૧૫ વર્ષનો યુવરાજ સિંહ અંધેરી-ચર્ચગેટ વચ્ચે બે સ્ટેશન પર ફેંકાઈ ગયેલો

Published: 21st November, 2012 04:31 IST

દિલીપ વેન્ગસરકરે દોઢ દાયકા પહેલાંની વાત કરતાં કહ્યું કે મારી ઍકૅડેમીમાં જોડાવા આવેલા ૨૦૧૧ના વર્લ્ડ કપના આ સુપરસ્ટારને મુંબઈની ટ્રેનમાં ચડવાનો પાઠ રમેશ પોવારે શીખવ્યો હતોગઈ કાલે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન દિલીપ વેન્ગસરકરે યુવરાજ સિંહ પર જર્નલિસ્ટ અને કૉલમનિસ્ટ મકરંદ વાયંગણકર દ્વારા લિખિત ૧૩૩ રૂપિયાની કિંમતના ‘યુવી’ નામના પુસ્તકની લોકાર્પણવિધિ વખતે કહ્યું હતું કે ‘યુવરાજ ૧૫ વર્ષની ઉંમરે મારી એલ્ફ વેન્ગસરકર ક્રિકેટ ઍકૅડેમીમાં તાલીમ લેવા મુંબઈ આવ્યો હતો ત્યારે તેને મુંબઈની લોકલ ટ્રેનોનો કડવો અનુભવ થયો હતો જેના કારણે તે તરત મુંબઈ છોડી જવા અને પાછો મુંબઈ ન આવવા વિચારતો હતો. જોકે હું તેને સમજાવવામાં સફળ થયો હતો.’

વેન્ગસરકર ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર છે. તેમની સિલેક્શન કમિટીએ યુવરાજને પહેલી વાર ટેસ્ટક્રિકેટ માટે સિલેક્ટ કર્યો હતો. વેન્ગસરકરે ૧૫ વર્ષ પહેલાંની ઘટના યાદ કરતા કહ્યું હતું કે ‘યુવી ૧૯૯૭માં મારી ઍકૅડેમીમાં ટ્રેઇનિંગ માટે આવ્યો ત્યારે અંધેરીમાં મકરંદ વાયંગણકરના ઘરે રહેતો હતો. એક દિવસ તે પહેલી વાર ચર્ચગેટના ઓવલ મેદાનમાં આવી રહ્યો હતો ત્યારે તેને લોકલ ટ્રેનનો ખરાબ અનુભવ થયો હતો.’

વેન્ગસરકરે એ ઘટનાની વિગતો આપતા કહ્યું હતું કે ‘મેં યુવીને બપોરે ૩.૦૦ વાગ્યે આવી જવા કહ્યું હતું પણ તે સાંજે ૫.૦૦ વાગ્યે આવ્યો હતો. તે ખૂબ થાકેલો અને પરેશાન લાગ્યો હતો. મેં તેને કારણ પૂછ્યું તો તેણે મને કહ્યું કે અંકલ; મારે મુંબઈમાં નથી રહેવું, પાછા ચંડીગઢ જતા રહેવું છે.’

યુવીએ ત્રણ ટ્રેન છોડવી પડી

વેન્ગસરકરે યુવીની આપવીતી સંભળાવતા પત્રકારોને જે કહ્યું એ વેન્ગસરકરને યુવીએ જ કહેલા શબ્દોમાં જાણીએ : અંકલ, મારાથી મુંબઈની લોકલ ટ્રેનની હાલાકી સહન નહીં થાય. અંધેરીથી ચર્ચગેટ આવવું મને નહીં ફાવે. આજે મારે અંધેરી પર ભારે ગિરદીને કારણે ત્રણ ટ્રેન છોડવી પડી. મને ટ્રેનમાં કોઈએ ચડવા જ ન દીધો. ચોથી ટ્રેનમાં ચડ્યો તો ખરો, પણ અસહ્ય ગિરદીમાં હું દાદરનાં સ્ટેશન પર ફેંકાઈ ગયો હતો. ત્યાર પછી દાદરથી ટ્રેન પકડી તો એવી જ હાલત થઈ. લોકોના ધસારાએ મને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ઉતારી દીધો હતો. માંડ-માંડ ચર્ચગેટ પહોંચ્યો છું.’

વેન્ગસરકરે ત્યારે યુવીની આ હેરાનગતિની વાત તેના પિતા અને ભૂતપૂર્વ ભારતીય પેસબોલર યોગરાજ સિંહને કરી હતી. યોગરાજે પુત્રને કહ્યું હતું કે તું મુંબઈમાં જ રહેજે, કારણ કે મુંબઈ તને સંઘર્ષ અને હરીફાઈનો સફળતાપૂર્વક સામનો કેવી રીતે કરવો એ શીખવશે અને તું એક અલગ પ્રકારનો પ્લેયર બનીને ચંડીગઢ પાછો આવીશ.

વેન્ગસરકરે ત્યારે ઑફ સ્પિનર રમેશ પોવારને યુવીને ટ્રેનમાં આવવા-જવા વિશેના પાઠ શીખવવા કહ્યું હતું. વેન્ગસરકરે ત્યારની એ બન્નેની સાંભળેલી વાતનો ઉલ્લેખમાં ગઈ કાલે કહ્યું હતું કે ‘રમેશ ત્યારે યુવીને એવું કહી રહ્યો હતો કે તારે લોકોના ધક્કાનો સામનો કરીને અને ગમેએમ કરીને ટ્રેનમાં જતા રહેવાનું અને પછી એક કૉર્નરમાં ઊભા રહી જવાનું.’

યુવી ધક્કો મારીને ચડી ગયો

બીજા દિવસે યુવી ટ્રેઇનિંગ કૅમ્પમાં સમયસર આવ્યો હતો જેની વાત વેન્ગસરકરે પત્રકારોને આ શબ્દોમાં કરી હતી : યુવીએ મને કહ્યું કે અંકલ, આજે હું સહીસલામત આવ્યો પણ એક નાનો પ્રૉબ્લેમ નડ્યો. હું જે રીતે ટ્રેનમાં ચડ્યો એની અસર એ થઈ કે બે માણસો સામેના દરવાજામાંથી બહાર ફેંકાઈ ગયા હતા.

વેન્ગસરકરે જર્નલિસ્ટોને કહ્યું હતું કે એ સફળ બનાવ પછી યુવરાજ દોઢ મહિનો મુંબઈમાં રહ્યો હતો.

વેન્ગી-કપિલે સેહવાગને ૧૦૦મી ટેસ્ટમાં સદી ફટકારવા પાનો ચડાવ્યો

વીરેન્દર સેહવાગ ૯૯ ટેસ્ટમૅચ રમ્યો છે અને શુક્રવારે વાનખેડેમાં શરૂ થનારી મૅચ તેની ૧૦૦મી ટેસ્ટ બનશે. વેન્ગસરકર અને કપિલ દેવે ગઈ કાલના ખાર જિમખાનાના સમારંભમાં પત્રકારોને કહ્યું હતું કે સેહવાગે અમદાવાદની ૯૯મી ટેસ્ટમાં સદી ફટકારી, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે તે વાનખેડેમાં ૧૦૦મી મૅચમાં પણ ૧૦૦ રનના આંકડા પર પહોંચે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK