કલકત્તા ઇવેન્ટમાં મેસીની આજુબાજુ રહીને તેને હેરાન કરતા જોવા મળ્યા હતા
ફાઇલ તસવીર
પશ્ચિમ બંગાળના સ્પોર્ટ્સ મિનિસ્ટર અરૂપ બિસ્વાસે કલકત્તાના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં લીઅનલ મેસીની ઇવેન્ટ દરમ્યાન ગેરવહીવટ વિશે વધતી ટીકા વચ્ચે રમતગમત વિભાગના ચાર્જમાંથી રાહતમુક્ત કરવા માટે મુખ્ય પ્રધાનને વિનંતી કરી છે. એક ઉચ્ચ સ્તરીય તપાસ-સમિતિની રચના કર્યા બાદ મમતા બૅનરજીએ પોલીસ-અધિકારીઓ અને રાજ્ય રમતગમત સચિવને કારણદર્શક નોટિસ પણ ફટકારી છે.
કથિત ગેરવહીવટ અને સુરક્ષામાં ખામીઓથી ગુસ્સે ભરાયેલા દર્શકોએ સ્ટેડિયમની અંદર હોબાળો મચાવ્યો અને પોલીસ સાથે અથડામણ કરી જેના કારણે સ્ટેડિયમની મિલકતને આશરે બે કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ ઇવેન્ટ દરમ્યાન મેસીની આજુબાજુ ભમતા રહેલા અરૂપ બિસ્વાસે પોતાના નજીકના લોકોને પણ મેદાન પર લાવીને જબરદસ્તી મેસી સાથે ફોટો પડાવ્યા હતા. તે મેસીના બૉડીગાર્ડ સાથે લડીને પોતાની મનમાની કરતા જોવા મળ્યા હતા. આ તમામ ઘટનાને કારણે અરૂપ બિસ્વાસે સોશ્યલ મીડિયા પર ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
કલકત્તામાં ભારતીય લોકોને દોષ આપતાં પહેલાં એ તપાસવું મહત્ત્વપૂર્ણ છે કે શું બન્ને પક્ષે ખરેખર વચનો પાળવામાં આવ્યાં હતાં? જો મેસી સમય પહેલાં ચાલ્યો ગયો હોય તો તે વાસ્તવિક ગુનેગાર છે. - ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકર
ફોટોગ્રાફ્સ લેવા અને થોડી ક્ષણો માટે મેસીને મળવા માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા. મને અંદરથી થોડું દુઃખ થાય છે. જો આ ઊર્જા અને ઇન્વેસ્ટમેન્ટ દેશના રમતગમતના ગ્રાસરૂટ કાર્યક્રમોમાં થયાં હોત તો સારું હોત. - ઑલિમ્પિક્સ મેડલિસ્ટ શૂટર અભિનવ બિન્દ્રા


