કોચે દુખાવાને કારણે મણિપુરની વેઇટલિફ્ટરને સ્પર્ધામાંથી નામ પાછું ખેંચવા કહ્યું હતું છતાં રમી, પણ સ્ટેજ પર જ પડી ગઈ અને ચોથા ક્રમાંકે આવતાં બ્રૉન્ઝ મેડલ જીતી ન શકી
વેઇટ લિફ્ટિંગની સ્પર્ધા દરમ્યાન મીરાબાઈ ચાનું. (પી.ટી.આઇ.)
ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતાં વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ એશિયન ગેમ્સમાં એવો કારનામો બતાવી શકી નહોતી. ૪૯ કિલોગ્રામ કૅટેગરીની સ્પર્ધા દરમ્યાન સાથળના સ્નાયુમાં થયેલી ઈજાને કારણે તે નિષ્ફળ રહી હતી. મીરાબાઈએ કહ્યું હતું કે ‘સ્પર્ધા ચાલુ થઈ ત્યારે વૉર્મિંગ-અપ દરમ્યાન જ દુખાવો શરૂ થયો હતો. કોચે મને સ્પર્ધામાંથી નામ ખેંચી લેવાની સૂચના આપી હતી. બરફ અને સ્પ્રે પણ લગાવ્યો, છતાં દુખાવો હતો.
મણિપુરની ખેલાડી એશિયન ગેમ્સમાં જ કોઈ મેડલ જીતી શકી નહોતી. ૨૦૧૪માં તે નવમા ક્રમાંકે રહી હતી તો પીઠમાં થયેલા દુખાવાને કારણે ૨૦૧૮માં તે આ સ્પર્ધામાં ભાગ લઈ શકી નહોતી. તેણે કહ્યું હતું કે ‘મેં ઘણી મહેનત કરી હતી, પરંતુ દુખાવાને કારણે દેશ માટે મેડલ જીતી શકી નહોતી. મને બહુ જ ખરાબ લાગી રહ્યું છે. હવે હું પૅરિસ ઑલિમ્પિક્સમાં સારું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરીશ.


