દુજોં હજીયે સનીનું બૅટ કબાટમાં તાળું મારીને રાખે છે

Published: 23rd November, 2011 09:25 IST

ગઈ કાલે વાનખેડેમાં ભારતીય ક્રિકેટના લેજન્ડ સુનીલ ગાવસકર અને વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ વિકેટકીપર જેફ દુજોં ભેગા થયા ત્યારે ૨૮ વર્ષ પહેલાંના તેમની વચ્ચેના એક મીઠા પ્રસંગની ‘મિડ-ડે’ સાથે તેમણે ખૂબ ચર્ચા કરી હતી. ત્યારે ચેપૉકના ગ્રાઉન્ડમાં સનીએ સર ડોનાલ્ડ બ્રૅડમૅનના ૨૯ ટેસ્ટસદીના વિશ્વવિક્રમને તોડયા પછી લકી બૅટ દુજોંને ગિફ્ટમાં આપી દીધું હતું.(સાંઈ મોહન)

મુંબઈ, તા. ૨૩

સનીએ ‘મિડ-ડે’ને એ ઘટનાની વાત કરતા કહ્યું હતું કે ‘હું ચેન્નઈમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની એ ટેસ્ટમાં બૅટિંગ કરી રહ્યો હતો ત્યારે વિકેટની પાછળ દુજોં હતો. મેં ઐતિહાસિક સદી ફટકારી કે તરત જ દુજોં પાછળથી મને કહ્યું હતું કે તારું બૅટ જો સારી હાલતમાં હોય અને તું એનાથી ધરાઈ ગયો હોય તો જરા પાછળ જોવાની તસ્દી લેજે. દુજોંની એ વાતને મેં યાદ રાખી લીધી હતી અને એ દિવસની રમત પછી તેની પાસે જઈને મેં તેને ભેટમાં આપી દીધું હતું.’

ક્રિકેટજગતમાં હરીફ ક્રિકેટરો વચ્ચેના અનોખા બનાવોમાં ગણાતી એ ઘટના વિશે ખુદ દુજોંએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સનીએ સેન્ચુરી કરી એ પહેલાં એક સ્પિનરના બૉલમાં તેણે શૉટ માયોર્ ત્યારે મને તેનું બૅટ તૂટી ગયું હોય એવો અવાજ સંભળાયો હતો. મેં તેને પૂછ્યું તો તેણે તરત હા પાડી હતી અને પછીથી પોતે ડ્રેસિંગ-રૂમમાં જઈને બીજું બૅટ રમવા લઈ આવશે એવું મને કહ્યું હતું. તેની એ વાત સાંભળીને મેં તેને એ તૂટેલું બૅટ મને આપી દેવાની વિનંતી કરી હતી. સનીએ ત્યારે તો મને કોઈ જવાબ નહોતો આપ્યો, પણ એ દિવસની રમતને અંતે પાછા જતી વખતે સનીએ મારી પાસે આવીને મને ખૂબ માનપૂર્વક કહ્યું હતું કે લે, આ બૅટ હવેથી તારું.’

દુજોંએ એ લકી બૅટ વિશેની વાત આગળ વધારતા કહ્યું હતું કે ‘મેં થોડી વાર પછી એ બૅટ પર સનીનો ઑટોગ્રાફ પણ લીધો હતો. સનીએ થોડા જ દિવસ પહેલાં એ બૅટ વિશે મને પૂછ્યું ત્યારે મેં સનીને કહી દીધું કે મારા કેટલાક મિત્રોની વષોર્થી આ બૅટ પર નજર છે એટલે મેં એ બૅટ કબાટમાં રાખ્યું છે અને કબાટને તાળું મારીને જ રાખું છું.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK