ઑન્ડ્રેએસ્કુ ઈજાને કારણે આખું ૨૦૨૦નું વર્ષ નહોતી રમી શકી
કૅનેડાની ઑન્ડ્રેએસ્કુ ત્રણ મોટી હરીફોને હરાવ્યા પછી ચોથી મૅચમાં ઘાયલ
૨૦૧૯ની યુએસ ઓપન ચૅમ્પિયન અને એક સમયે વર્લ્ડ નંબર-ફોરના રૅન્ક સુધી પહોંચનાર કૅનેડાની બિઆન્કા ઑન્ડ્રેએસ્કુ મંગળવારે અમેરિકાની માયામી ઓપનની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં રશિયાની એકાટેરિના ઍલેક્ઝાન્ડ્રોવા સામેની મૅચ દરમ્યાન ઈજા પામતાં તેને (ઑન્ડ્રેએસ્કુને) વ્હીલચૅરમાં લઈ જવાઈ હતી. તે પ્રથમ સેટ ૬-૮થી હારી ગયા પછી બીજા સેટમાં ૨-૦થી આગળ હતી ત્યારે એક શૉટ રમ્યા પછી નીચે બેસી ગઈ હતી અને ડાબા પગની ઘૂંટીની ઈજા સહન ન થતાં ટેનિસ કોર્ટ પર પટકાઈ હતી. તેને પ્રાથમિક સારવાર અપાયા બાદ મેડિકલ ટીમનો સ્ટાફ મેમ્બર તેને વ્હીલચૅરમાં લઈ ગયો હતો. તેને લઈ જવાઈ રહી હતી ત્યારે રડતતાં-રડતાં બોલી, ‘મને પગની ઘૂંટીમાં આટલો દુખાવો અગાઉ ક્યારેય નહોતો થયો.’
ઑન્ડ્રેએસ્કુ ઈજાને કારણે આખું ૨૦૨૦નું વર્ષ નહોતી રમી શકી. માયામીમાં તે શરૂઆતથી જ બહુ સારા ફૉર્મમાં હતી. તેણે બ્રિટનની એમ્મા રાડુકાનુને, મારિયા સક્કારીને અને સોફિયા કેનિનને હરાવી હતી અને ઍલેક્ઝાન્ડ્રોવા સામે રમવા આવી હતી, પરંતુ બીજા સેટની શરૂઆતમાં જ ઈજાગ્રસ્ત થઈ હતી અને ઍલેક્ઝાન્ડ્રોવાને આસાનીથી ક્વૉર્ટર ફાઇનલમાં જવા મળી ગયું હતું.
ADVERTISEMENT
ઑન્ડ્રેએસ્કુએ રાડુકાનુને કહ્યું, ‘અરે વાહ! આપણે બન્ને એક જ હૉસ્પિટલમાં જન્મ્યાં હતાં!’

૨૦૧૯માં યુએસ ઓપન જીતનાર કૅનેડાની બિઆન્કા ઑન્ડ્રેએસ્કુ અને ૨૦૨૧માં એ જ ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધા જીતનાર બ્રિટનની એમ્મા રાડુકાનુને તાજેતરમાં એક કૉમેન્ટેટર મારફત પોતાના વચ્ચેનું મીઠું સામ્ય જાણવા મળ્યું હતું.
બાવીસ વર્ષની ઑન્ડ્રેએસ્કુ કૅનેડાની છે અને જૂન ૨૦૦૦માં તેનો જન્મ ઑન્ટારિયો શહેરના મિસિસોગાની ટાઉનશિપની હૉસ્પિટલમાં થયો હતો. ઑન્ડ્રેએસ્કુનાં દાદા-દાદી મૂળ રોમાનિયાનાં છે. રાડુકાનુ ઇંગ્લૅન્ડની છે. નવેમ્બર ૨૦૦૨માં તેનો જન્મ ઑન્ટારિયો શહેરની મિસિસોગાની હૉસ્પિટલમાં થયો હતો. રાડુકાનુના પિતા આયોન રાડુકાનુ રોમાનિયાના અને મમ્મી રીની ઝાઇ ચીનની છે.
બુધવાર ૨૨ માર્ચે ઑન્ડ્રેએસ્કુએ માયામી ઓપનમાં રાડુકાનુ સામેનો પ્રથમ રાઉન્ડ ૬-૩, ૩-૬, ૬-૨થી જીતી લીધો એ પછી ઑન્ડ્રેએસ્કુએ તેની સાથે થોડી વાતચીત શૅર કરતી વખતે કહ્યું, ‘મને એ જાણીને ખૂબ આનંદ થયો કે આપણા બન્નેનો જન્મ એક જ હૉસ્પિટલમાં થયો હતો.’


