કૅનેડાની ટીમે બેલ્જિયમને જબરદસ્ત ટક્કર આપી હતી

ઇંટનો જવાબ પથ્થર બેલ્જિયમના બૅટ્શુએઇને કૅનેડાના વિટિરિયાએ બૉલ પર કબજો કરતાં રોક્યો હતો (ડાબે) અને બીજા હરીફોએ પણ અવરોધ નાખ્યા હતા, પણ બૅટ્શુએઇ ૪૪મી મિનિટે દૂરથી ગોલ કરવામાં સફળ થયો હતો. તસવીર એ.પી.
રવિવારે કતારમાં શરૂ થયેલા ફિફા વર્લ્ડ કપમાં મોટી-મોટી ટીમને નબળા રૅન્કવાળી ટીમો જોરદાર લડત આપી રહી છે અને આર્જેન્ટિના તથા જર્મનીને થયેલા કડવા અનુભવ પછી બુધવારે ગ્રુપ ‘એફ’માં વર્લ્ડ નંબર-ટૂ બેલ્જિયમને ૪૧મા ક્રમની કૅનેડાની ટીમ મુશ્કેલીમાં મૂકવાની તૈયારીમાં જ હતી. કૅનેડાની ટીમે બેલ્જિયમને જબરદસ્ત ટક્કર આપી હતી, પણ પ્રોફેશનલ લીગમાં રિયલ મૅડ્રિડ વતી બેલ્જિયમના ગોલકીપર થિબોટ કૉર્ટોઇસે ફર્સ્ટ હાફમાં કૅનેડાના અલ્ફોન્ઝો ડેવિસની પેનલ્ટી કિકમાં બૉલને ડાઇવ મારીને જે ગોલ થતો રોક્યો હતો એને લીધે ત્યારે કૅનેડાને સરસાઈ મેળવવામાં નિષ્ફળતા મળી હતી અને પછી બેલ્જિયમની ટીમ એના પર હાવી થઈ ગઈ હતી.
ફર્સ્ટ હાફની છેલ્લી મિનિટે (૪૪મી મિનિટમાં) બેલ્જિયમના મિશી બૅટ્શુએઇએ ટૉબી ઓલ્ડરવિરેલ્ડ દ્વારા દૂરથી પાસ કરેલા બૉલને કલેક્ટ કરીને ડાબા પગના પાવરફુલ શૉટથી ગોલપોસ્ટમાં મોકલી આપ્યો હતો.
વિશ્વના બીજી રૅન્કના બેલ્જિયમના ખેલાડીઓને શરમાવે એવો પર્ફોર્મન્સ કૅનેડાએ સેકન્ડ હાફમાં પણ બતાવ્યો હતો, પરંતુ રૉબર્ટો માર્ટિનેઝના કોચિંગમાં તૈયાર થઈને આવેલી બેલ્જિયમની ટીમે મચક નહોતી આપી અને છેવટે બેલ્જિયમે જીતીને ત્રણ પૉઇન્ટ મેળવી લીધા હતા.