓને અને ગોડાઉનનાં પ્રવેશદ્વારોને સાંકડાં કરી દીધાં છે. સરકારને એક ઐતિહાસિક માર્કેટને બચાવવામાં એક પૈસાનો પણ રસ નથી. અત્યારની પરિસ્થિતિમાં નવી જનરેશન આ માર્કેટમાં બિઝનેસ કરવા આવે એવી કોઈ જ શક્યતા દેખાતી નથી. આજે સંપૂર્ણ બિઝનેસ મોટાં માથાંના હાથમાં જતો રહ્યો છે. મોટી કંપનીઓને અને મોટા વેપારીઓને બ્રોકરોમાં રસ નથી એટલે અમારી માર્કેટમાંથી બ્રોકર નામનો શબ્દ જ ગાયબ થઈ ગયો છે. અમારો બિઝનેસ વિશ્વાસ પર ચાલે છે, પણ વેપારીઓ વેરવિખેર થઈ જવાથી હવે આંખની શરમે અને વિશ્વાસથી ચાલતો બિઝનેસ શૂન્યતાના આરે આવી ગયો છે. એક જ જગ્યાએ હજારો લોકોની વચ્ચે બેસીને બિઝનેસ કરવામાં અને વિવિધ ઉપનગરોમાં બેસીને બિઝનેસ કરવામાં આસમાન-જમીનનો ફરક છે. નવા વેપારીઓ માટે આજે માર્કેટમાં ઝીરો સ્કોપ છે. અત્યારે માર્કેટની જે હાલત છે એ જોતાં એવું લાગે છે કે ભવિષ્યમાં અમે અમારાં બાળકોને લઈને અહીંથી પસાર થઈશું ત્યારે કહીશું કે હું ૬૦૦ રૂપિયામાં નોકરી કરતાં-કરતાં મહિને લાખો રૂપિયા કમાતો થયો હતો એ આ જગ્યા. આ સિવાય માર્કેટનો કોઈ અંશ જોવા નહીં મળે. જે કલ્પના હોટેલમાં બિઝનેસ મીટિંગો થતી હતી અને ચાય પે બિઝનેસના વિકાસની ચર્ચાઓ અમે કરતા હતા એ હોટેલ પણ આજે સૂમસામ થઈ ગઈ છે. કોરોનાથી અમને એક મોટો ફાયદો પણ થયો છે. અમે કરોડોનો બિઝનેસ કરતા હતા, પણ ડિજિટલ દુનિયાથી અલિપ્ત હતા. જેવો અમે ઘરે બેસીને બિઝનેસ શરૂ કર્યો કે  અમારાં બાળકોએ અમને ડિજિટલ દુનિયા બિઝનેસ માટે કેટલી મહત્ત્વની છે એનું જ્ઞાન આપ્યું, બૅન્કનાં ટ્રાન્ઝૅક્શન્સ ઘરમાં બેસીને કેવી રીતે કરી શકીએ એ શીખવાડ્યું. આમ અમે મોટી ઉંમરે ડિજિટલ બિઝનેસ કરતા થયા છીએ.’

હજી હાર્યા નથી

આ માર્કેટમાં ૧૯૮૬થી બિઝનેસ કરી રહેલા અને ઉપનગરમાં ઑફિસ હોવા છતાં રેગ્યુલર લોખંડબજારની ઑફિસમાં બિઝનેસ કરવા આવતા દિલીપ વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એમાં કોઈ શંકા નથી કે આજે દસ ટકા વેપારીઓ માર્કેટમાં આવે છે. આ લોકો માને છે કે જો માર્કેટમાં નહીં આવીએ તો માર્કેટનું નામ નેસ્તનાબૂદ થઈ જશે જે અમે નથી ઇચ્છતા. અમારા બધાની ઑફિસો ઉપનગરોમાં છે, પણ અમારા નાના વેપારીભાઈઓ હિંમત હારી ન જાય અને તેમની નાની આવક શરૂ થાય એવો અમારો મુખ્ય ઉદ્દેશ છે. આજે માર્કેટમાં ૮૦૦ એવા બ્રોકરો છે જેમની આવક સાવ જ બંધ થઈ ગઈ છે અને તેઓ ઘરે બેસી ગયા છે. અમે તેમની આવક શરૂ કરવા ઇચ્છીએ છીએ. અમે એ માટે મહેનત કરવા માગીએ છીએ. એ માટે અમે ૧૫થી ૨૦ વેપારીઓ પૉઝિટવ અપ્રોચ સાથે બે-ચાર મહિને વેપારીઓ અને બ્રોકરોનું ગેટ-ટુગેધર કરીને માર્કેટને જીવંત રાખવા સક્રિય છીએ. અમારા ગેટ-ટુગેધરમાં ૫૦૦ લોકો આવે છે. અમને આશા છે કે અમે ફરીથી માર્કેટને શરૂ કરી શકીશું. બાકી પ્રભુઇચ્છા બળવાન છે.’

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2024 09:15 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK