દેશમાં કઠોળના ઉત્પાદનને વધારવા માટે હવે વધુ સરકારી ખરીદી થશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કેન્દ્ર સરકાર કઠોળના વધતા ભાવને કોઈ પણ કાળે રોકવા તૈયાર છે. કઠોળના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા તરફના એક મહત્ત્વપૂર્ણ પગલામાં સરકારે ૨૦૨૩-’૨૪ માટે પ્રાઇસ સપોર્ટ સ્કીમ (પીએસએસ) હેઠળ તુવેર, અડદ અને મસૂર માટે ૪૦ ટકાની પ્રાપ્તિમર્યાદા દૂર કરી છે, જેને પગલે હવે કઠોળની ટેકાના ભાવથી સરકારી ખરીદી ગમે એટલી થઈ શકે છે. જેમ અત્યારે ઘઉં અને ચોખામાં કોઈ ટોચમર્યાદા નથી એમ હવે કઠોળમાં પણ નીકળી જશે.
આ નિર્ણય, અસરમાં, ખેડૂતો પાસેથી આ કઠોળની મિનિમમ સપોર્ટ પ્રાઇસ પર મર્યાદા વિના ખરીદી કરવાની ખાતરી આપે છે. સરકાર દ્વારા આ કઠોળની લાભકારી કિંમતે ખાતરીપૂર્વકની ખરીદી ખેડૂતોને આગામી ખરીફ અને રવિ વાવણીની સીઝનમાં તુવેર, અડદ અને મસૂરના વાવેતર વિસ્તારને વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે, જેથી ઉત્પાદનમાં વધારો થાય એવી ધારણા છે.
ADVERTISEMENT
મંત્રાલયે તેજીને રોકવા માટે બીજી જૂનના રોજ સંગ્રહખોરી અને અનૈતિક અટકળોને રોકવા અને ગ્રાહકોને પોષણક્ષમતા સુધારવા માટે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ લાગુ કરીને તુવેર અને અડદ પર સ્ટૉકમર્યાદા લાદી હતી. સ્ટૉકમર્યાદા જથ્થાબંધ વેપારીઓ, છૂટક વિક્રેતાઓ, મોટા ચેઇન રીટેલર્સ, મિલરો અને આયાતકારોને લાગુ કરવામાં આવી છે. આ સંસ્થાઓ માટે ગ્રાહક બાબતોના વિભાગના પોર્ટલ પર સ્ટૉકની સ્થિતિ જાહેર કરવી પણ ફરજિયાત બનાવવામાં આવી છે.
દેશમાં કઠોળની અત્યાર સુધી ઉત્પાદનના ૪૦ ટકા કે એનાથી પણ ઘણી ઓછી ખરીદી થતી હતી. સરકાર દ્વારા ૪૦ ટકાની ટોચમર્યાદા હોવાથી સરકાર એનાથી વધારે ખરીદી કરી શકતી નહોતી. જેમ કે આ વર્ષે ચણાના ભાવ ઊંચા હોવા છતાં સરકારના નિયમને આધિન નક્કી કરેલો લક્ષ્યાંક પૂરો થાય પછી નાફેડ સહિતની એજન્સીઓએ ખરીદી બંધ કરી દીધી હતી અને ખેડૂતોને નછૂટકે ખુલ્લા બજારમાં નીચા ભાવથી વેચાણ કરવું પડ્યું હતું. જોકે સરકારે ચણા માટે હજી કોઈ નિયમ બદલ્યો નથી.


