૮૯.૯૪ મીટરનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ અને રાષ્ટ્રીય રેકૉર્ડ ધરાવતો નીરજ ચોપડા પૅરિસ ઑલિમ્પિક્સ 2024માં ૯૦ મીટર પાર જૅવલિન થ્રો કરવાના ટાર્ગેટ સાથે ઊતરશે.
નીરજ ચોપરાની તસવીર
૩ વર્ષ બાદ ઘરેલુ ટુર્નામેન્ટમાં પાછો ફરેલો નીરજ ચોપડા ગઈ કાલે ફરી એક વાર ‘ગોલ્ડન બૉય’ બન્યો હતો. ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં નીરજ ચોપડાએ ફેડરેશન કપની ફાઇનલમાં ૮૨.૨૭ મીટરનો જૅવલિન થ્રો કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ચોથા પ્રયાસમાં ૮૨.૨૭ મીટરનો થ્રો કરનાર નીરજ ચોપડાએ કોચ અને ફિઝિયો સાથે ચર્ચા બાદ અંતિમ બે થ્રો ન કરવાનો નિર્ણય લીધો હતો. ગયા અઠવાડિયે દોહા ડાયમન્ડ લીગમાં ૮૭.૮૦ મીટરના થ્રો સાથે તે બીજા સ્થાને રહ્યો હતો. ડીપી મનુ (૮૨.૦૬ મીટર) સિલ્વર મેડલ અને ઉત્તમ પાટીલ (૭૮.૩૯ મીટર) બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. નીરજ ચોપડા સાથે ડાયરેક્ટ ફાઇનલમાં એન્ટ્રી કરનાર કિશોર કુમાર જેનાનો શ્રેષ્ઠ થ્રો ૭૫.૪૯ મીટર રહ્યો હતો, તેના ૬માંથી ૩ થ્રો ફાઉલ જાહેર થયા હતા. નીરજ ચોપડાએ છેલ્લે ૨૦૨૧ની ૧૭ માર્ચે આ જ ટુર્નામેન્ટમાં સ્થાનિક સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં તે ૮૭.૮૦ મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૮૯.૯૪ મીટરનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ અને રાષ્ટ્રીય રેકૉર્ડ ધરાવતો નીરજ ચોપડા પૅરિસ ઑલિમ્પિક્સ 2024માં ૯૦ મીટર પાર જૅવલિન થ્રો કરવાના ટાર્ગેટ સાથે ઊતરશે.