કિવીઓએ પહેલી વાર વર્ષમાં પાંચ ટેસ્ટ-મૅચમાં જીત મેળવી

Published: 30th December, 2014 06:07 IST

૧૦૫ રનના ટાર્ગેટને બે વિકેટ ગુમાવીને હાંસલ કરી ન્યુ ઝીલૅન્ડે શ્રીલંકાને આઠ વિકેટે હરાવ્યું, ૨૦૧૪માં ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાને એક વાર તથા વેસ્ટ ઇન્ડીઝને બે વાર હરાવ્યું : ૨૦૦૮ પછી સૌથી શ્રેષ્ઠ વર્ષ સાબિત થયું
ક્રાઇસ્ટચર્ચમાં હેગલ ઓવલ મેદાન પર ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ- મૅચની સિરીઝની પહેલી જ ટેસ્ટ-મૅચમાં ગઈ કાલે ચોથા દિવસે ન્યુ ઝીલૅન્ડે આઠ વિકેટે શ્રીલંકાને હરાવી દીધું હતું અને સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી હતી. ચોથા દિવસે ન્યુ ઝીલૅન્ડને ૧૦૫ રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે બે વિકેટ ખોઈને મેળવ્યો હતો. એક વર્ષમાં સૌથી વધારે ચાર ટેસ્ટ-મૅચ જીતવાનો ન્યુ ઝીલૅન્ડનો રેકૉર્ડ હતો જે એણે ૨૦૦૮માં બનાવ્યો હતો, પણ આ વર્ષે ન્યુ ઝીલૅન્ડે પાંચ ટેસ્ટ-મૅચ જીતી લઈને નવો રેકૉર્ડ બનાવ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં તોફાની રમતથી ૧૯૫ રન બનાવનારા કૅપ્ટન બ્રેન્ડન મૅક્લમને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

આ વર્ષે ન્યુ ઝીલૅન્ડે ઘરઆંગણે ભારતને ૧-૦થી હરાવ્યું હતું અને એ પછી વેસ્ટ ઇન્ડીઝને એના ઘરઆંગણે ૨-૧થી હરાવ્યું હતું. એ પછી અબુ ધાબીમાં ન્યુ ઝીલૅન્ડ અને પાકિસ્તાન વચ્ચેની સિરીઝ ૧-૧થી ડ્રૉ રહી હતી. આમ ચાર ટેસ્ટ-મૅચ જીત્યા બાદ ગઈ કાલે એણે પાંચમી ટેસ્ટ-મૅચમાં જીત મેળવી હતી.

આ મૅચમાં ન્યુ ઝીલૅન્ડે પહેલી ઇનિંગ્સમાં ૪૪૧ રન બનાવ્યા હતા જેના જવાબમાં શ્રીલંકાની ટીમ પહેલી ઇનિંગ્સમાં માત્ર ૧૩૮ રને ઑલઆઉટ થતાં ફૉલોઑન થયું હતું. જોકે બીજી ઇનિંગ્સમાં શ્રીલંકાએ લડાયક જુસ્સો અપનાવ્યો હતો અને દિમુથ કરુણારત્નેની સદી (૧૫૨ રન)ના જોરે ૪૦૭ રન બનાવ્યા હતા. છેલ્લી વિકેટ માટે સુરંગા લકમલના ૧૬ રન અને શમિંદા ઇરાંગાએ નૉટઆઉટ ૪૫ રનની મદદથી ૫૯ રનની પાર્ટનરશિપ બની હતી અને એથી ન્યુ ઝીલૅન્ડને જીતવા માટે ૧૦૫ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ન્યુ ઝીલૅન્ડ વતી સાઉધીએ ૯૧ રનમાં ચાર અને ટ્રેન્ટ બૉલ્ટે ૧૦૦ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. આ બે બોલરો ૭૦ ઓવર જૂના બૉલને પણ સ્વિંગ કરી શકતા હતા. ટ્રેન્ટ બૉલ્ટને આ વર્ષમાં ૩૪ વિકેટ મળી હતી.

૧૦૫ રન બનાવવા માટે ઊતરેલી ન્યુ ઝીલૅન્ડની ટીમે ઓપનરો ટૉમ લાથેમ (૧૭ રન) અને હાશિમ રુધરફૉર્ડ (૧૦ રન) ગુમાવ્યા બાદ રૉસ ટેલરે નૉટઆઉટ ૩૯ રન અને કેન વિલિયમસને નૉટઆઉટ ૩૧ રન બનાવીને ન્યુ ઝીલૅન્ડને જીત અપાવી હતી. પહેલી ઇનિંગ્સમાં તોફાની રમત બતાવનારા કૅપ્ટન બ્રેન્ડન મૅક્લમે આ વર્ષમાં ૧૧૬૪ રન બનાવ્યા હતા અને આવું પરાક્રમ કરનારો તે પહેલો ન્યુ ઝીલૅન્ડનો બૅટ્સમૅન બન્યો હતો. બીજી તરફ આ વર્ષમાં કેન વિલિયમસને ૯૨૯ રન બનાવ્યા હતા અને તે બીજા નંબરનો ન્યુ ઝીલૅન્ડનો બૅટ્સમૅન બન્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK