રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમમાં રણજી ટ્રોફીની ફાઇનલ મૅચ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રમાઈ રહી છે. આ મૅચમાં સૌરાષ્ટ્રએ પહેલાં ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને બીજા દિવસનો ખેલ સમાપ્ત થયો ત્યાં સુધીમાં ૮ વિકેટે ૩૮૪ રન બનાવી લીધા હતા. અર્પિત વસાવડા ૧૦૬ રનની શતકીય પારી રમ્યો હતો, જ્યારે ચેતેશ્વર પુજારા ૬૬ રન બનાવીને આઉટ થયો હતો. જોકે ગુજરાત સામેની સેમી ફાઇનલમાં બેસ્ટ પર્ફોર્મન્સ આપીને બીજી ઇનિંગ્સમાં ૭ વિકેટ ખેરવી નાખનાર સૌરાષ્ટ્રના કૅપ્ટન જયદેવ ઉનડકટનું કહેવું છે કે રણજી ટ્રોફીનું ટાઇટલ જીતવા હું મારો સૌથી બેસ્ટ પર્ફોર્મન્સ આપવા આતુર છું.
આ વિશે વાત કરતાં જયદેવે કહ્યું કે ‘મારા માટે આ ડ્રીમ સીઝન છે અને જે પ્રમાણેના મારા પર્ફોર્મન્સના આંકડા છે એનાથી હું ઘણો ખુશ છું. ખરું કહું તો મને ટ્રોફી ચેઝ કરવામાં રસ છે, રેકૉર્ડ કરવામાં નહીં, પણ હા, જો ટ્રોફી ચેઝ કરવામાં કોઈ રેકૉર્ડ બની જાય તો એ પણ મને સ્વીકાર્ય છે. અત્યાર સુધીમાં જે ટ્રોફી સૌરાષ્ટ્ર ક્યારેય નથી જીત્યું એ જીતવામાં મને રસ છે અને એને માટે હું શ્રેષ્ઠ આપવા તૈયાર છું.’