કોહિનૂર બાસમતી ચોખા સહિતની એની લોકપ્રિય જાતોનો અધિકાર મેળવશે
અદાણી વિલ્મરે કોહિનૂર ચોખાની બ્રૅન્ડ હસ્તગત કરી
એફએમસીજી કંપની અદાણી વિલ્મર લિમિટેડે મંગળવારે જણાવ્યું હતું કે તેમણે મેકકોર્મિક સ્વિટ્ઝરલૅન્ડ જીએમબીએચ પાસેથી ચોખાની લોકપ્રિય બ્રૅન્ડ કોહિનૂર અઘોષિત રકમમાં ખરીદી લીધી છે. અદાણી વિલ્મર લિમિટેડને ભારતમાં કોહિનૂર બ્રૅન્ડની છત્ર હેઠળ ‘રેડી ટુ કૂક’, ‘રેડી ટુ ઈટ’ કરી અને ભોજન પોર્ટફોલિયોની સાથે બ્રૅન્ડ ‘કોહિનૂર’ બાસમતી ચોખા પર વિશિષ્ટ અધિકારો મળશે, એમ અદાણી વિલ્મર લિમિટેડે જણાવ્યું હતું. કોહિનૂરના સ્થાનિક બ્રૅન્ડ પોર્ટફોલિયોના ઉમેરાથી ફૂડ એફએમસીજી કૅટેગરીમાં અદાણી વિલ્મરની લીડરશિપ પૉઝિશન મજબૂત બને છે અને પ્રીમિયમ બ્રૅન્ડ સાથે મજબૂત પ્રોડક્ટ બાસ્કેટની સાથે મૂલ્યવર્ધિત ઉત્પાદનોને વેચાણ કરવાની ક્ષમતામાં વધારો થશે. એક્વિઝિશન વિશે ટિપ્પણી કરતાં અદાણી વિલ્મરના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને મૅનેજિંગ ડિરેક્ટર અંગશુ મલિકે જણાવ્યું હતું કે ‘અદાણી વિલ્મર ફૉર્ચ્યુન પરિવારમાં કોહિનૂર બ્રૅન્ડને આવકારવાથી ખુશ છે. કોહિનૂર એક વિશ્વસનીય બ્રૅન્ડ છે જે ભારતના ગ્રાહકો અધિકૃત સ્વાદનું પ્રતિનિધિત્વ કરે છે અને લોકો એને પસંદ કરે છે.’


