સોમવારે માર્કેટા વૉન્ડ્રોસોવાને ૬-૩, ૬-૩થી પરાજિત કરીને પહેલી વાર આ સ્પર્ધાની ક્વૉર્ટરમાં પહોંચી હતી.
News In Shorts
ઍના કાલિન્સ્કાયા
ટેનિસ પ્લેયર લપસી, પગ મચકોડાયો
ADVERTISEMENT
રોમની ઇટાલિયન ઓપનમાં કઝાખસ્તાનની વર્લ્ડ નંબર-સિક્સ અને વિમ્બલ્ડન ચૅમ્પિયન એલેના રબાકિના આસાનીથી ચોથા રાઉન્ડમાં પહોંચી ગઈ હતી, કારણ કે તેની હરીફ અને રશિયન ખેલાડી ઍના કાલિન્સ્કાયા પહેલા સેટમાં ૩-૪થી પાછળ હતી ત્યારે એક રિટર્ન શૉટ મારવા જતાં પગની ઈજાને કારણે કોર્ટ પર લપસી પડી હતી અને તેનો પગ મચકોડાઈ ગયો હતો. ઍના પછીથી નહોતી રમી અને રબાકિના ચોથા રાઉન્ડમાં પહોંચી ગયા પછી સોમવારે માર્કેટા વૉન્ડ્રોસોવાને ૬-૩, ૬-૩થી પરાજિત કરીને પહેલી વાર આ સ્પર્ધાની ક્વૉર્ટરમાં પહોંચી હતી.
ટીનેજ ચેસ ખેલાડીને અઢી કરોડનું ઇનામ
૧૬ વર્ષના ચેસ ખેલાડી ઉપાલા પ્રણીતને તાજેતરમાં વર્લ્ડ ચેસ ફેડરેશને ગ્રૅન્ડમાસ્ટરનું ટાઇટલ એનાયત કર્યું એ બદલ તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે પ્રણીતને અઢી કરોડ રૂપિયાનું ઇનામ આપ્યું છે. તેને આ ઇનામ ભાવિ ટુર્નામેન્ટ્સ માટેની તાલીમ તેમ જ અન્ય ખર્ચ બદલ આપવામાં આવ્યું છે.
બ્રાઝિલના સૉકર ફિક્સિંગ કૌભાંડનો રેલો અનેક દેશો સુધી
બ્રાઝિલમાં ફુટબૉલની મૅચમાં થયેલા મૅચ-ફિક્સિંગને લગતા કૌભાંડની તપાસ કરી રહેલા અધિકારીઓને પુરાવા મળ્યા છે કે કેટલાક દેશોના ખેલાડીઓ પણ સંડોવાયા છે. કોલોરાડો રૅપિડ્સ ક્લબના મિડફીલ્ડર મૅક્સ આલ્વ્ઝનું નામ આ તપાસમાં આવ્યું છે અને તેની અમેરિકામાં સઘન પૂછપરછ કરવામાં આવશે. બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાંથી સટ્ટાખોરોનો અન્ય દેશોમાંના ખેલાડીઓ સાથે સંપર્ક થયો હોવાની રેકૉર્ડ થયેલી વાતચીત તપાસકારોના હાથમાં આવી છે. કેટલાક પ્લેયર્સને યલો કાર્ડ મેળવવા કે હરીફ ટીમને પેનલ્ટી કિક આપવા ૧૦,૦૦૦ ડૉલરથી ૨૦,૦૦૦ ડૉલર ઑફર કરાયા હતા.
મેસી વગર ટાઇટલ જીતી બતાવનાર બાર્સેલોનાનું અભૂતપૂર્વ સેલિબ્રેશન : ચૅમ્પિયન મહિલા ટીમ પણ જોડાઈ
સ્પેનની બાર્સેલોના ક્લબના પુરુષ ખેલાડીઓએ રવિવારે એસ્પેન્યોલને ૪-૨થી હરાવીને સ્પેનની લા લિગા લીગનું ત્રણ વર્ષે ફરી ચૅમ્પિયનપદ મેળવ્યું એનું તેમણે સોમવારે બાર્સેલોના શહેરમાં યાદગાર સેલિબ્રેશન કર્યું હતું. ટીમના મુખ્ય ખેલાડી રૉબર્ટ લેવાન્ડૉવ્સ્કી અને બીજા ખેલાડીઓએ આસપાસ ઊભેલા ૮૦,૦૦૦ જેટલા ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. લિયોનેલ મેસી ૨૦૨૧માં બાર્સેલોના ટીમ છોડીને પીએસજીમાં જોડાયો હતો અને બાર્સેલોનાની ટીમે તેના વગર ટાઇટલ જીતી દેખાડ્યું છે. બાર્સેલોના ક્લબની જ મહિલા ફુટબૉલ ટીમ થોડા દિવસ પહેલાં સતત ચોથી વાર લા લિગા લીગનું ટાઇટલ જીતી હતી અને તેઓ અલગ બસમાં બેસીને સોમવારે પુરુષ ખેલાડીઓ સાથેની પરેડમાં જોડાઈ હતી. તસવીર એ. એફ. પી.