વાનખેડેમાં ભારતીય મહિલા ટીમ બદલો લઈ શકશે?, ઑલિમ્પિક ચૅમ્પિયન કૅટી મૂર મુંબઈ મૅરથૉનની ઍમ્બૅસૅડર બની, અને વધુ સમાચાર
બજરંગ પુનિયા , રાહુલ ગાંધી
ગઈ કાલે હરિયાણાના ઝજ્જર જિલ્લામાં મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયા સાથે પ્રતીકાત્મક કુસ્તી કરવા રિંગમાં ઊતરેલા કૉન્ગ્રેસી નેતા રાહુલ ગાંધી. કૉન્ગ્રેસના નેતાએ મીડિયામાં લખ્યું, ‘મહિલા કુસ્તીબાજોએ જો પોતાના અધિકાર અને ન્યાય માટે રસ્તા પર આવીને લડવા પોતાનો અખાડો છોડવો પડતો હોય તો શું ભવિષ્યમાં કોઈ પેરન્ટ્સ પોતાની દીકરીઓને કુસ્તીની રમતમાં કરીઅર બનાવવા મોકલશે ખરા?’ પી.ટી.આઇ.
વાનખેડેમાં ભારતીય મહિલા ટીમ બદલો લઈ શકશે?
ADVERTISEMENT
ભારતની મહિલા ટીમે છેલ્લાં બે અઠવાડિયાંમાં ઉપરાઉપરી બે ટેસ્ટ-વિજય (ઇંગ્લૅન્ડ સામે અને પછી ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ) મેળવ્યા ત્યાર બાદ હવે આજે ઑસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ સિરીઝની પ્રથમ વન-ડે (બપોરે ૧.૩૦ વાગ્યાથી) રમશે. છેલ્લે ૨૦૧૨માં ઑસ્ટ્રેલિયાએ ભારતના પ્રવાસમાં અમદાવાદની પ્રથમ વન-ડે ૩૦ રનથી જીતી લીધા પછી વાનખેડેની બન્ને મૅચ અનુક્રમે ૨૨૧ રન અને પાંચ વિકેટે જીતી લીધી હતી. હરમનપ્રીત કૌરની ટીમને એ ૦-૩ના વાઇટવૉશનો આજે શરૂ થતી શ્રેણીમાં હરાવીને બદલો લેવાનો સારો મોકો છે.
ઑલિમ્પિક ચૅમ્પિયન કૅટી મૂર મુંબઈ મૅરથૉનની ઍમ્બૅસૅડર બની
વાંસ કૂદકાની હરીફાઈમાં બે વખત (૨૦૨૨ અને ૨૦૨૩માં) વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી અને ટોક્યો ઑલિમ્પિક્સની ગોલ્ડ મેડલિસ્ટ અમેરિકાની કૅટી મૂરને ૨૦૨૪ની તાતા મુંબઈ મૅરથૉન માટેની ઇવેન્ટ ઍમ્બૅસૅડર બનાવવામાં આવી છે. તેણે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘માનવ શક્તિ અને એની શ્રેષ્ઠતા સેલિબ્રેટ કરવાના આ અનેરા અવસરે પ્રેરણારૂપ બનવામાં તેમ જ રનર્સના ઉત્સાહ અને શક્તિ પરથી પ્રેરણા લેવામાં હું બેહદ આનંદ અનુભવીશ.’
આઇપીએલે અવગણેલો સૉલ્ટ રૅન્કિંગમાં સેકન્ડ
તાજેતરના આઇપીએલના ઑક્શનમાં ઇંગ્લૅન્ડના ઓપનર ફિલ સૉલ્ટને ૧૦માંથી એક પણ ફ્રૅન્ચાઇઝીએ જેને ખરીદવામાં રસ નહોતો બતાવ્યો, પરંતુ એ અવગણના પછી તે જોરદાર ફૉર્મમાં રમી રહ્યો છે અને આઇસીસી ટી૨૦ રૅન્કિંગમાં બીજા નંબર પર આવી ગયો છે. ૧૯ ડિસેમ્બરે (હરાજીના દિવસે) વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી૨૦માં તેણે ફક્ત ૫૭ બૉલમાં ૧૧૯ રન બનાવીને પોતાને અવગણનારાને પરચો બતાડી દીધો હતો. ઑક્શનમાં તેણે ૧.૫૦ કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ રાખી હતી, પણ તે અનસૉલ્ડ રહ્યો હતો. ટી૨૦ના બૅટર્સમાં તે ૮૦૨ પૉઇન્ટ સાથે બીજા નંબરે છે અને મોહમ્મદ રિઝવાન (૭૮૭) ત્રીજા ક્રમે ધકેલાઈ ગયો છે. સૂર્યકુમાર (૮૮૭) પ્રથમ નંબરે છે.
એનઓસીના હકદાર છે અફઘાની પ્લેયર્સ : આકાશ
અફઘાનિસ્તાનના ત્રણ પ્લેયર મુજીબ, નવીન અને ફારુકીએ ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવાની બાબતને અગ્રતા ન આપીને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી ન નિભાવી એ બદલ તેમના ક્રિકેટ બોર્ડ દ્વારા તેમને ઍન્યુઅલ સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ આપવામાં વિલંબ કરવામાં આવ્યો અને વિદેશી ટી૨૦ લીગ ટુર્નામેન્ટોમાં રમવા તેમને બે વર્ષ સુધી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) ન આપવાનું નક્કી કરાયું એ નિર્ણય ઠીક ન કહેવાય, એવું ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ જિયોસિનેમાના ‘આકાશવાણી’ શોમાં જણાવ્યું હતું. આકાશે ભારપૂર્વક કહ્યું હતું કે ‘અફઘાનના આ ત્રણ ખેલાડીઓ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડને લીધે નહીં, પણ આઇપીએલ જેવી ટી૨૦ લીગ સ્પર્ધાઓમાં રમીને જ ખ્યાતનામ બન્યા છે.’


