લિસ્બનમાં ગુરુવારે તે ૧૯૭મી મૅચ રમ્યો હતો અને એ સાથે તેણે કુવૈતના બાડેર અલ-મુતાવાનો ૧૯૬ મૅચનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો હતો
રોનાલ્ડોનો ૧૯૭ ઇન્ટરનૅશનલ મૅચ રમવાનો વિશ્વવિક્રમ
પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશ્વમાં હવે સૌથી વધુ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર ખેલાડી બન્યો છે. લિસ્બનમાં ગુરુવારે તે ૧૯૭મી મૅચ રમ્યો હતો અને એ સાથે તેણે કુવૈતના બાડેર અલ-મુતાવાનો ૧૯૬ મૅચનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો હતો. મેન્સ ફુટબૉલમાં સૌથી વધુ ૧૧૮ ઇન્ટરનૅશનલ ગોલ કરનાર રોનાલ્ડોએ ગુરુવારે લિશ્ટેનસ્ટેઇન સામેની મૅચમાં બે ગોલ કર્યા હતા. ૫૧ અને ૬૩મી મિનિટે તેણે કરેલા ગોલની મદદથી પોર્ટુગલે ૪-૦થી વિજય મેળવ્યો હતો. રોનાલ્ડો ચૅમ્પિયન્સ લીગમાં હાઇએસ્ટ ૧૮૩ મૅચ રમ્યો છે અને હાઇએસ્ટ ૧૪૦ ગોલ પણ તેના જ નામે છે.
હૅરી કેનના ૫૪ ગોલ હવે બ્રિટિશ ફુટબોલર્સમાં હાઇએસ્ટ
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડની ફુટબૉલ ટીમના કૅપ્ટન હૅરી કેને ગુરુવારે ઇટલીના નેપલ્સ શહેરમાં કરીઅરનો ૫૪મો ઇન્ટરનૅશનલ ગોલ કરીને પોતાના દેશ વતી સૌથી વધુ ગોલ કરનાર વેઇન રૂનીનો વિક્રમ તોડ્યો હતો. રૂની ૨૦૧૩થી ૨૦૧૮ સુધી રમ્યો હતો અને હૅરી કેને ૨૦૧૫માં ઇંગ્લૅન્ડ વતી ડેબ્યુ કર્યું હતું. ઇંગ્લૅન્ડ ગુરુવારે ઇટલી સામે યુરો ચૅમ્પિયનશિપની ક્વૉલિફાયરમાં ઇટલી સામે રમ્યું હતું અને ૨-૧થી જીત્યું હતું. આ મૅચમાં હૅરી કેને ૪૪મી મિનિટે કરેલા ગોલથી ઇંગ્લૅન્ડને જિતાડ્યું હતું.
‘ધ હન્ડ્રેડ’માં હરમન ટ્રેન્ટ રૉકેટ્સ ટીમમાં અને મંધાના ફરી સધર્ન બ્રેવમાં
આગામી ઑગસ્ટમાં ઇંગ્લૅન્ડમાં શરૂ થનારી ‘ધ હન્ડ્રેડ’ નામની ૧૦૦-બૉલ ટુર્નામેન્ટમાં ભારતની હરમનપ્રીત કૌર ટ્રેન્ટ રૉકેટ્સ નામની ટીમ વતી રમશે અને સ્મૃતિ મંધાનાને સધર્ન બ્રેવ ટીમમાં ફરી સમાવવામાં આવી છે.
બાબર, રિઝવાન, રસેલ, પોલાર્ડને ‘ધ હન્ડ્રેડ’માં કોઈ પણ ટીમે ન લીધા
ઑગસ્ટમાં ઇંગ્લૅન્ડમાં રમાનારી ૧૦૦-બૉલની ‘ધ હન્ડ્રેડ’ લીગ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદી અને હૅરિસ રઉફને વેલ્શ ફાયર નામની ટીમે ખરીદ્યા હતા, પરંતુ પાકિસ્તાનના જ બે સુપરસ્ટાર બાબર આઝમ અને રિઝવાનને કોઈ ટીમે નહોતા લીધા. પોલાર્ડ અને બોલ્ટ પણ અનસોલ્ડ રહ્યા હતા. આઇપીએલના હાર્ડ હિટર રસેલને પણ કોઈ ટીમે નહોતો ખરીદ્યો. તાજેતરની પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ના તમામ બૅટર્સમાં રિઝવાનના ૫૫૦ રન હાઇએસ્ટ અને બાબરના ૫૨૨ રન સેકન્ડ-હાઇએસ્ટ હતા.