સ્પૅનિશ સૉકર ફેડરેશનના ભૂતપૂર્વ ચીફના મતે તેણે પ્લેયર જેની હર્મોસોની સહમતીથી જ કિસ કરી હતી ઃ જેનીની આસપાસનાં ૨૦૦ મીટરમાં ન જવા લુઇસને અદાલતનો આદેશ
લિપ કિસ કરનાર સ્પૅનિશ સૉકર ફેડરેશનના ભૂતપૂર્વ ચીફ લુઇસ રુબિયાલ્સ
ગયા મહિને સિડનીમાં ઇંગ્લૅન્ડને ફાઇનલમાં હરાવીને પહેલી વાર વિમેન્સ ફિફા ફુટબૉલ વર્લ્ડ કપની ટ્રોફી જીતનાર સ્પેનની મહિલા ટીમની ખેલાડી જેની હર્મોસોને સેલિબ્રેશન દરમ્યાન સ્ટેજ પર લિપ કિસ કરનાર સ્પૅનિશ સૉકર ફેડરેશનના ભૂતપૂર્વ ચીફ લુઇસ રુબિયાલ્સે અદાલતમાં ન્યાયાધીશને કહ્યું હતું કે ‘હું તો બહુ સારો છું. મેં કાંઈ જ ખોટું નહોતું કર્યું. મેં જેનીની સહમતી પછી જ તેને કિસ કરી હતી.’
જોકે જેનીએ લુઇસનો આ દાવો નકારી કાઢ્યો હતો. મૅડ્રિડની નૅશનલ કોર્ટમાં જેનીના વકીલ કાર્લા વૉલ ડુરેને જજને કહ્યું હતું કે ‘જેનીએ લુઇસને લિપ કરવા કોઈ સહમતી નહોતી આપી. લુઇસે જેનીને કિસ કરી હતી એનો ફોટો આખા દેશ અને દુનિયામાં વાઇરલ થઈ ગયો છે. સારું થયું કે આ ફોટો વાઇરલ થયો, બધાએ લુઇસનાં કરતૂત જોયાં તો ખરાં. જેનીએ લુઇસને કોઈ સહમતી નહોતી આપી અને એ અમે અદાલતમાં પુરવાર કરીશું.’
ADVERTISEMENT
લુઇસે માત્ર જેનીને જ નહીં, ટીમની લગભગ બધી ખેલાડીઓને સ્ટેજ પર ભેટીને ગાલ પર કિસ કરી હતી. ન્યાયાધીશે લુઇસને ફુટબૉલર જેનીની આસપાસનાં ૨૦૦ મીટર (૬૫૦ ફુટ)ના વિસ્તારમાં ન જવાનો આદેશ આપ્યો છે. જેનીના વકીલે માગણી કરી હતી કે લુઇસને જેનીની આસપાસનાં ૫૦૦ મીટર (૧૬૦૦ ફુટ) વિસ્તારમાં ન જવાનું કહેવામાં આવે. જોકે જજે ૨૦૦ મીટરનો વિસ્તાર નક્કી કર્યો છે. દરમ્યાન સ્પેનની વર્લ્ડ ચૅમ્પિયન મહિલા ટીમે સૉકરમાં સ્ત્રીઓ પ્રત્યેના જાતીવાદના મુદ્દે નૅશનલ ટીમનો બહિષ્કાર કરવાનું ગઈ કાલે ચાલુ જ રાખ્યું હતું.