ક્લબ થ્રોની સ્પર્ધામાં હરિયાણાના ધર્મબીરે ગોલ્ડ અને પ્રણવ સુરમાએ સિલ્વર મેડલ જીત્યો
ગોલ્ડ મેડલિસ્ટ ધર્મબીર, સિલ્વર મેડલિસ્ટ પ્રણવ સુરમા
ચાર સપ્ટેમ્બરની મોડી રાતે શરૂ થયેલી પુરુષોની ક્લબ થ્રો F51 કૅટેગરીની ઇવેન્ટમાં ભારતીય ખેલાડીઓએ પહેલી વખત મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ક્લબ થ્રો ઇવેન્ટમાં ભારતીય ખેલાડી ધર્મબીર અને પ્રણવ સુરમાએ અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો છે. પૅરાલિમ્પિક્સની એક ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ ભારતના નામે થયા હોય એવી આ પહેલી ઘટના છે.
F51 સ્પોર્ટ્સ કૅટેગરીના ખેલાડીઓમાં સ્નાયુની મજબૂતાઈનો અભાવ હોય છે અથવા તેમની ગતિ ઓછી હોય છે. આવી સ્થિતિમાં તમામ રમતવીરો બેસીને સ્પર્ધા કરે છે. વર્ષ ૧૯૬૦થી રમાતી ક્લબ થ્રો એ પૅરાલિમ્પિક્સ ઇવેન્ટ છે જે ઑલિમ્પિક્સમાં હૅમર થ્રો જેવી જ છે. જોકે ક્લબ થ્રો ઑલિમ્પિક્સ કાર્યક્રમનો ભાગ રહી નથી. ૩૫ વર્ષના ધર્મબીરે તેના પાંચમા પ્રયાસમાં ૩૪.૯૨ મીટરના એશિયન રેકૉર્ડ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે, જ્યારે ૩૦ વર્ષના પ્રણવ સુરમાએ ૩૪.૫૯ મીટરના પ્રયાસ સાથે મજબૂત શરૂઆત કરી અને સિલ્વર મેડલ જીત્યો છે.
ADVERTISEMENT
આ મેડલિસ્ટોના જીવનમાં આવો હતો દુખદ વળાંક
ધર્મબીર પોતાના ગામની કૅનલમાં ડૂબકી મારતી વખતે જીવલેણ અકસ્માતનો ભોગ બન્યો છે. પાણીની ઊંડાઈનો ખોટો અંદાજ કાઢતાં તે નીચે ખડકો સાથે અથડાયો હોવાથી તેના શરીરનો કમરથી નીચેનો ભાગ નબળો પાડ્યો છે. તે રિયો ૨૦૧૬માં નવમા અને ટોક્યો ૨૦૨૦માં આઠમા ક્રમે રહ્યો હતો અને આ વર્ષની શરૂઆતમાં તેણે જપાનમાં પૅરા વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. ગત વર્ષે એશિયન પૅરા-ગેમ્સમાં તે પ્રણવ સુરમા સામે ગોલ્ડ મેડલ હારી ગયો હતો અને સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો હતો.
પ્રણવ સુરમા જ્યારે ૧૬ વર્ષનો હતો ત્યારે તેના માથા પર સિમેન્ટની છત પડી હતી, જેના કારણે તેની કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ અને તેનું શરીર નીચેથી નબળું પડ્યું છે. ડૉક્ટરોએ તેને કહ્યું કે તે ફરી ક્યારેય ચાલશે નહીં અને તેણે છ મહિના હૉસ્પિટલમાં જ વિતાવ્યા હતા. પ્રણવને એ સ્વીકારવામાં ઘણાં વર્ષો લાગ્યાં કે તેની વ્હીલચૅર આજીવન સાથી હશે.
પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતેલા ખેલાડીઓના કોચ અમિત કુમાર સરોહા તેમના હરીફ પણ હતા, પરંતુ છેક દસમા રહ્યા
ધર્મબીર અને પ્રણવ સુરમાએ જે ક્લબ થ્રો F51 ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો એ ઇવેન્ટમાં તેમના કોચ અમિત કુમાર સરોહા પણ હરીફ તરીકે ભાગ લઈ રહ્યા હતા. હરિયાણાના ૩૯ વર્ષના અમિત કુમાર આ ઇવેન્ટમાં છેલ્લા એટલે કે દસમા ક્રમે રહ્યા હતા. આ અગાઉ તેઓ વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઇવેન્ટમાં બે સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે. એશિયન ગેમ્સની ક્લબ થ્રો ઇવેન્ટમાં બે ગોલ્ડ અને એક બ્રૉન્ઝ જીતનાર અમિત કુમાર ડિસ્ક્સ થ્રોના પણ ખેલાડી છે. તેમણે એશિયન ગેમ્સની ડિસ્ક્સ થ્રો ઇવેન્ટમાં પણ દેશને બે સિલ્વર મેડલ અપાવ્યા છે.
બાવીસ વર્ષની ઉંમરે કાર-ઍક્સિડન્ટમાં કરોડરજ્જુની ઈજાને કારણે તેમના હાથ અને પગની ગતિશીલતા મર્યાદિત થઈ ગઈ હતી. આ ઇવેન્ટ બાદ તેમણે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘જ્યારે મેં રમવાની શરૂઆત કરી ત્યારે દેશમાં કોઈને આ રમત વિશે ખબર નહોતી. આ મારી ચોથી પૅરાલિમ્પિક્સ છે. હું મેડલ ન જીતી શક્યો તો શું થયું, ધર્મબીરનો ગોલ્ડ અને પ્રણવ સુરમાનો સિલ્વર મારા માટે ટીચર્સ ડેની બેસ્ટ ગિફ્ટ છે. હવે આ રમતમાં આગામી પેઢીએ ચાર્જ સંભાળ્યો છે.’