મૉન્ટ્રિયલ સામેની મૅચના પ્રથમ હાફમાં ઘૂંટણમાં ઈજા થઈ હોવા છતાં ૩૬ વર્ષના મેસીએ આખી મૅચમાં ટીમને સાથ આપ્યો હતો
લિયોનેલ મેસી
ટ્રોલિંગ કે ઈજા જેવી સમસ્યાનો સામનો કર્યા છતાં ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમ માટે સતત સારું પ્રદર્શન કરે છે અને ઇતિહાસ રચે છે. ક્રિકેટના મેદાન પર માંસપેશીમાં પીડા થતી હોવા છતાં મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી IPLમાં રમી રહ્યો છે, તો બીજી તરફ ફુટબૉલના મેદાન પર ઈજાગ્રસ્ત હોવા છતાં લિયોનેલ મેસી પોતાની ક્લબને જિતાડવામાં મદદ કરી રહ્યો હતો.
ગઈ કાલે અમેરિકાની મેજર સૉકર લીગમાં ઈજાગ્રસ્ત હોવા છતાં સ્ટાર ફુટબૉલર મેસીએ પોતાની ટીમ ઇન્ટર માયામીને સતત પાંચમી જીત અપાવી હતી. મૉન્ટ્રિયલ સામેની મૅચના પ્રથમ હાફમાં ઘૂંટણમાં ઈજા થઈ હોવા છતાં ૩૬ વર્ષના મેસીએ આખી મૅચમાં ટીમને સાથ આપ્યો હતો. કૅનેડામાં પહેલી વાર ફુટબૉલ રમી રહેલા મેસીએ મેડિકલ સ્ટાફ પાસે બે મિનિટની સારવાર લઈને દુખાવો થતો હોવા છતાં મેદાન પર ઝડપથી વાપસી કરી હતી. ઇન્ટર માયામીએ મૉન્ટ્રિયલ ક્લબ સામે ૩-૨ના સ્કોરથી જીત મેળવી હતી. ૨૦૨૩માં ઇન્ટર માયામી સાથે જોડાનાર મેસીએ આ ક્લબ માટે ૨૫ મૅચમાં ૨૩ ગોલ કર્યા છે.

