માર્શલ આર્ટ અભિનેતા જૅકી ચૅન ટૉર્ચ-બેરરની ભૂમિકામાં જોવા મળશે
પૅરિસના ઐતિહાસિક સ્મારક પર પૅરાલિમ્પિક્સનો લોગો
પૅરિસમાં ઑલિમ્પિક્સ બાદ આજથી પૅરાલિમ્પિક્સનો રોમાંચ શરૂ થવા જઈ રહ્યો છે. ભારતીય સમય અનુસાર આજે રાત્રે ૧૧.૩૦ વાગ્યાથી રંગારંગ ઓપનિંગ સેરેમની શરૂ થશે જે પહેલી વાર સ્ટેડિયમની બહાર યોજાશે. હૉન્ગકૉન્ગમાં જન્મેલા માર્શલ આર્ટ અભિનેતા જૅકી ચૅન ઓપનિંગ સેરેમની પહેલાં ટૉર્ચ-બેરર બનીને પૅરાલિમ્પિક્સની શોભા વધારતો જોવા મળશે. પૅરિસનાં ઐતિહાસિક સ્મારકો વચ્ચે યોજાનારી આ ઓપનિંગ સેરેમનીમાં ભારતીય દળના ૧૦૬ સભ્યો ભાગ લેશે.
પરેડ ઑફ નેશન્સમાં ભારતીય ટુકડીમાં બાવન ઍથ્લીટ્સ અને ૫૪ અધિકારીઓ સહિત ૧૦૬ સભ્યો હશે. કુલ ૧૭૯ સભ્યોની ટીમમાંથી બાકીના ખેલાડીઓ અને અધિકારીઓ ઓપનિંગ સેરેમનીના બીજા જ દિવસે યોજાનારી ઇવેન્ટમાં મુશ્કેલી ન પડે એ માટે અહીં જોડાશે નહીં. શૂટિંગ સહિતની રમતના વેન્યુ જ અહીંથી ૨૦૦ કિલોમીટર દૂર છે. શૉટપુટર ભાગ્યશ્રી જાધવ અને જૅવલિન થ્રોઅર સુમિત ઍન્ટિલ પરેડમાં ભારતનો ધ્વજ ફરકાવતા જોવા મળશે.


