સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં રોહિત શર્મા, રિષભ પંત, શુભમન ગિલ, નવદીપ સૈની અને પૃથ્વી શૉ એક હોટેલમાં સાથે મળીને ભોજન લઈ રહ્યા છે. આ વિડિયોએ એ પાંચેય ખેલાડી અને ભારતીય ટીમ મૅનેજમેન્ટને ટેન્શનમાં મૂકી દીધા છે. મેલબર્નની એક હોટેલમાં જમીને આ પાંચ પ્લેયર્સ દ્વારા બાયો-બબલ એન્વાયર્નમેન્ટનું ઉલ્લંઘન થયું છે કે કેમ એ વિશે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ તપાસ શરૂ કરી દીધી છે. ક્રિકેટ બોર્ડે પાંચ ખેલાડીઓને આઇસોલેટ કરી દીધા છે અને પરમિશન વગર ટીમને મળવાની મનાઈ ફરમાવી છે. જોકે તેમને અલગ રીતે ટ્રેઇનિંગ કરવાની છૂટ આપવામાં આવી છે. તપાસમાં જો દોષી જણાયા તો સિડની ટેસ્ટમાં તેમને માટે રમવું અશક્ય બનશે.
શું છે વિવાદ?
આ વાતનો ફોડ ત્યારે પડ્યો જ્યારે નવલદીપ સિંહ નામના એક ક્રિકેટપ્રેમીએ સોશ્યલ મીડિયામાં એવો દાવો કર્યો હતો કે તેણે આ પાંચ પ્લેયરના જમવાનું ૧૧૮.૬૯ ડૉલરનું બિલ ચૂકવ્યું હતું જેની પ્લેયરોને જાણ પણ નહોતી. નવલદીપે બિલનો અને ખેલાડીઓનો ફોટો પણ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. ખેલાડીઓને બહારનું ખાવાની પરમિશન છે, પણ આ રીતે હોટેલમાં બેસીને નહીં. રેસ્ટોરાંના સ્ટાફે પણ એ વાતની પુષ્ટિ કરી હતી કે ભારતીય પ્લેયર્સ હોટેલમાં જમવા માટે આવ્યા હતા.
શું કહ્યું નવલદીપે?
બિલનો ફોટો શૅર કરી ઉત્સાહી નવલદીપે કહ્યું કે ‘તેમને ખબર નથી, પણ મેં તેમનું બિલ ચૂકવી દીધું છે. મારા સુપરસ્ટાર્સ માટે હું આટલું તો કરી શકું છું.’
નવલદીપે અન્ય ટ્વીટમાં વિગતવાર જાણકારી આપતાં કહ્યું કે ‘જ્યારે પ્લેયર્સને ખબર પડી કે તેમના બિલની ચુકવણી થઈ ગઈ છે ત્યારે રોહિતે મને કહ્યું કે ‘ભાઈજી, પૈસા લઈ લો યાર, સારું ન લાગે. મેં કહ્યું ના, એ મારા તરફથી હતું. પંત મને ભેટ્યો અને કહ્યું કે ફોટો ત્યારે જ ક્લિક કરીશું જ્યારે તમે તમારા પૈસા પાછા લેશો. મેં ત્યારે પણ ના પાડી. પછી અમે ફોટો ક્લિક કર્યો. ઘણી મજા આવી હતી.’
આ ટ્વીટ કર્યા બાદ પ્લેયરોના માથે મુસીબત સર્જાતાં નવલદીપે અન્ય ટ્વીટ કરી સ્પષ્ટતા કરવી પડી હતી કે પંત મને ભેટ્યો નહોતો અને દરેકે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું. એનાથી આ વાત ઉત્સાહમાં લખાઈ ગઈ હતી.
ઑસ્ટ્રેલિયન મીડિયાનું કાવતરું?
ઑસ્ટ્રેલિયન સમાચાર એજન્સી મુજબ બીસીસીઆઇ આ વિડિયોની સમીક્ષા કરી તપાસ કરશે. જોકે બીસીસીઆઇના પ્રવક્તાઓએ અને ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ આ સંદર્ભે શરૂઆતમાં કંઈ પણ ટિપ્પણી કરી નહોતી, પણ બીસીસીઆઇના પ્રવક્તાએ બાયો-બબલનું ઉલ્લંઘન થયું હોવાના ઑસ્ટ્રેલિયન અહેવાલને રદિયો આપતાં કહ્યું હતું કે ‘ના, બાયો-સિક્યૉરિટી પ્રોટોકૉલનું જરાય ઉલ્લંઘન નથી થયું. ઇન્ડિયન ક્રિકેટ ટીમ સાથે જોડાયેલી દરેક વ્યક્તિ પ્રોટોકૉલથી પરિચિત છે. ટેસ્ટ મૅચમાં મળેલી શરમજનક હાર બાદ ઑસ્ટ્રેલિયન સમાચારપત્રોના એક વર્ગે આ નવું કાવતરું શરૂ કર્યું છે. ઑસ્ટ્રેલિયન મીડિયા ક્યારેક ક્રિકેટ ટીમના એક્સટેન્શન તરીકે કામ કરે છે.’
ટીમનું ગણિત બગડી શકે છે?
જો પાંચેય ખેલાડીઓ ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ જશે તો ટીમ મૅનેજમેન્ટે એની સ્ટ્રૅટેજી બદલવી પડશે. પાંચમાંથી પૃથ્વી શૉ અને નવદીપ સૈની ત્રીજી ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં દાવેદારોમાં નહોતા. રોહિત શર્મા ક્વૉરન્ટીન પિરિયડને લીધે પ્રથમ બે ટેસ્ટ નહોતો રમી શક્યો, પણ તે ત્રીજી ટેસ્ટમાં રમવાનો હતો અને તેને વાઇસ કૅપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. જો તે નહીં રમી શકે તો ફરી ચેતેશ્વર પુજારા વાઇસ કૅપ્ટન બની જશે. ટીમમાં બદલાવમાં શુભમન ગિલની જગ્યાએ લોકેશ રાહુલ આવી શકે અને રિષભ પંતની જગ્યાએ વૃદ્ધિમાન સહાને ફરી મોકો મળી શકે. મયંક અગરવાલ અને હનુમા વિહારી ટીમમાં જળવાઈ રહેશે. ઇન્જર્ડ ઉમેશ યાદવની જગ્યાએ ટી. નટરાજન ટેસ્ટ કરીઅરની શરૂઆત કરશે અથવા શાર્દુલ ઠાકુરને મોકો મળશે.
ઇંગ્લૅન્ડ સિરીઝની પહેલી બે ટેસ્ટ મૅચ માટે જાહેર થઈ ટીમ ઇન્ડિયા
20th January, 2021 10:35 ISTવર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ઇન્ડિયા ફરી નંબર-વન
20th January, 2021 10:34 ISTમહત્ત્વની ક્ષણોમાં ભારતે સારું પર્ફોર્મ કર્યું, ઑસ્ટ્રેલિયા ચૂકી ગયું: ટિમ પેઇન
20th January, 2021 10:32 ISTદરેક પ્લેયરને પોતાનું યોગદાન આપતા જોઈને ઘણું સારું લાગ્યું: રહાણે
20th January, 2021 10:30 IST