યુરોપમાં મેસીનો આ ૪૯૬મો ગોલ હતો અને એ સાથે તેણે યુરોપમાં સૌથી વધુ ગોલ કરનાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો.

લિયોનેલ મેસી
મેસીએ પીએસજીને ટાઇટલ અપાવ્યું, રોનાલ્ડોનો વિક્રમ તોડ્યો
ફુટબૉલના સુપરસ્ટાર લિયોનેલ મેસીએ શનિવારે પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી)ને વિક્રમજનક ૧૧મું ફ્રેન્ચ ટાઇટલ જીતવામાં મદદ કરી હતી. પીએસજીની સ્ટ્રૅસબર્ગ સામેની મૅચ મેસીના ગોલ સાથે ૧-૧ના સ્કોરથી ડ્રૉ જતાં પીએસજીએ પૉઇન્ટ્સને આધારે લીગ-વન નામની સ્પર્ધાની ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. યુરોપમાં મેસીનો આ ૪૯૬મો ગોલ હતો અને એ સાથે તેણે યુરોપમાં સૌથી વધુ ગોલ કરનાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો.
સાઉદીમાં રોનાલ્ડોની પ્રથમ સીઝન ટાઇટલ વિનાની
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સાઉદી અરેબિયાની અલ-નાસર ક્લબ સાથે કરાર કર્યો ત્યાર પછીની તેની પ્રથમ સીઝન ટાઇટલ વિના પૂરી થઈ છે. શનિવારે અલ-ઇત્તીહાદ ક્લબની ટીમે અલ-નાસરને ટાઇટલ માટેની રેસમાં પાછળ રાખીને ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. રોનાલ્ડોએ જાન્યુઆરીમાં સાઉદીમાં આગમન કર્યું ત્યારથી માંડીને શનિવાર સુધીમાં ૧૬ મૅચમાં ૧૪ ગોલ કર્યા હતા.
બાયર્ન સતત ૧૧મી વાર જીત્યું બન્ડસલીગા ટાઇટલ
બોરુસિયા ડોર્ટમન્ડ ટીમ જર્મનીની બન્ડસલીગા નામની ટોચની ફુટબૉલ સ્પર્ધાનું ટાઇટલ જીતવા અગ્રેસર હતી, પરંતુ મેઇન્ઝ સાથેની એની મૅચ ૨-૨થી ડ્રૉમાં જતાં બીજા નંબરની બાયર્ન મ્યુનિક ટીમને ટ્રોફી જીતવા મળી ગઈ. બાયર્ન સતત ૧૧મી વખત અને કુલ ૩૩મી વાર આ ટાઇટલ જીતી છે. શનિવારે બાયર્ને કૉલન સામેની મૅચ ૨-૧થી જીતી લીધી ત્યાર બાદ એને ટ્રોફી માટે ડોર્ટમન્ડના એક ડ્રૉ અથવા પરાજયની જરૂર હતી અને ડ્રૉ થતાં બાયર્નને ફરી ચૅમ્પિયન થવા મળી ગયું.
ફ્રેન્ચ ઓપનમાં સબાલેન્કા જીતી, યુક્રેનની કૉસ્ત્યુકનો હુરિયો બોલાવાયો
પૅરિસમાં ગઈ કાલે ફ્રેન્ચ ઓપન ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધાનો આરંભ થયો હતો જેમાં બેલારુસની વર્લ્ડ નંબર-ટૂ ઍરીના સબાલેન્કાએ યુક્રેનની માર્ટા કૉસ્ત્યુકને ૬-૩, ૬-૨થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. મૅચ પછી સબાલેન્કા સાથે હાથ મિલાવવાનું ટાળતાં કૉસ્ત્યુકનો પ્રેક્ષકોએ હુરિયો બોલાવ્યો હતો. મૅચ પૂરી થતાં જ કૉસ્ત્યુક હરીફ પ્લેયર સબાલેન્કા તરફ આવવાને બદલે સીધી અમ્પાયર પાસે ગઈ હતી, તેમની સાથે હાથ મિલાવ્યા હતા અને પછી પોતાની ખુરસી તરફ જતી રહી હતી. ગયા વર્ષે રશિયાએ યુક્રેન પર ચડાઈ કરી ત્યારે બેલારુસે રશિયન સૈનિકોને પોતાના પ્રદેશોનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી. ગયા વર્ષે યુએસ ઓપનની મૅચ રમ્યા પછી કૉસ્ત્યુકે બેલારુસની વિક્ટોરિયા અઝરેન્કા સાથે હાથ મિલાવવાની ના પાડી હતી.