જાફરે ૫૦મી ફર્સ્ટ-ક્લાસ સેન્ચુરીથી મુંબઈને ઉગાર્યું

Published: 29th November, 2013 06:54 IST

રણજી મૅચમાં ઓપનરની ૩૪મી સદી : વિદર્ભ સામે મુંબઈ ૮ વિકેટે ૨૫૪ગઈ કાલે પહેલી વાર વિદર્ભ સામે શરૂ થયેલી રણજી મૅચના પ્રથમ દાવમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈએ ૮ વિકેટે ૨54 રન બનાવ્યા હતા જેમાં ઓપનર વસીમ જાફર (૧૩૩ નૉટઆઉટ, ૨૬૧ બૉલ, એક સિક્સર, તેર ફોર)નું સૌથી મોટું યોગદાન હતું.

જાફરની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં આ ૫૦મી સદી હતી. તેની ૫૦માંથી ૩૪ સદી રણજી ટ્રોફીમાં મુંબઈ વતી બની છે.

એક તબક્કે મુંબઈનો સ્કોર ૩ વિકેટે ૩૯ રન અને બીજા એક તબક્કે ૬ વિકેટે ૧૬૧ રન હતો. જોકે ટીમે આ બે ધબડકા જોવા છતાં જાફર ક્રીઝ પર અડીખમ રહ્યો હતો. બીજો કોઈ બૅટ્સમૅન ૩૦ રન સુધી પણ નહોતો પહોંચી શક્યો. જોકે એમાંના બે પ્લેયરો અભિષેક નાયર (૨૭) સાથે જાફરે ચોથી વિકેટ માટે ૬૪ રનની અને શાદુર્લ ઠાકુર (૨૬) સાથે સાતમી વિકેટ માટે ૫૮ રનની ભાગીદારી કરીને મુંબઈને નામોશીથી બચાવ્યું હતું.

જાફર સાડાપાંચ વર્ષ પહેલાં ટેસ્ટ-મૅચ રમ્યો હતો

૩૫ વર્ષનો વસીમ જાફર ૩૧ ટેસ્ટ-મૅચ અને બે વન-ડે રમ્યો છે. તે બે વન-ડે ૨૦૦૬ની સાલમાં રમ્યો હતો, પરંતુ ટેસ્ટ-ટીમમાં સામેલ થવાનો મોકો તેને ૨૦૦૦થી ૨૦૦૮ સુધી મળ્યો હતો. તે છેલ્લી ટેસ્ટ-મૅચ એપ્રિલ ૨૦૦૮માં કાનપુરમાં સાઉથ આફ્રિકા સામે રમ્યો હતો. તેણે પાંચ ટેસ્ટ-સદી ફટકારી છે જેમાંથી બે ડબલ સેન્ચુરી છે. તેની છેલ્લી સદી ડબલ હતી જે તેણે નવેમ્બર ૨૦૦૭માં કલકત્તામાં પાકિસ્તાન સામે ફટકારી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK