પાંચ વર્લ્ડ કપના નૉકઆઉટમાં કુલ સાડાનવ કલાક મેદાન પર રહ્યો, પણ ૨૭ શૉટમાં એક પણ વાર બૉલ ગોલપોસ્ટમાં ન ગયો : મૉરોક્કો સામેની શૉકિંગ હાર પછી પોર્ટુગલ રોનાલ્ડો વિનાના યુગની તૈયારી કરે છે
શનિવારે મૉરોક્કો સામેના ૦-૧ના શૉકિંગ પરાજય બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હતાશામાં નીચે બેસી ગયો હતો અને પછી પાછો જતી વખતે રડ્યો હતો. તસવીર એ.એફ.પી.
ફિફા વર્લ્ડ કપમાં શરૂઆતથી જ ‘પોર્ટુગલ એટલે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો’ એવું કહેવાતું હતું, પરંતુ શનિવારે રોનાલ્ડોને સતત બીજી મૅચમાં શરૂઆતમાં બેન્ચ પર બેસાડી રાખ્યા બાદ સબસ્ટિટ્યુટ તરીકે રમાડવામાં આવ્યો અને છેવટે પોર્ટુગલની ટીમ હારી જતાં વર્લ્ડ કપની બહાર થઈ ગઈ એ સાથે રોનાલ્ડો સ્તબ્ધ થયો અને તેના કરોડો ચાહકો નિરાશ થયા. મૉરોક્કોએ શનિવારે પોર્ટુગલને ક્વૉર્ટર ફાઇનલમાં ૧-૦થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જેમાં બુધવારે એનો મુકાબલો ડિફેન્ડિંગ ચૅમ્પિયન ફ્રાન્સ સાથે થશે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પાંચ વર્લ્ડ કપમાં રમ્યો અને એની કુલ આઠ નૉકઆઉટ મૅચમાં રમ્યો, પરંતુ એકેય મૅચમાં તે ગોલ ન કરી શક્યો. કુલ મળીને વિશ્વકપના નૉકઆઉટ મૅચોની તેની ૫૭૦ મિનિટ ગોલ વગરની રહી. તેના ૨૭ શૉટમાં એક પણ વાર બૉલ ગોલપોસ્ટમાં નહોતો ગયો.’
ADVERTISEMENT
રોનાલ્ડોની કરીઅરનો અંત આવી ગયો?

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો શનિવારના શૉકિંગ પરાજય પછી મેદાન પરથી પાછો જતી વખતે હતાશામાં રડી પડ્યો હતો.
મૉરોક્કો સામે હજી ગોલ નથી થયો!
પોર્ટુગલની શનિવારે ક્વૉર્ટર ફાઇનલમાં ૦-૧થી હાર થઈ એ સાથે મૉરોક્કો સામે આ વર્લ્ડ કપમાં હજી પણ એકેય હરીફ ટીમ ગોલ નથી કરી શકી. પહેલી ડિસેમ્બરે કૅનેડા સામે મૉરોક્કોનો ૨-૧થી જે વિજય થયો હતો એમાં મૉરોક્કો સામેનો ગોલ ખુદ મૉરોક્કોના જ ખેલાડી નાયેફ ઍગ્વર્ડથી (ઑન ગોલ) થઈ ગયો હતો.
આફ્રિકન દેશોમાં નવો વિક્રમ
મૉરોક્કો આ વર્લ્ડ કપમાં ૬ મૅચ રમીને અપરાજિત રહ્યું છે. આફ્રિકન દેશોની ટીમમાં આ વિક્રમ છે.
મૉરોક્કોએ શનિવારે પોર્ટુગલને એકેય ગોલ નહોતો કરવા દીધો. એનો ગોલકીપર યાસિન બૉનો આ વખતના વર્લ્ડ કપના શ્રેષ્ઠ ગોલકીપર્સમાં ગણાય છે.
રોનાલ્ડોને સતત બીજીવાર બનાવવામાં આવ્યો સબસ્ટિટ્યુટ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને કોચ સૅન્ટોસે પોતાની સાથેના કથિત ગેરવર્તનને પગલે સ્વિટ્ઝરલૅન્ડ સામેની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં બેન્ચ પર બેસાડી રાખ્યા બાદ છેક ૭૨મી મિનિટે સબસ્ટિટ્યુટ તરીકે મોકલ્યો ત્યાર પછી શનિવારે સતત બીજી વાર તેને સ્ટાર્ટિંગ-ઇલેવનમાં નહોતો સમાવ્યો. કોચ સૅન્ટોસે તેને ૫૧મી મિનિટે મેદાન પર મોકલ્યો ત્યારે પોર્ટુગલની ટીમ મૉરોક્કો સામેનો મુકાબલો (૦-૧થી પાછળ રહ્યા બાદ) લગભગ હારી ચૂકી હતી.
ગઈ કાલે દોહાથી મળેલા એ.પી.ના અહેવાલ મુજબ પોર્ટુગલની નૅશનલ ટીમ હવે રોનાલ્ડો વિનાના ભવિષ્ય માટેની તૈયારી કરવા માંડી હોવાનું મનાય છે. રોનાલ્ડો લગભગ બે દાયકા સુધી પોર્ટુગલની ટીમ સાથે રહ્યો, પરંતુ પાંચ વર્લ્ડ કપમાં એકેય વાર ટ્રોફી ન અપાવી શક્યો.
રોનાલ્ડોએ વર્લ્ડ કપની એકેય ટ્રોફી નથી મેળવી આપી અને ક્લબ ફુટબૉલમાં પણ અત્યારે તે ટીમ વિનાનો છે
વર્તમાન ફુટબૉલ વિશ્વમાં લિયોનેલ મેસીની જેમ સુપરસ્ટાર તરીકે ઓળખાતા પોર્ટુગલના ૩૭ વર્ષના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની હાલત અત્યારે દયનીય છે. પાંચ-પાંચ વર્લ્ડ કપમાં રમવા છતાં તે એકેય વાર પોર્ટુગલને ટ્રોફી નથી અપાવી શક્યો. મૅન્ચેસ્ટર યુનાઇટેડે છેડો ફાડી નાખતાં અત્યારે તે પ્રોફેશનલ લીગ ફુટબૉલમાં ક્લબ વિનાનો થઈ ગયો છે એટલે ખેલાડી તરીકેની તેની વૅલ્યુ ઘટી ગઈ છે. રોનાલ્ડોએ વર્લ્ડ કપમાં કુલ ૮ ગોલ કર્યા છે, પરંતુ એવો એકેય ગોલ નથી જે નૉકઆઉટ રાઉન્ડમાં થયો હોય.
196
રોનાલ્ડો શનિવારે આટલામી ઇન્ટરનૅશનલ મૅચ રમીને મેન્સ ફુટબૉલમાં સૌથી વધુ મૅચ રમનાર કુવૈતના બાદર અલ-મુતાવાની બરાબરીમાં તો આવ્યો હતો, પરંતુ તેને માટે આ સિદ્ધિ કમનસીબ નીવડી છે.
1
મૉરોક્કો ફિફા વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચેલો આફ્રિકા ખંડનો આટલામો દેશ છે.


