લિયોનેલ મેસી વિનાની ટીમ ડ્રૉ પછી પણ ટૉપ પર
સર્ગિયો રામોસ
ફ્રેન્ચ લીગ-વનમાં શનિવારે ફ્રાન્સના રીમ્ઝ શહેરમાં રીમ્ઝ સામેની મૅચમાં એક તરફ પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી)ની ટીમ મુખ્ય પ્લેયર અને ઈજાગ્રસ્ત લિયોનેલ મેસી વગર રમી હતી અને બીજી બાજુ ૪૧મી મિનિટમાં સર્ગિયો રામોસને રેફરી સામે એકધારી દલીલ કરવા બદલ બે યલો કાર્ડ (રેડ કાર્ડ) બતાવાતાં પીએસજીની ટીમ ૧૧ને બદલે ૧૦ ખેલાડીઓથી રમી હતી. એમ છતાં આ સીઝનની આ મોખરાની ટીમ રીમ્ઝ સામેનો મુકાબલો ૦-૦થી ડ્રૉ થવા છતાં અવ્વલ રહી હતી.
સ્પેનના ૩૬ વર્ષીય રામોસને કરીઅરમાં ૨૮મી વખત રેર્ડ કાર્ડ બતાડવામાં આવ્યું છે. આ પહેલાં, ગયા વર્ષની ૨૨ ડિસેમ્બરે આ જ સ્પર્ધાની ગઈ સીઝનમાં લૉરિયેન્ટ સામેની મૅચમાં રેડ કાર્ડ બતાડાયું હતું. તેને સૌથી પહેલું રેડ કાર્ડ સપ્ટેમ્બર ૨૦૦૫માં લા લીગા લીગમાં તે રિયલ મૅડ્રિડ ક્લબની ટીમમાં હતો ત્યારે બતાડાયું હતું.
ADVERTISEMENT
નેમાર અને કીલિયાન ઍમ્બપ્પે પીએસજીની ટીમમાં હતા, પરંતુ તેઓ અસલ ટચ ગુમાવી બેઠા હતા. નેમારે એક મૅચવિનિંગ ગોલ કરવાની સુવર્ણ તક ગુમાવી હતી. તે અને ઍમ્બપ્પે, બન્નેને એક-એક ફાઉલ બદલ યલો કાર્ડ પણ બતાડવામાં આવ્યું હતું. બીજા નંબરની ટીમ માર્સેઇલી ટીમે ઍજેસિયો સામેની મૅચમાં ૧-૨થી પરાજય જોવો પડ્યો જેને પગલે પીએસજીએ ડ્રૉ છતાં ૨૬ પૉઇન્ટ સાથે મોખરાનો ક્રમ સાચવી રાખ્યો હતો.


