રવિવારે પૂરી થયેલી લંડનની વિમ્બલ્ડન સ્પર્ધા પહેલાંના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં મહારાષ્ટ્રની ૧૪ વર્ષની ટૅલન્ટેડ ખેલાડી ઐશ્વર્યા જાધવને રમવાનો અવસર મળ્યો હતો
ઐશ્વર્યા જાધવ
ટેનિસજગતની સૌથી મોટી ટુર્નામેન્ટ વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપમાં રમવું એ કોઈ પણ ટેનિસ ખેલાડી માટે સપનું સાકાર થયેલું કહેવાય, પરંતુ આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ક્વૉલિફાય થવા માટેની સ્પર્ધામાં (ક્વૉલિફિકેશન રાઉન્ડમાં) રમવા મળે એ પણ બહુ મોટી વાત કહેવાય. રવિવારે પૂરી થયેલી લંડનની વિમ્બલ્ડન સ્પર્ધા પહેલાંના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં મહારાષ્ટ્રની ૧૪ વર્ષની ટૅલન્ટેડ ખેલાડી ઐશ્વર્યા જાધવને રમવાનો અવસર મળ્યો હતો.
ઐશ્વર્યા કોલ્હાપુરની છે. વિમ્બલ્ડનના ક્વૉલિફિકેશન સ્ટેજમાં અન્ડર-૧૪ ગર્લ્સ કૅટેગરીમાં તે એકમાત્ર ભારતીય હતી. તે રોમાનિયાની હરીફ ઍન્ડ્રિયા સૉર સામે ૩-૬, ૨-૬થી હારી જતાં વિમ્બલ્ડનની મુખ્ય સ્પર્ધામાં ન પહોંચી શકી એ વાત અલગ છે, પણ તેના માટે આ ટૂર અને ભારત માટે આ મૅચ યાદગાર તો ખરી જ. આ ટીનેજ ખેલાડી આઇટીએફ વર્લ્ડ ગર્લ્સ ટેનિસ અન્ડર-૧૪ કૉમ્પિટિશનમાંના પર્ફોર્મન્સ બદલ વિમ્બલ્ડનના ક્વૉલિફાઇંગમાં પહોંચી શકી હતી. આ ટૂર પહેલાં અર્શદ દેસાઈ અને મનાલ દેસાઈનું માર્ગદર્શન મેળવનાર ઐશ્વર્યાના વિમ્બલ્ડનમાં કોચ અમ્રિતા બૅનરજી હતાં.


