૯૫ અધિકારીઓમાંથી ૭૭ જણ ખેલાડીઓની ટીમના, નવ મેડિકલ આૅફિસર અને નવ અન્ય ટીમ-અધિકારીઓ
ભારતીય પૅરાલિમ્પિક્સ સમિતિના પ્રમુખ દેવેન્દ્ર ઝાઝરિયા અને મિશનના વડા સત્ય પ્રકાશ સાંગવાન સાથે ભારતીય ખેલાડીઓ પૅરિસ જવા રવાના થયા હતા.
૨૮ ઑગસ્ટથી પૅરિસમાં શરૂ થનારી પૅરાલિમ્પિક્સ માટે ભારતીય ફૅન્સમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પચીસથી વધુ મેડલ જીતવાના ટાર્ગેટ સાથે ૮૪ ખેલાડીઓની ભારતની સૌથી મોટી ટીમ પૅરિસ જવા નાની-નાની ટુકડીમાં રવાના થઈ છે. આ ૮૪ ખેલાડીઓ સાથે ૯૫ જેટલા અધિકારીઓ પણ સરકારી ખર્ચે પૅરિસ જઈ રહ્યા છે એટલે કે કુલ ૧૭૯ જણ પૅરિસમાં પૅરાલિમ્પિક્સમાં ઐતિહાસિક પ્રદર્શન કરવા તનતોડ મહેનત કરતા જોવા મળશે.
આ ૯૫ અધિકારીઓમાંથી ૭૭ જણ ટીમ-અધિકારીઓ, નવ ટીમ મેડિકલ ઑફિસર અને નવ અન્ય ટીમ-અધિકારીઓ છે. આમાં વ્યક્તિગત કોચ અને સહાયકોનો પણ સમાવેશ થાય છે જેઓ ખેલાડીઓની વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમની સાથે હોય છે. ટોક્યોમાં ૫૪ ખેલાડીઓની ટીમે નવ રમતમાં ભાગ લઈને ઐતિહાસિક ૧૯ મેડલ જીત્યા હતા. પૅરિસમાં ૮ સપ્ટેમ્બર સુધી ભારતીય ખેલાડીઓ ૧૨ રમતમાં ભાગ લેશે.
ADVERTISEMENT
પૅરા ઍથ્લેટિક્સ ટીમ ભારતની સૌથી મોટી ટીમ છે જેમાં ૩૮ ઍથ્લીટ્સ છે, એમાં સૌથી વધુ સંખ્યામાં ખાનગી કોચ અને સહાયક કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. ભારતીય પૅરાલિમ્પિક્સ સમિતિના પ્રમુખ દેવેન્દ્ર ઝાઝરિયા અને મિશનના વડા સત્ય પ્રકાશ સાંગવાન સહિતની વધુ એક ટુકડી રવિવારે પૅરિસ જવા રવાના થઈ હતી. અહેવાલો અનુસાર તમામ સભ્યોને પૅરાલિમ્પિક્સ દરમ્યાન જરૂરિયાત માટે દરરોજ ૫૦ અમેરિકન ડૉલરનું ભથ્થું મળશે.


