પોતાના કરીઅરની છેલ્લી એશિયન ગેમ્સ રમી રહેલા બોપન્નાએ મૅચ બાદ કહ્યું હતું કે ‘અમે બન્ને એકબીજાની શક્તિ અને નબળાઈને સમજતા હતાં.
ગોલ્ડ મેડલ સાથે રુતુજા ભોસલે અને રોહન બોપન્ના. (પી.ટી.આઇ.)
રુતુજા ભોસલેએ સમયસર પોતાની રમતમાં સુધારો કર્યો તો ૪૩ વર્ષના રોહન બોપન્નાના અનુભવને કારણે ભારતે ચીનના હૉન્ગજોમાં રમાતી એશિયન ગેમ્સની મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં ગઈ કાલે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય જોડીએ ચીની તાઇપેઇ સુંગ-હાઓ હુઆનંગ અને એન-શુઓ લિયાંગ સામે ૨-૬, ૬-૩, ૧૦-૪થી જીત મેળવી હતી. રુતુજા પહેલા સેટમાં સર્વિસમાં તેમ જ રિટર્નમાં નબળી હતી, જેનો લાભ ચીની તાઇપેઇ ખેલાડીએ ઉઠાવ્યો હતો. જોકે ૨૭ વર્ષની રુતુજાએ બીજા સેટમાં શાનદાર રિટર્ન આપવાની શરૂઆત કરી હતી.
પોતાના કરીઅરની છેલ્લી એશિયન ગેમ્સ રમી રહેલા બોપન્નાએ મૅચ બાદ કહ્યું હતું કે ‘અમે બન્ને એકબીજાની શક્તિ અને નબળાઈને સમજતા હતાં. પહેલો સેટ હાર્યા બાદ માં કહ્યું કે આપણે રિટર્ન સાઇડ ચેન્જ કરી નાખીએ. હું નેટ તરફથી જ રિટર્ન આપીશ, જેને કારણે અમે આ મૅચ જીતી શક્યાં. અમારા હરીફ ખેલાડીઓ પણ સારું રમી રહ્યાં હતાં. જો હું મારી પહેલી કે બીજી એશિયન ગેમ્સ રમતો હોત તો આવું વિચાર્યું નહોત, પરંતુ આટલાં વર્ષોથી રમતો હોવાને કારણે મેં ફેરબદલને ઝડપથી અપનાવ્યો. હવે હું શાતિથી ભારત અને પાકિસ્તાનની હૉકી મૅચ જોઈશ.’
ADVERTISEMENT
ટેનિસમાં માત્ર બે મેડલ
એશિયન ગેમ્સમાં ભારતનો આ સદીમાં આ સૌથી ખરાબ દેખાવ છે, જેમાં એને માત્ર બે જ મેડલ મળ્યા છે. ૨૦૦૨માં ભારતને ચાર, ૨૦૦૬માં ચાર, ૨૦૧૦માં પાંચ, ૨૦૧૪માં પાંચ અને ૨૦૧૯માં ત્રણ મેડલ જીત્યા છે. શુક્રવારે મેન્સ ડબલ્સની ટીમના સાકેત માઇનેની અને રામકુમાર રામનાથન સિલ્વર મેડલ જીત્યા હતા. બોપન્નાનો એશિયન ગેમ્સમાં આ બીજો ગોલ્ડ મેડલ હતો તો રુતુજા પહેલી વખત ગોલ્ડ જીતી હતી.


