IPL 2019: આજે વિશાખાપટ્ટનમમાં દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે એલિમિનેટર મૅચ

Updated: May 08, 2019, 12:23 IST | (મિડ-ડે પ્રતિનિધિ) | વિશાખાપટનમ

પૃથ્વી, પંત, શિખર જેવા યુવા બૅટ્સમેનોથી ઊભરતી શ્રેયસ અય્યરની ટીમે પહેલી વખત ફાઇનલમાં પહોંચવા સૌથી પહેલાં કેન વિલિયમસનની ટીમને હરાવવી પડશે : આજે જે જીતશે એનો મુકાબલો પહેલી ક્વૉલિફાયરની પરાજિત ટીમ સામે શુક્રવારે થશે અને જે હારશે એ પ્લે-ઑફમાંથી થશે આઉટ

દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે એલિમિનેટર મૅચ
દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે એલિમિનેટર મૅચ

છેલ્લી સતત ૬ સીઝનમાં નાલેશીભર્યો પર્ફોર્મન્સ કર્યા પછી નવું નામ, નવો કૅપ્ટન અને નવા સર્પોટ-સ્ટાફવાળી દિલ્હીની ટીમ આજે હૈદરાબાદના વાય. એસ. રાજશેખરરેડ્ડી ગ્રાઉન્ડમાં કેન વિલિયમસનની ટીમ હૈદરાબાદ સામે ટકરાશે. આ સીઝનમાં દિલ્હીએ જે શાનદાર પર્ફોર્મન્સ કર્યું છે એવું તેણે પહેલાં ક્યારેય નહોતું કર્યું. લીગ સ્ટેજમાં ૯ જીતની મદદથી ૧૮ પૉઇન્ટ હોવા છતાં તેમની આજની મૅચ કરો યા મરો જેવી રહેશે, કારણ કે આજે જે હારશે એ પ્લે-ઑફ રાઉન્ડમાંથી આઉટ થઈ જશે અને જીતશે એ પહેલી ક્વૉલિફાયરની પરાજિત ટીમ (મુંબઈ અથવા ચેન્નઈ) સામે શુક્રવારે ટકરાશે.

દિલ્હીએ આક્રમક બૅટિંગ કરવી પડશે

હૈદરાબાદના વર્લ્ડ ક્લાસ બોલિંગ અટૅક જેમાં ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, મોહમ્મદ નબી અને ખલીલ અહમદ સામે દિલ્હીના યંગ બૅટ્સમેનો પૃથ્વી શૉ, શિખર ધવન, રિષભ પંત, હનુમા વિહારી, બંદારૂ અયપ્પા, કોલિન ઇનગ્રામ, કોલિન મનરોએ આક્રમક બૅટિંગ કરીને રન-રેટને કાબૂમાં રાખવો પડશે. ગયા વર્ષે પંતે ૬૮૪ રન ફટકાર્યા હતા તેમ છતાં તેની ટીમ પૉઇન્ટ-ટેબલમાં તળિયે રહી હતી અને આ વખતે ટીમના દરેક બૅટ્સમેનોએ યોગદાન આપતાં તેઓ ફાઇનલથી ફક્ત બે કદમ દૂર રહ્યાં છે. ટીમ પાસે ક્રિકેટના બે સૌથી મોટા બ્રેઇન સૌરવ ગાંગુલી અને રિકી પૉન્ટિંગ છે જે સ્ટ્રૅટેજી બનાવવામાં મદદ કરશે.

આ પણ વાંચો : IPL 2019: રોહિતની ટીમે ધોનીની ટીમને 6 વિકેટથી હરાવીને ફાઇનલમાં કર્યો પ્રવેશ

ગપ્ટિલ-સહા પર જવાબદારી

વર્લ્ડ કપના કૅમ્પ માટે આ સીઝનના હાઇએસ્ટ રન-સ્કોરર ડેવિડ વૉર્નર (૬૯૨) અને જૉની બેરસ્ટો સ્વદેશ પાછા જતાં માર્ટિન ગપ્ટિલ અને વૃધિમાન સહા પર સારી ઓપનિંગ પાર્ટનરશિપ કરવાની જવાબદારી રહેશે. યુકેની ફ્લાઇટ પકડતાં પહેલાં વિજય શંકર પાસે પોતાને સાબિત કરવાનો વધુ એક મોકો રહેશે. મનિષ પાન્ડેએ આ સીઝનમાં સારી ઇનિંગ્સ રમીને પોતાને સાબિત કર્યો છે. કૅપ્ટન કૅન વિલિયમસને તાજેતરમાં ૪૩ બૉલમાં ૯૦ રન ફટકારીને પોતાના બૅટિંગ ફૉર્મનો સબૂત આપ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK