મહારાષ્ટ્રના કોલ્હાપુરનો સ્વપ્નિલ કુસાળે સેન્ટ્રલ રેલવેના પુણે ડિવિઝનમાં ૨૦૧૫થી જૉબ કરે છે.
સ્વપ્નિલ કુસાળે
પૅરિસ ઑલિમ્પિક્સમાં શૂટિંગમાં બ્રૉન્ઝ મેડલ અપાવનારો મહારાષ્ટ્રના કોલ્હાપુરનો સ્વપ્નિલ કુસાળે સેન્ટ્રલ રેલવેના પુણે ડિવિઝનમાં ૨૦૧૫થી જૉબ કરે છે. મેડલ અપાવ્યા બાદ સ્વપ્નિલ કુસાળેનું ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE)માંથી સ્પોર્ટ્સ સેલમાં ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી (OSD) તરીકે ડબલ પ્રમોશન કરવામાં આવ્યું હોવાનું સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સ્વપ્નિલ નીલાએ ગઈ કાલે જાહેર કર્યું હતું. જોકે શૂટર સ્વપ્નિલ કુસાળેનાં કોચ દીપાલી દેશપાંડેએ કહ્યું હતું કે ‘રેલવેની જૉબમાં સ્વપ્નિલ કુસાળે તેની ઑફિસના વલણથી ખુશ નહોતો. તે નવ વર્ષથી રેલવેમાં કામ કરે છે, પણ તેને ક્યારેય પ્રમોશન નથી આપવામાં આવ્યું. તેને પૅરિસ જતાં પહેલાં ઑફિસમાં રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે તે ટ્રેઇનિંગમાં હતો એટલે રેલવેની ઑફિસમાં નહોતો જઈ શક્યો.’
સ્વપ્નિલ કુસાળે સાથે રેલવેમાં સાથે કામ કરનારા કર્મચારીઓએ પણ કહ્યું હતું કે ‘સ્વપ્નિલ રેલવેની ઑફિસ અને સિનિયર અધિકારોના વર્તનથી નારાજ હતો. સ્વપ્નિલે જ્યારે પણ પ્રમોશનની વાત કરી હતી ત્યારે તેને ખરાબ ભાષામાં જવાબ મળતો હતો એટલે તે ખૂબ દુઃખી થયો હતો.’


