ટોક્યોમાં ૨૨ ઑગસ્ટે શરૂ થતી સ્પર્ધા જીતનાર કહેવાશે વર્લ્ડ ચૅમ્પિયન

પી. વી. સિંધુ, કિદામ્બી શ્રીકાંત, સાઇના નેહવાલ, લક્ષ્ય સેન
બર્મિંગહૅમની કૉમનવેલ્થ ગેમ્સમાં બૅડ્મિન્ટનની સ્પર્ધામાં પહેલી વાર ગોલ્ડ મેડલ જીતનાર ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ, મેન્સ સિંગલ્સમાં સુવર્ણચંદ્રક જીતનાર લક્ષ્ય સેન અને બ્રૉન્ઝ જીતનાર કિદામ્બી શ્રીકાંત તેમ જ ભૂતપૂર્વ નંબર-વન સાઇના નેહવાલ સહિતના ભારતીય ખેલાડીઓ સોમવાર, ૨૨ ઑગસ્ટે જપાનના પાટનગર ટોક્યોમાં શરૂ થનારી વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
સિંધુનો વિશ્વમાં અત્યારે સાતમો રૅન્ક છે. તે ૨૦૧૯માં વિમેન્સ બૅડ્મિન્ટનમાં વર્લ્ડ ચૅમ્પિયન બની હતી. જોકે બે ઑલિમ્પિક મેડલ જીતી ચૂકેલી સિંધુ માટે ટોક્યોમાં ફરી વિશ્વવિજેતા બનવું આસાન નથી, કારણ કે તેણે સેમી ફાઇનલ પહેલાં ચીનની એશિયન ચૅમ્પિયન વૉન્ગ ઝી યી તેમ જ સાઉથ કોરિયાની વર્લ્ડ નંબર-થ્રી એન સી યંગ સામેના તીવ્ર સંઘર્ષનો સામનો કરવો પડશે. સિંધુને ફર્સ્ટ રાઉન્ડની બાય મળી હોવાથી બીજા રાઉન્ડમાં જ તેણે વૉન્ગનો અને ક્વૉર્ટર ફાઇનલમાં યંગનો સામનો કરવો પડશે. સાઇના નેહવાલ ઉપરાંત માલવિકા બનસોડ પણ વિમેન્સ સિંગલ્સમાં રમશે.
મેન્સ સિંગલ્સમાં ૨૦ વર્ષના લક્ષ્ય સેનને પણ સિંધુની માફક ફર્સ્ટ રાઉન્ડ બાય મળી છે એટલે તે સીધો બીજા રાઉન્ડમાં જ રમશે. એચ. એસ. પ્રણોય અને બી. સાઈ પ્રણીત પણ સિંગલ્સમાં અને કૉમનવેલ્થના ગોલ્ડ-મેડલિસ્ટ ચિરાગ શેટ્ટી અને સત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડીની જોડી પણ ટોક્યોની વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સમાં રમશે. મહિલા ડબલ્સમાં ભારતને ખાસ કરીને કૉમનવેલ્થની બ્રૉન્ઝ મેડલિસ્ટ ટ્રીસા જૉલી/ગાયત્રી ગોપીચંદ તેમ જ અશ્વિની પોનપ્પા/એન. સિક્કીરેડ્ડી પર આધાર છે.