બૉયફ્રેન્ડ સાથે ઑલિમ્પિક વિલેજમાંથી બહાર ગયેલી બ્રાઝિલિયન સ્વિમરની થઈ હકાલપટ્ટી; ભારતીય મૂળની ફ્રેન્ચ ખેલાડીને હરાવીને મનિકા બત્રાએ રચ્યો ઇતિહાસ અને વધુ સમાચાર
ગઈ કાલની મૅચમાં ઇન્ડોનેશિયન જોડી સામે ચિરાગ અને સાત્વિક
સાત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડીએ ગઈ કાલે બૅડ્મિન્ટન મેન્સ ડબલ્સમાં ઇન્ડોનેશિયાની જોડીને હરાવીને ગ્રુપ-Cમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. સાત્વિક અને ચિરાગની જોડી ઑલિમ્પિક્સના ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ભારતીય પુરુષ ડબલ્સ જોડી બની છે. મહિલા ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટોનું અભિયાન સતત ત્રીજી હાર સાથે સમાપ્ત થયું. પુરુષ ડબલ્સના નૉકઆઉટ રાઉન્ડના ડ્રૉ આજે નક્કી થશે.
પોતાનાથી ૧૦ વર્ષ નાની ભારતીય મૂળની ફ્રેન્ચ ખેલાડીને હરાવીને મનિકા બત્રાએ રચ્યો ઇતિહાસ
ADVERTISEMENT
ભારતની ૨૯ વર્ષની અનુભવી ખેલાડી મનિકા બત્રાએ ઑલિમ્પિક્સમાં ટેબલ ટેનિસની મહિલાઓની સિંગલ્સ ઇવેન્ટના રાઉન્ડ ઑફ ૩૨માં ફ્રાન્સની ભારતીય મૂળની ૧૯ વર્ષની પ્રીતિકા પવાડેને આસાનીથી હરાવી હતી. ઑલિમ્પિક્સના રાઉન્ડ ઑફ ૧૬માં પહોંચનારી પહેલી ભારતીય ટેબલ ટેનિસ પ્લેયર. કૉમનવેલ્થ ગેમ્સની ચૅમ્પિયન મનિકાએ ૩૭ મિનિટ સુધી ચાલેલી મૅચમાં ૧૧-૯, ૧૧-૬, ૧૧-૯, ૧૧-૭થી જીત મેળવી હતી. ઑલિમ્પિક્સમાં ટેબલ ટેનિસના રાઉન્ડ ઑફ ૧૬માં પહોંચનારી તે પ્રથમ ભારતીય ખેલાડી બની છે. પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં મનિકાનો મુકાબલો જપાન અને હૉન્ગકૉન્ગ વચ્ચેની મૅચની વિજેતા સાથે થશે.
બૉયફ્રેન્ડ સાથે ઑલિમ્પિક વિલેજમાંથી બહાર ગયેલી બ્રાઝિલિયન સ્વિમરની થઈ હકાલપટ્ટી
પૅરિસ ઑલિમ્પિક્સમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બ્રાઝિલની મહિલા સ્વિમર ઍના કૅરોલિના વિએરા તેના બૉયફ્રેન્ડ અને સાથી ખેલાડી ગૅબ્રિયલ સૅન્તોસ સાથે પરવાનગી વગર ઑલિમ્પિક વિલેજમાંથી છુપાઈને બહાર ફરવા ગઈ હતી. એના બીજા જ દિવસે તેમની ફ્રીસ્ટાઇલ રિલેમાં ટીમ ઇવેન્ટ હતી, જેમાં તેઓ ખાસ પ્રદર્શન કરી શક્યાં નહોતાં. આ વર્તન બદલ ઍનાને બ્રાઝિલ પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે બૉયફ્રેન્ડે માફી માગી લેતાં તેને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો છે.
સેન નદીની પાણીની ગુણવત્તાને કારણે ઑલિમ્પિક્સ ટ્રાયથલોન થઈ પોસ્ટપોન
સેન નદીમાં પાણીની ગુણવત્તા વિશેની ચિંતાઓને કારણે ગઈ કાલે પુરુષોની ટ્રાયથલોન પોસ્ટપોન રાખવામાં આવી છે. ટ્રાયથલોનમાં રનિંગ અને સાઇક્લિંગ બાદ સ્વિમિંગ ઇવેન્ટ સેન નદીમાં યોજાવાની હતી. આયોજકો આજે મહિલાઓની ઇવેન્ટ સાથે પુરુષોની ઇવેન્ટ યોજવાનો પ્રયાસ કરશે, પરતું એ પણ પાણીની ગુણવત્તા પર નિર્ભર રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવાર અને ગુરુવાર સાંજ સુધી વાવાઝોડું આવી શકે છે જેનાથી સ્થિતિ વધુ બગડી શકે છે. ભારે વરસાદને કારણે સામાન્ય રીતે સેન નદીમાં બૅક્ટેરિયાનું સ્તર વધે છે. શુક્રવારે ઑલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહ દરમ્યાન પૅરિસમાં ભારે વરસાદ પડ્યો હતો અને એ શનિવારે પણ ચાલુ રહ્યો હતો. સેન નદીમાં પાણીની ગુણવત્તા વિશેની ચિંતાઓને કારણે રવિવાર અને સોમવારે ટ્રાયથલોન પ્રૅક્ટિસ-સેશન રદ કરવા પડ્યાં હતાં.
કોઈ સાત મહિનાની પ્રેગ્નન્ટ, કોઈને ત્યાં આવી રહી છે દીકરી
પૅરિસ ઑલિમ્પિક્સમાં રમતોની રસાકસી વચ્ચે કેટલીક ઇમોશનલ ક્ષણ પણ જોવા મળી હતી. ઇજિપ્તની ફેન્સર નદા હાફેઝે પૅરિસ ઑલિમ્પિક્સમાં ફેન્સિંગ ઇવેન્ટમાં ભાગ લીધા બાદ ખુલાસો કર્યો હતો કે તે સાત મહિનાની પ્રેગ્નન્ટ છે. રાઉન્ડ ઑફ ૧૬માં પહોંચ્યાના કલાકો પછી હાફેઝે તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે તે એક ‘લિટલ ઑલિમ્પિયન’ સાથે છે. બીજી તરફ અમેરિકાના સ્વિમર રાયન મર્ફીએ જ્યારે પુરુષોની ૧૦૦ મીટર બૅકસ્ટ્રોકમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો ત્યારે તેની પ્રેગ્નન્ટ પત્નીએ બેબીનું જેન્ડર જાહેર કરતાં સ્ટૅન્ડમાં ઊભા થઈને ‘રાયન, ઇટ્સ અ ગર્લ’ લખેલું પોસ્ટર બતાવીને તેની જીત યાદગાર બનાવી દીધી હતી.
૯૨ વર્ષના પિતાનું સ્વપ્ન સાકાર કરવા ૫૮ વર્ષે કર્યું ઑલિમ્પિક્સમાં ડેબ્યુ
૫૮ વર્ષની ઉંમરે ઑલિમ્પિક્સમાં ડેબ્યુ કર્યા બાદ ચર્ચામાં આવેલી ચીલીની ટેબલ ટેનિસ ખેલાડી ઝેંગ ઝિયાઇંગ પ્રથમ રાઉન્ડમાં પરાજય બાદ પૅરિસ ઑલિમ્પિક્સ 2024માંથી બહાર થઈ ગઈ હતી. તેણે મૅચ બાદ ખુલાસો કર્યો કે ઑલિમ્પિક્સમાં રમવું એ તેના ૯૨ વર્ષના પિતા માટે એક સ્વપ્ન સાકાર થવાની ક્ષણ હતી, જેઓ તેને ટીવી પર રમતા જોતા હતા.
નીરજ ચોપડા પહોંચ્યો આૅલિમ્પિક વિલેજમાં: નમસ્કાર પૅરિસ, પર્ફોર્મ કરને કા સમય આ ગયા હૈ
ટોક્યો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા વિદેશમાં ટ્રેઇનિંગ લઈને ગઈ કાલે કોચ અને સાથી ખેલાડી સાથે પૅરિસના ઑલિમ્પિક વિલેજમાં પહોંચ્યો હતો. તેણે સોશ્યલ મીડિયા પર ‘નમસ્કાર પૅરિસ’ કૅપ્શન સાથે ફોટો શૅર કર્યા હતા. તેણે વૉલ ઑફ પૉઝિટિવિટી પર ભારતીય ખેલાડીઓ માટે સ્પેશ્યલ મેસેજ લખ્યો હતો કે પર્ફોર્મ કરવાનો સમય આવી ગયો છે. ૬ ઑગસ્ટથી જૅવલિન થ્રોના ક્વૉલિફિકેશન રાઉન્ડ શરૂ થશે, જ્યારે ફાઇનલ મૅચ ૮ ઑગસ્ટે રમાશે.
૩૦ દેશ પાર કરીને પૅરિસ પહોંચ્યો ગોલ્ડન બૉય નીરજ ચોપડાનો જબરો ફૅન
T20 વર્લ્ડ કપ 2024 બાદ હવે ભારતીયોમાં ઑલિમ્પિક્સને લઈને પણ ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફૅન્સ ઍથ્લીટ્સની મૅચની અપડેટ લઈ રહ્યા છે. આ બધા વચ્ચે ગોલ્ડન બૉય નીરજ ચોપડાના એક જબરા ફૅને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ૨૦૨૨ની ૧૫ ઑગસ્ટે કેરલાના કાલિકટથી શાંતિ અને એકતાના સંદેશ સાથે સાઇકલ પર નીકળેલા ફૈઝ અશરફ અલીએ હાલમાં લંડન સુધીની યાત્રા પૂરી કરી હતી, પણ નીરજ ચોપડાને મળવા માટે તેણે ૧૪ જુલાઈએ લંડનથી પૅરિસ સુધીની સાઇકલયાત્રા શરૂ કરી હતી. તે ૩૦ દેશમાંથી અંદાજે ૨૨,૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને પૅરિસમાં નીરજ ચોપડાને મળ્યો હતો.

