એનઆઇએ (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ દેશની વિરુદ્ધ યુદ્ધ શરૂ કરવાના કાવતરાના મામલે ગઈ કાલે સેમિનલુન ગંગટે નામની એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
ફાઈલ ફોટો
નવી દિલ્હી ઃ એનઆઇએ (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ દેશની વિરુદ્ધ યુદ્ધ શરૂ કરવાના કાવતરાના મામલે ગઈ કાલે સેમિનલુન ગંગટે નામની એક વ્યક્તિની ધરપકડ કરી હતી. મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આરોપ છે કે તે મ્યાનમાર અને બંગલાદેશનાં આતંકવાદી સંગઠનોના નેતૃત્વમાં રચવામાં આવેલા એક આંતરરાષ્ટ્રીય કાવતરામાં સામેલ છે. મણિપુરમાં અત્યારની વંશીય હિંસાનો ફાયદો મેળવીને આ કાવતરું રચવામાં આવ્યું હતું. એનઆઇએએ ૧૯ જુલાઈએ દિલ્હીમાં આ કેસ દાખલ કર્યો હતો. ગંગટે મણિપુરના ક્વાક્ટામાં ૨૨ જૂને થયેલા કાર બૉમ્બ બ્લાસ્ટનો પણ મુખ્ય આરોપી છે. આ આતંકવાદી સંગઠનો મણિપુરના ઉગ્રવાદીઓને હથિયારો પૂરા પાડે છે. આ જ કેસમાં આ પહેલા એક ઉગ્રવાદીની ધરપકડ કરવામાં આવી છે. મોઇરાંગથેમ આનંદ સિંહ નામના આ ઉગ્રવાદીની ૨૪મી સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.


