ભાલાફેંકનો ગોલ્ડ મેડલ વિજેતા ઍથ્લીટ ગુજરાતમાં પહેલી વાર યોજાઈ રહેલી નૅશનલ ગેમ્સને પ્રોત્સાહિત કરવા વિવિધ શહેરોની મુલાકાતે

વડોદરામાં બુધવારે ગરબાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન નીરજ ચોપડા. તેણે સ્ટેજ પરથી સેલ્ફી લીધા હતા. ખેલૈયાઓએ નીરજને પોતાના કૅમેરામાં કેદ કર્યો હતો. નીરજે ગરબા ગાઈને ખેલૈયાઓને વધુ રોમાંચિત કર્યા હતા.
ભારતના જાણીતા સ્પોર્ટ્સમૅન અને ગયા વર્ષની ટોક્યો ઑલિમ્પિક્સમાં ભાલાફેંકની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને દેશને ઐતિહાસિક ગૌરવ અપાવનાર નીરજ ચોપડા બુધવારે વડોદરામાં ગરબાનો લહાવો લેવા પહોંચતાં ખેલૈયાઓએ ઉત્સાહભેર તેનું અભિવાદન કર્યું હતું. એટલું જ નહીં, નીરજ ગરબાના સ્થળે ખૂબ ઉત્સાહી હતો અને આરતી કર્યા બાદ તે ગરબે ઘૂમ્યો હતો.
ગુજરાતમાં પહેલી વાર યોજાઈ રહેલી નૅશનલ ગેમ્સને પ્રોત્સાહિત કરવા માટે નીરજ રાજ્યનાં વિવિધ શહેરોની મુલાકાત લઈ રહ્યો છે. બુધવારે રાતે વડોદરાના મેદાન પર નીરજને જોતાં જ ખૈલેયાઓએ તેના નામની બૂમો પાડીને તેને આવકાર્યો હતો.
વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયા અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે નીરજ ચોપડાનું સ્વાગત કર્યું હતું.
‘ખેલૈયાઓમાં જબરદસ્ત ઊર્જા’
નીરજે સુંદર મહેમાનગતિ માણતી વખતે કહ્યું કે ‘મને આટલા ભવ્ય ગરબા જોવાનો પહેલી વાર અવસર મળ્યો એ બદલ હું ગૌરવ અનુભવું છું. ટોચના રમતવીર જેટલી જ ઊર્જાથી ગરબા રમતા આ ખેલૈયાઓનો ઉત્સાહ અનન્ય છે. મારા માટે આ બહુ મોટો પ્રસંગ છે અને એ મારા માટે આજીવન યાદગાર બની રહેશે.’
ગુજરાતના ઍથ્લીટ્સને શુભેચ્છા
નૅશનલ ગેમ્સ અને એના આયોજનને આવકારીને નીરજે કહ્યું કે ‘નૅશનલ ગેમ્સમાં ભાગ લેનાર તમામ રમતવીરોને હું આવકારું છું અને તેમને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા આહ્વાન કરું છું. ગુજરાતના રમતવીરો ઉમદા રમે અને પોતાના રાજ્ય માટે ચંદ્રક જીતે અને એ સાથે દેશને ગૌરવ અપાવે એવી શુભેચ્છા. રમતવીરોમાં જૅવલિન થ્રોની રમત તરફ આકર્ષણ વધ્યું છે. આપણા યુવા ખેલાડીઓ વિવિધ રમતોમાં હાલમાં વિશ્વ મંચ પર ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે એના પગલે હવે પેરન્ટ્સ પણ સંતાનોને રમતગમતમાં કારકિર્દી અપનાવવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.’