હાઇ-સ્કોરિંગ ટક્કરમાં તીવ્ર રસાકસી બે બળવાન ટીમોનો મુકાબલો નીરસ

Published: 25th December, 2012 06:51 IST

નવગામ વીસા નાગર વણિક, લુહાર સુતાર, વાગડ વીસા ઓસવાળ જૈન અને સૌરાષ્ટ્ર લેઉવા પટેલના શાનદાર વિજયમિડ-ડે કપ ૨૦૧૩ ટુર્નામેન્ટમાં ગઈ કાલે સાતમા દિવસે ગ્રુપ Dમાં નવગામ વીસા નાગર વણિકે અને ગ્રુપ જ્માં વાગડ વીસા ઓસવાળ જૈને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે આ જ ગ્રુપની દશા સોરઠિયા વણિકની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી. ગ્રુપ Dમાં માહ્યાવંશી અને સોરઠિયા મુસ્લિમ ઘાંચી વચ્ચેની શુક્રવારની વિજેતા ટીમ પ્રી-ક્વૉર્ટરમાં પહોંચશે.

ગ્રુપ ચ્માંથી પ્રી-ક્વૉર્ટરમાં પહોંચી ગયેલી કચ્છી લોહાણાની ટીમ સાથે જોડાવા વીસા સોરઠિયા વણિક તથા લુહાર સુતાર વચ્ચે રસાકસી થશે. આ બે ટીમનો રનરેટ નિર્ણાયક બની શકે.

ગ્રુપ જ્માં વાગડ વીસા ઓસવાળ જૈને ગઈ કાલે જીતીને પ્રી-ક્વૉર્ટરમાં એન્ટ્રી કરી હતી. જોકે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) અને સૌરાષ્ટ્ર લેઉવા પટેલ વચ્ચેની શનિવારની મૅચની વિજેતા ટીમ પ્રી-ક્વૉર્ટરમાં જશે.

ગઈ કાલે આખા દિવસમાં કુલ ૧૧ પ્લેયરોએ રનઆઉટમાં વિકેટ ગુમાવી હતી. એમાં દશા સોરઠિયા વણિકની ટીમની છમાંથી પાંચ વિકેટ રનઆઉટમાં પડી હતી.

મૅચ ૧

નવગામ વીસા નાગર વણિકે ગઈ કાલની પ્રથમ મૅચ જીતીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં સ્થાન પાકું કરવાનું હતું અને એણે હાઇ-સ્કોરિંગ મુકાબલામાં એમાં સફળતા મેળવી હતી. આ ટીમે બૅટિંગ મળતાં પહેલી ઓવરમાં રનઆઉટમાં એક વિકેટ ગુમાવી હતી. બીજી વિકેટ ૨૪મા રને અને ત્રીજી છેક ૧૧૧મા રને પડી હતી. બે બૅટ્સમેને ૪૦-પ્લસ રન બનાવ્યા હતા. આ ટીમે આ વખતની સ્પર્ધામાં ચરોતર રૂખીના સેકન્ડ-હાઇએસ્ટ ટોટલ ૧૪૧ની બરાબરી કરી હતી. ચરોતર રૂખીના ૧૫૬ રન હાઇએસ્ટ છે.

માહ્યાવંશીએ ૧૪૨ રનના પડકારરૂપ ટાર્ગેટ સામે સ્ટાર્ટ બહુ સારું કર્યું હતું. ઓપનર મયૂર રસૂલિયાની સતત ત્રણ બૉલની ફોરથી ટીમને ત્રીજી ફોરના ચારને બદલે ૧૦ રન મળ્યાં હતા. ખરેખર તેણે ચાર બૉલમાં ચાર ફોર અને પાંચમા બૉલમાં સિક્સર ફટકારી હતી. હરીફ ટીમના કૅપ્ટન મનન શાહની એક ઓવરમાં કુલ ૩૩ રન બન્યા હતા. બીજા ઓપનર મયંક મેંદીવાલાની ઉપરાઉપરી બે બૉલની સિક્સરથી ટીમને બીજી સિક્સરના છને બદલે ૧૫ રન મળ્યાં હતા. આ ટીમમાં ત્રણ સારી ભાગીદારીઓ થઈ હતી અને એણે ૧૪૨નો ટાર્ગેટ ચેઝ કરવા ખૂબ મહેનત પણ કરી હતી. છેલ્લી બે ઓવરમાં બાવીસ રન જોઈતા હતા, પરંતુ છેવટે એનો ભારે રસાકસી બાદ ૮ રનથી પરાજય થયો હતો.

ટૂંકો સ્કોર : નવગામ વીસા નાગર વણિક : ૧૦ ઓવરમાં ૩ વિકેટે ૧૪૧ રન (સાર્થક શાહ ૨૩ બૉલમાં ત્રણ સિક્સર અને ચાર ફોર સાથે ૪૫ નૉટઆઉટ, પરેશ શાહ ૧૯ બૉલમાં ત્રણ સિક્સર અને ચાર ફોર સાથે ૪૪ રન)

માહ્યાવંશી : ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૧૩૩ રન (મયંક મેંદીવાલા પચીસ બૉલમાં ચાર સિક્સર સાથે ૩૮ રન, મયૂર રસૂલિયા ૧૦ બૉલમાં એક સિક્સર અને છ ફોર સાથે ૩૨ રન, પરેશ શાહ

૨-૦-૧૫-૨)

મૅચ ૨

વીસા સોરઠિયા વણિકે બૅટિંગ લઈને સારી શરૂઆત કરી હતી. શરૂઆતની ચાર ઓવરોની ફટકાબાજી પછી પાવર ઓવરમાં અને ત્યાર બાદ દરેક ઓવરમાં ધીમી બૅટિંગને કારણે ખાસ કોઈ રન નહોતા બન્યા, પરંતુ બહુ વિકેટો પણ નહોતી પડી. ક્રિશ શાહે સતત ત્રણ ફોર બદલ ત્રીજી ફોરના ટીમને ચારને બદલે ૧૦ રન અપાવ્યા હતા. જોકે આ ટીમ ૧૦૦ રનનો સાયકોલૉજિકલ ફિગર નહોતી મેળવી શકી.

લુહાર સુતારે ૮૯ રનના ટાર્ગેટની ચૅલેન્જ પહેલી ઓવરના ૨૯ રનની મદદથી ઉપાડી લીધી હતી. ધારિન શાહની પ્રથમ ઓવરમાં રૂપેશ પીઠવાએ સતત બે બૉલની બે સિક્સરથી ટીમને બીજી સિક્સરના ૧૫ રન અપાવ્યા હતા. આ ટીમે એક જ વિકેટના ભોગે આઠમી ઓવરમાં ૯૨ રન બનાવીને પ્રી-ક્વૉર્ટર માટેની આશા જીવંત રાખી હતી.

ટૂંકો સ્કોર : વીસા સોરઠિયા વણિક : ૧૦ ઓવરમાં બે વિકેટે ૮૮ રન (ક્રિશ શાહ ૨૯ બૉલમાં છ ફોર સાથે ૩૫ રન, જતીન શાહ ૧૭ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૧ રન)

લુહાર સુતાર : ૭.૨ ઓવરમાં એક વિકેટે ૯૨ રન (રૂપેશ પીઠવા ૨૦ બૉલમાં ત્રણ સિક્સર અને બે ફોર સાથે ૩૨ રન, ભાવેશ દાવડા ૧૭ બૉલમાં બે ફોર સાથે ૨૦ નૉટઆઉટ)

મૅચ ૩

આ મૅચમાં રસાકસીની ભારોભાર સંભાવના હતી, પરંતુ મૅચ વન-સાઇડેડ થઈ હતી. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી)એ સાધારણ શરૂઆત કર્યા બાદ વીસમા રન સુધીમાં ત્રણ અને પચીસમા રને બીજી બે વિકેટ ગુમાવી હતી. એમાંની એક પાવર ઓવરની વિકેટ હોવાથી ટીમના ટોટલમાંથી ૧૦ રન કપાઈ ગયા હતા. એકેય બૅટ્સમૅનના ૧૫ રન પણ નહોતા અને આ ટીમ ફક્ત ૪૪ રન બનાવી શકી હતી.

વાગડ વીસા ઓસવાળ જૈને માત્ર ૩.૩ ઓવરમાં એકેય વિકેટના નુકસાન વગર ૪૬ રન બનાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ટૂંકો સ્કોર : ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) : ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૪૪ રન (શમી ઉપાધ્યાય ૧૩ બૉલમાં ૧૪ નૉટઆઉટ)

વાગડ વીસા ઓસવાળ જૈન : ૩.૩ ઓવરમાં વિના વિકેટે ૪૬ રન (ધર્મેશ છેડા ૧૪ બૉલમાં છ ફોર સાથે ૨૬ નૉટઆઉટ, ચિરાગ નિસર ૭ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૨૦ નૉટઆઉટ)

મૅચ ૪

ગઈ કાલની આ છેલ્લી મૅચ રસાકસીભરી બની હતી. દશા સોરઠિયા વણિકે બૅટિંગ મળ્યાં પછી ખરાબ શરૂઆત કરી હતી, પરંતુ પ્રિયાંક સાંગાણીએ વન-મૅન શો જેવા જબરદસ્ત પફોર્ર્મન્સ સાથે બીજા કેટલાક સાથીઓની મદદથી પ્રેશરની સ્થિતિમાં પણ રનમશીન ચાલુ રખાવ્યું હતું. હરીફ ટીમની ખરાબ ફીલ્ડિંગનો તેમણે લાભ લીધો હતો, પરંતુ છમાંથી પાંચ પ્લેયરોએ રનઆઉટમાં વિકેટ ગુમાવી હતી. પાંચમાંથી બે રનઆઉટ શૈલેશ માણિયાના હાથે થયા હતા.

સૌરાષ્ટ્ર લેઉવા પટેલના ઓપનરો જનક સુતરિયા અને હિતેશ ભાયાણીએ પ્રથમ ઓવરના માત્ર ૪ રન પછી બીજી ઓવરથી રનમશીનને વેગ અપાવ્યો હતો. પાવર ઓવરની વિકેટ બદલ ટોટલમાંથી ૧૦ રનની બાદબાકી થઈ હતી, પરંતુ હિતેશ ભાયાણી તથા મૅચવિનર શૈલેશ માણિયાની ફટકાબાજીથી સેન્ટ્રલ રેલવેનું સ્ટેડિયમ ગાજી ઊઠ્યું હતું. હિતેશે બે અને શૈલેશે ચાર સિક્સર ફટકારી હતી. નવમી ઓવરના પ્રથમ બે બૉલમાં બે સિક્સર ફટકારીને શૈલેશે સૌરાષ્ટ્ર લેઉવા પટેલને બીજી સિક્સરના છને બદલે ૧૫ રન અપાવ્યા હતા અને આ ટીમનું વિનિંગ ટોટલ ૮૧ રનના ટાર્ગેટ સામે ૯૩ રહ્યું હતું.

સૌરાષ્ટ્ર લેઉવા પટેલે છેલ્લી ૩ ઓવરમાં જીતવા ૨૯ રન બનાવવાના બાકી હતા ત્યારે આ જ્ઞાતિના અગ્રણી વિનુ કાકડિયાએ બૅટ્સમેનોને દરેક સિક્સરના ૧૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ અનાઉન્સમેન્ટ બાદ શૈલેશ માણિયા અને હિતેશ ભાયાણીએ મળીને બે ઓવરમાં ચાર સિક્સર ફટકારીને આ રોકડ ઇનામો જીતી લીધા હતા.

ટૂંકો સ્કોર : દશા સોરઠિયા વણિક : ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૮૦ રન (પ્રિયાંક સાંગાણી ૨૩ બૉલમાં પાંચ ફોર સાથે ૩૪ રન, નિખીલ શાહ ૧૦ બૉલમાં ત્રણ ફોર સાથે ૧૬ રન)

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ : ૮.૨ ઓવરમાં એક વિકેટે ૯૩ રન (હિતેશ ભાયાણી ૨૪ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે ૩૬ નૉટઆઉટ, શૈલેશ માણિયા ૧૦ બૉલમાં ચાર સિક્સર અને એક ફોર સાથે ૩૧ નૉટઆઉટ, જનક સુતરિયા ૧૬ બૉલમાં ત્રણ ફોર સાથે ૧૫ રન)

આજની મૅચો

સવારે ૯.૦૦

મેઘવાળ (G૧)

V/S

વૈંશ સુથાર (G૩)

સવારે ૧૧.૦૦

આહિર (G૨)

V/S

છારીયા ઉનેવાળ બ્રાહ્મણ (G૪)

બપોરે ૧.૦૦

હાલાઈ લોહાણા (H૧)

V/S

બ્રહ્મક્ષત્રિય (H૩)

બપોરે ૩.૦૦

ગુર્જર સુતાર (H૨)

V/S

મોચી (H૪)

આવતી કાલે કોઈ મૅચ નહીં રમાય

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK