બ્રિયરલીએ ઘણી કોશિશ કરી પણ ગુજરાતી ભાષા શીખી જ ન શક્યા

Published: 23rd December, 2011 06:49 IST

તેમનાં પત્ની અમદાવાદનાં છે અને તેમણે ભૂતપૂર્વ ઇંગ્લિશ કૅપ્ટનને ગુજરાતીઓની ઘણીબધી વાનગીઓ બનાવતાં શીખવી દીધા છેઇંગ્લૅન્ડના સર્વશ્રેષ્ઠ કૅપ્ટન માઇક બ્રિયરલી થોડા દિવસ પહેલાં રાજસિંહ ડુંગરપુરની સ્મૃતિમાં આયોજિત એક ચર્ચાસત્રમાં ભાગ લેવા લંડનથી મુંબઈ તો આવ્યા હતા, પરંતુ તેઓ અમદાવાદની મુલાકાત લેવાનું નહોતા ચૂક્યા. તેઓ દર વર્ષે એક વખત અમદાવાદ આવે જ છે.

૬૯ વર્ષના બ્રિયરલીને અમદાવાદનું વળગણ હોવાનું સૌથી મોટું કારણ એ છે કે તેમનાં પત્ની માના સારાભાઈ અમદાવાદના છે અને તેમના પરિવારજનોને મળવા બ્રિયરલી દર વર્ષે ક્રિસમસમાં પત્ની સાથે થોડા દિવસ અમદાવાદ અચૂક આવે છે. બ્રિયરલી ૧૯૭૬માં ટેસ્ટસિરીઝ રમવા ભારત આવ્યા હતા ત્યારે અમદાવાદમાં પહેલી વાર માના સારાભાઈને મળ્યા હતા.

બ્રિયરલીએ એક અખબારને ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ક્રિસમસના દિવસો દરમ્યાન લંડન શહેર ખૂબ ધમાલિયું શહેર બની જાય છે અને અવાજનું પ્રદૂષણ પણ ખૂબ વધેલું જોવા મળતું હોય છે અને આ જ કારણસર તેઓ દર વર્ષે નાતાલના દિવસોમાં અમદાવાદ આવીને અહીંની શિયાળાની મોસમ એન્જૉય કરે છે.

૧૧ મહિના લંડનમાં, ૧ મહિનો અમદાવાદમાં

બ્રિયરલી મજાકિયા સ્વભાવના છે. અમદાવાદ આવવા માટેના ઑર એક કારણમાં તેમણે એવું જણાવ્યું હતું કે જો મારી પત્ની માના વર્ષના અગિયાર મહિના લંડનમાં મારી સાથે રહેતી હોય તો મારે એક મહિનો તેના પિયરમાં રહેવું જ જોઈએ.બ્રિયરલી-માનાની પુત્રીનું નામ લારા છે અને તે બાળકો માટેની એક ચૅરિટીસંસ્થા માટે કામ કરે છે.

ગુજરાતી શીખવા સી.ડી. ખરીદી હતી

બ્રિયરલીએ ગુજરાતી ભાષા શીખવાની ઘણી કોશિશ કરી હતી, પરંતુ નહોતા શીખી શક્યા. તેમનાં પત્ની માનાએ અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે માઇકે ગુજરાતી ભાષા શીખવા થોડા વષોર્ પહેલાં ગુજરાતી પ્રોગ્રામોની ઘણી સીડી ખરીદી હતી, પરંતુ નહોતા શીખી શક્યા અને પછી તેમણે આ ભાષા શીખવાની આશા પણ છોડી દીધી હતી. બ્રિયરલીને ગુજરાતીમાં ‘કેમ છો?’ અને ‘સારું છે’ એટલું જ બોલતા આવડે છે.

ચટાકેદાર ગુજરાતી વાનગીઓ ખૂબ ભાવે

બ્રિયરલી ગુજરાતી વાનગીઓના શોખીન છે અને આવી ઘણી વાનગીઓ તેમણે પત્ની માના પાસેથી બનાવતા શીખી લીધી છે. માનાએ કહ્યું હતું કે લંડનમાં ઘરમાં બધાને મારા કરતાં બ્રિયરલીના હાથે બનેલા દાળ અને ભાત વધુ ભાવે છે. બ્રિયરલીને બેથી ત્રણ શાક બનાવતા પણ આવડે છે અને તેમના હાથે બનેલું રીંગણનું શાક ઘરમાં બધાને સૌથી વધુ ભાવે છે.

બ્રિયરલીની કૅપ્ટન્સીનો હિસાબ-કિતાબ: ૩૧માંથી માત્ર ૪ ટેસ્ટમૅચમાં પરાજય

માઇક બ્રિયરલીનો જન્મ ૧૯૪૨માં ઇંગ્લૅન્ડની મિડલસેક્સ કાઉન્ટીના હરૉ શહેરમાં થયો હતો. તેમણે ૧૯૭૬થી ૧૯૮૧ દરમ્યાન ૩૯ ટેસ્ટમાં ૧૪૪૨ રન અને ૨૫ વન-ડેમાં ૫૧૦ રન બનાવ્યા હતા. તેમની કરીઅરની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમની કૅપ્ટન્સીમાં રમાયેલી ૩૧ ટેસ્ટમાંથી માત્ર ૪ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડનો પરાજય થયો હતો. સુકાની તરીકેની તેમની કાબેલિયત ક્રિકેટજગતમાં પ્રખ્યાત છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK