ચૅમ્પિયન્સ લીગમાં મૅન્ચેસ્ટર સિટીનો આરબી લિપ્ઝિગ સામે ૭-૦થી વિજય

મંગળવારે હેડરથી પાંચમો ગોલ કરી રહેલો અર્લિંગ હાલૅન્ડ. તસવીર એ.પી./પી.ટી.આઇ.
નૉર્વેના ટોચના ફુટબોલર એર્લિંગ હાલૅન્ડે મંગળવારે મૅન્ચેસ્ટરમાં ચૅમ્પિયન્સ લીગના મુકાબલામાં પાંચ ગોલ કરીને મૅન્ચેસ્ટર સિટીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચાડી દીધું હતું તેમ જ પાંચ મોટા વિક્રમ પણ રચી દીધા હતા. સિટીએ આ મૅચમાં આરબી લિપ્ઝિગ ક્લબની ટીમને ૭-૦થી હરાવી દીધી હતી. હાલૅન્ડે મૅચની ૨૨, ૨૪, ૪૭, ૫૩, ૫૭મી મિનિટમાં ગોલ કર્યો હતો. બીજા બે ગોલમાં એક ગુન્ડોઍને અને બીજો ગોલ કેવિન ડી બ્રુઇનીએ કર્યો હતો.
બાવીસ વર્ષના હાલૅન્ડના પાંચ મુખ્ય વિક્રમ આ મુજબ છે : (૧) યુરોપની સૌથી મોટી ફુટબૉલ ચૅમ્પિયનશિપ્સમાં ગણાતી ચૅમ્પિયન્સ લીગની એક સીઝનમાં તે સૌથી ઓછી મૅચમાં ૩૦ ગોલ કરનારો (ફાસ્ટેસ્ટ) ખેલાડી બન્યો છે. તેણે ૩૦ ગોલ પચીસ મૅચમાં કર્યા છે. (૨) તે ચૅમ્પિયન્સ લીગની એક સીઝનમાં ૩૦ ગોલના આંકડા સુધી પહોંચેલો સૌથી યુવાન ખેલાડી પણ બન્યો છે. તેની ઉંમર બાવીસ વર્ષ અને ૨૩૬ દિવસ છે. કીલિયાન ઍમ્બપ્પેએ ચૅમ્પિયન્સ લીગની એક સીઝનમાં ૩૦ ગોલ કર્યા હતા ત્યારે તેની ઉંમર ૨૨ વર્ષ અને ૩૫૨ દિવસ હતી. (૩) ચૅમ્પિયન્સ લીગની એક મૅચમાં પાંચ ગોલ કરી ચૂકેલાઓમાં પણ તે યંગેસ્ટ પ્લેયર બન્યો છે. રેકૉર્ડની બાબતમાં તે આર્જેન્ટિનાના લિયોનેલ મેસી અને બ્રાઝિલના લુઇઝ ઍડ્રિયાનો સાથે જોડાયો છે. (૪) ટોચની ફુટબૉલ સ્પર્ધાઓમાં તેણે આ સીઝનમાં કુલ ૩૯ ગોલ કર્યા છે જે મૅન્ચેસ્ટર સિટીની ટીમના તમામ ખેલાડીઓમાં નવો રેકૉર્ડ છે. (૫) સીઝનની મોટી પાંચ સ્પર્ધાઓમાં કોઈ એક ખેલાડીએ પાંચ વખત ગોલની હૅટ-ટ્રિક કરી હોય એવો પહેલો બનાવ છે અને આ રેકૉર્ડ પણ હાલૅન્ડના નામે લખાયો છે.
અન્ય એક મૅચમાં ઇન્ટર મિલાને એસી મિલાનને ૧-૦થી હરાવીને એક દાયકા બાદ ચૅમ્પિયન્સ લીગની ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.