જૉકોવિચે રવિવારે સાતમી વાર વિમ્બલ્ડન જીત્યા પછી પત્ની યેલેનાને આપી બહુમૂલ્ય બક્ષિસ

રવિવારે સાતમી વાર વિમ્બલ્ડનની ટ્રોફી જીત્યા પછી સેન્ટર કોર્ટના સ્ટેડિયમની બાલ્કનીમાંથી ચાહકોનું અભિવાદન ઝીલી રહેલો નોવાક જૉકોવિચ. (તસવીર : એ.પી.)
સર્બિયાનો ટેનિસ-કિંગ નોવાક જૉકોવિચ રવિવારે સાતમી વાર વિમ્બલ્ડનની સિંગલ્સની ટ્રોફી જીત્યો હોવાથી બેહદ ખુશ હતો જ, તેના આનંદની વિશેષતા એ હતી કે એ દિવસે તેનો મૅરેજ-ડે હતો અને વિમ્બલ્ડનના ઐતિહાસિક સેન્ટર કોર્ટ ખાતે આ બહુમૂલ્ય ટ્રોફી સ્વીકાર્યા બાદ તે પત્ની યેલેનાને ગિફ્ટ આપતો હોય એવો સ્પષ્ટ સંકેત આપવાની સાથે તે બોલ્યો, ‘ડાર્લિંગ, હૅપી ઍનિવર્સરી! આ મારી તારા માટે ગિફ્ટ છે.’
જૉકોવિચ અને યેલેના વચ્ચે ૨૦૦૫માં હાઈ સ્કૂલના દિવસોથી દોસ્તી હતી. ૨૦૧૩માં તેમણે સગાઈ કરી હતી અને ૨૦૧૪ની ૧૦ જુલાઈએ તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં હતાં.
રવિવારે તેમની ૮મી વેડિંગ ઍનિવર્સરી હતી. જૉકોવિચ એ દિવસે સાતમી વાર અને લાગલગાટ ચોથી વાર વિમ્બલ્ડનનો તાજ જીત્યો ત્યાર પછી થોડી ક્ષણો તેણે સેન્ટર કોર્ટ પર માણી હતી, પછી સ્ટૅન્ડમાં જઈને યેલેનાને તેમ જ અન્ય સંબંધીઓ અને મિત્રોને ભેટ્યો હતો.
જૉકોવિચ પાસે હવે કુલ ૨૧ ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સ ટાઇટલ છે. તે રોજર ફેડરર (૨૦ ટાઇટલ)થી એક ડગલું આગળ થઈ ગયો છે અને હવે રાફેલ નડાલ (૨૨ ટાઇટલ) કરતાં તેની પાસે હવે એક જ ઓછી ટ્રોફી છે.
પુત્રીને જોઈને જૉકોવિચ નવાઈ પામ્યો : પુત્ર સેલિબ્રેશનમાં ગેરહાજર
નોવાક જૉકોવિચ રવિવારે વિમ્બલ્ડનમાં ચૅમ્પિયન બન્યો ત્યાર પછી તેણે જ્યારે વિક્ટરી સ્પીચ દરમ્યાન પોતાની ટીમ તરફ જોયું ત્યારે પુત્રી તારાને જોઈને નવાઈ પામ્યો હતો. વિમ્બલ્ડનમાં મૅચ દરમ્યાન પાંચ વર્ષથી નાનાં બાળકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મનાઈ છે. જૉકોવિચે મૅચ પછી કહ્યું, ‘મારી દીકરી હજી પાંચ વર્ષની નથી થઈ એટલે તે મારી મૅચ લાઇવ નહોતી જોઈ શકી. તેને ટેનિસની રમતમાં બહુ રુચિ તો નથી, પરંતુ જો તેની ઇચ્છા હશે તો આવતા વર્ષે તેના ડૅડીને લાઇવ રમતા જોઈ શકશે.’ત્યાર પછી જૉકોવિચે એવું પણ કહ્યું, ‘મારા પરિવારમાંથી માત્ર મારો સાત વર્ષનો દીકરો જ અહીં (વિમ્બલ્ડનમાં) સેલિબ્રેશનમાં હાજર નથી. તે જાણીતા ખેલાડી બૉબ બ્રાયનના પુત્ર સાથે ટેનિસ રમતો હોવાથી અહીં નથી આવ્યો.’
નોવાક જૉકોવિચે ફાઇનલના હરીફને હરાવ્યા પછી કહ્યું, ‘સૉરી, આપણું ડિનર પછી ક્યારેક... આજે મારી ઍનિવર્સરી છે’
સર્બિયાના નોવાક જૉકોવિચે રવિવારે વિમ્બલ્ડનની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાના નિક કીર્ગિયોસને ૪-૬, ૬-૩, ૬-૪, ૭-૩થી હરાવીને સતત ચોથી વખત ટાઇટલ જીતી લીધું ત્યાર પછી જાહેરમાં કહ્યું હતું કે ‘જો નિક તૈયાર હોય તો હું આજે તેની સાથે ડિનર કરવા તૈયાર છું. અમારી વચ્ચે હવે બહુ સારી દોસ્તી થઈ ગઈ છે. નિક અદ્ભુત ટૅલન્ટેડ ખેલાડી છે.’ નિક કીર્ગિયોસના જૉકોવિચ સાથે અગાઉ કડવાશભર્યા સંબંધો હતા, પણ રવિવારની ફાઇનલ પછી તેઓ પાકા દોસ્ત બની ગયા છે. કીર્ગિયોસે જૉકોવિચ વિશે પૂછવામાં આવતાં તેને ‘ટેનિસના ભગવાન’ તરીકે ઓળખાવ્યો હતો. રવિવારે મોડેથી જૉકોવિચે કીર્ગિયોસ માટે કહેવડાવ્યું હતું કે ‘આજે મારી વેડિંગ ઍનિવર્સરી છે એટલે કીર્ગિયોસે ડિનર માટે થોડા દિવસ રાહ જોવી પડશે.’