વૉર્નરનું કમબૅક ફ્લૉપ, પરંતુ કાંગારૂઓની મજબૂત શરૂઆત

Published: 8th January, 2021 15:11 IST | Agencies | New Delhi

સિડની ટેસ્ટનો અડધો દિવસ વરસાદે બગાડ્યો, પંચાવન ઓવરમાં ઑસ્ટ્રેલિયા બે વિકેટે ૧૬૬ રન,

ન ગાજ્યો વૉર્નર : ૧૦૦ ટકા ફિટ ન હોવા છતાં ટીમમાં સામેલ કરાયેલો ડેવિડ વૉર્નર ગઈ કાલે ફક્ત ૮ બૉલમાં પાંચ રન બનાવીને મોહમ્મદ સિરાજના બૉલમાં ચેતેશ્વર પુજારાને કૅચ આપી બેઠો હતો.
ન ગાજ્યો વૉર્નર : ૧૦૦ ટકા ફિટ ન હોવા છતાં ટીમમાં સામેલ કરાયેલો ડેવિડ વૉર્નર ગઈ કાલે ફક્ત ૮ બૉલમાં પાંચ રન બનાવીને મોહમ્મદ સિરાજના બૉલમાં ચેતેશ્વર પુજારાને કૅચ આપી બેઠો હતો.

ઓપનર માત્ર પાંચ રન બનાવી શક્યો, પ્રથમ ટેસ્ટ રમી રહેલો વિલ પુકોવ્સ્કી અને લબુશેનની હાફ સેન્ચુરી બાદ સ્મિથે પણ બતાવ્યો અસલી ટચ : વિકેટકીપર પંતે પુકોવ્સ્કીના બે કૅચ છોડીને દાટ વાળ્યો : આજથી મૅચ અડધો કલાક વહેલી શરૂ થશે

સિડનીઃ સિડનીમાં ગઈ કાલે શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં વરસાદના વિઘ્ન વચ્ચે ઑસ્ટ્રેલિયાઅે બે વિકેટે ૧૬૬ રન બનાવીને મજબૂત શરૂઆત કરી હતી. કમબૅક કરનાર ડેવિડ વવૉર્નર ફ્લૉપ રહ્યો હતો અને ૮ બૉલમાં તે માત્ર પાંચ રન બનાવી શક્યો હતો, પણ અન્ય સ્ટાર બૅટ્સમૅન સ્ટીવ સ્મિથે પાંચ ફોર સાથે અણનમ ૩૪ રન બનાવીને અસલી ટચ પાછો મેળવતાં ઑસ્ટ્રેલિયાએ રાહતનો શ્વાસ લીધો હતો. ૨૨ વર્ષના યુવા ટૅલન્ટ ઓપનર વિલ પુકોવ્સ્કીએ કરીઅરની પ્રથમ ટેસ્ટમાં બે જીવતદાન મળતાં ૧૧૦ બૉલમાં શાનદાર ૬૨ રન બનાવ્યા હતાં, જ્યારે માર્નસ લબુશેન આખરે હાફ સેન્ચુરી ફટકારવામાં સફળ થયો હતો અને ૧૪૯ બૉલમાં ૮ ફોર સાથે ૬૭ સાથે અડીખમ રહ્યો હતો. લબુશેનની આ ટેસ્ટ-કરીઅરની નવમી હાફ સેન્ચુરી હતી.
વરસાદને લીધે પહેલા દિવસનો લગભગ ત્રણેક કલાકનો સમય ધોવાઈ ગયો હતો અને ૯૦ ઓવરને બદલે ૫૫ ઓવરની રમત જ શક્ય બની હતી. આ ધોવાઈ ગયેલા સમયની ભરપાઈ કરવા બાકીના ચારેય દિવસ મૅચ અડધો કલાક વહેલી શરૂ કરવામાં આવશે. કૅપ્ટન રહાણે ડેબ્યુટન્ટ નવદીપ સૈનીને બોલિંગ-અટૅકમાં મોડો લાવવ્યા હતો, પણ તેણે ૭ ઓવરમાં ૩૨ રનમાં એક વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે પણ ભારતને શરૂઆતમાં વૉર્નરનો શિકાર કરાવી આપ્યો હતો.
સૈનીની પહેલી મૅચમાં પ્રથમ વિકેટ
નવદીપ સૈનીને ગઈ કાલે ભારતના ૨૯૯મા ટેસ્ટ ક્રિકેટર તરીકે મેદાનમાં ઉતાર્યો હતો અને તેણે પ્રથમ મૅચમાં પ્રથમ શિકાર પહેલી ટેસ્ટ રમી રહેલા ઑસ્ટ્રેલિયન ઓપનર પુકોવ્સ્કીનો કર્યો હતો. આમ પોતાની પ્રથમ મૅચમાં હરીફ ટીમના ડેબ્યુટન્ટની વિકેટ લેનાર સૈની ભારતનો પાંચમો બોલર બન્યો હતો. છેલ્લે ૨૦૦૦માં ઝહીર ખાને તેની ટેસ્ટમાં ઢાકા ટેસ્ટમાં બંગલા દેશના ડેબ્યુટન્ટ મેહરાબ હુસેનની વિકેટ લીધી હતી. આવી કમાલ સૌપ્રથમ ૧૯૫૬માં લૉર્ડ્સ ટેસ્ટમાં વિજય હઝારેએ ઇંગ્લૅન્ડના ઍલેક બેડસરને આઉટ કરીને કરી હતી.
સિડનીમાં વૉર્નર ૬ વર્ષ બાદ ફ્લૉપ
સિડની વૉર્નરનું ફેવરિટ ગ્રાઉન્ડ ગણાય છે, કેમ કે અહીં તેણે ૯ મૅચની ૧૪ ઇનિંગ્સમાં ચાર સેન્ચુરી અને ત્રણ હાફ સેન્ચુરી સાથે ૭૪૧ રન બનાવ્યા છે એથી જ ઑસ્ટ્રેલિયન ટીમે તે સંપૂર્ણપણે ફિટ ન હોવા છતાં સિડનીમાં તેને રમાડવાનો નિર્ણય લીધો હતો. જોકે તે માત્ર ૮ જ બૉલ ટકી શક્યો હતો અને પાંચ રન બનાવીને સ્લીપમાં કૅપ આપી બેઠો હતો. આ સાથે ૬ વર્ષ બાદ તે સિડનીમાં ડબલ ડિજિટનો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ ગયો હતો.
૩૫ વર્ષ બાદ અજમાવ્યા ચાર ઓપનર
પ્રથમ બે ટેસ્ટમાં જૉન બર્ન્સ અને મૅથ્યુ હેડ બાદ ગઈ કાલે ત્રીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા નવી ઓપનિંગ જોડી ડેવિડ વૉર્નર અને વિલ પુકોવ્સ્કી સાથે મેદાનમાં ઊતરી હતી. આ સાથે ૩૫ વર્ષ બાદ એવું જોવા મળ્યુ હતું કે ઑસ્ટ્રેલિયાઅે અેક સિરીઝમાં ચાર ઓપનરો અજમાવ્યા હોય. છેલ્લે ૧૯૮૫-’૮૬માં કાંગારૂઓઅે ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં પર્થ ટેસ્ટ ટેસ્ટમાં ઍન્ડ્રુ હિલ્ડિચ અને કૅપ્લર વેસલ્સ તથા સિડની ટેસ્ટમાં રૉબી કેર અને વેઇન ફિલિપ્સને ઓપનિંગમાં મોકલ્યા હતા.
બે અન્ડર-23ને આપ્યો મોકો
ઑસ્ટ્રેલિયન ટીમે ૧૧ વર્ષ બાદ અન્ડર-23 ખેલાડીઓને એક જ સિરીઝમાં ડેબ્યુ કરાવ્યું છે. પ્રથમ ટેસ્ટમાં ૨૧ વર્ષ અને ૧૯૭ દિવસની ઉંમરે કૅમરુન ગ્રીન બાદ ગઈ કાલે ત્રીજી ટેસ્ટમાં ૨૨ વર્ષ અને ૩૩૯ દિવસની ઉંમરે વિલ પુકોવ્સ્કીઅે ટેસ્ટ-ડેબ્યુ કર્યું હતું. છેલ્લે ૨૦૧૧-’૧૨ની સિરીઝમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૨૧ વર્ષ અને ૩૦૫ દિવસની ઉંમરે મિશેલ સ્ટાર્ક અને ૨૧ વર્ષ તથા ૨૧૨ દિવસની ઉંમરે જેમ્સ પૅટિનસને ડેબ્યુ કર્યું હતું. નવાઈની વાત એે છે કે તેઓ બન્ને આ સિરીઝમાં ટીમમાં છે. જોકે પૅટિનસન ઇન્જરીને લીધે આ ટેસ્ટમાંથી આઉટ થઈ ગયો છે.

પુરુષ ટેસ્ટમાં પ્રથમ મહિલા અધિકારી

ગઈ કાલે ઑસ્ટ્રેલિયન મહિલા અધિકારી ક્લેયર પોલોસકે ચોથા અમ્પાયર તરીકે ફરજ બજાવીને ઇતિહાસ રચી દીધો હતો. આ સાથે તે પુરુષોના ટેસ્ટ મુકાબલમાં ફરજ બજાવનાર પ્રથમ મહિલા અધિકારી બની છે. આ પહેલાં તેણે પુરુષોની એક વન-ડે મૅચમાં ઑન-ફીલ્ડ અમ્પાયર તરીકે ફરજ બજાવીને કમાલ કરી હતી. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK