ભારતીય ટેનિસસ્ટારે કહ્યું કે ‘હું ૧૪ વર્ષની હતી ત્યારે બોપન્ના મારો પહેલો મિક્સ્ડ-ડબલ્સ પાર્ટનર હતો અને અત્યારે ૩૬ વર્ષની ઉંમરે તેની સાથેની જોડીમાં જ રમી રહી છું’
સાનિયા મિર્ઝા અને રોહન બોપન્ના
સાનિયા મિર્ઝા ૨૦૦૯માં પહેલું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ ઑસ્ટ્રેલિયન ઓપનમાં મહેશ ભૂપતિ સાથેની જોડીમાં જીતી હતી. ૨૦૧૬માં એ જ સ્પર્ધામાં ડબલ્સનું ટાઇટલ માર્ટિના હિન્ગિસ સાથે મળીને જીતી હતી. રોહન બોપન્ના એકમાત્ર ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ ૨૦૧૭માં ફ્રેન્ચ ઓપનમાં કૅનેડાની ગૅબ્રિયેલા દાબ્રોવ્સ્કી સાથેની જોડીમાં જીત્યો હતો.
ગઈ કાલે સાનિયાએ મેલબર્નમાં મિક્સ્ડ-ડબલ્સની રોહન બોપન્ના સાથેની સેમી ફાઇનલ જીતી લીધા પછી ટેનિસ કોર્ટ પરના જ ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘ટેનિસમાં મારી અને રોહન બોપન્નાની જોડી સૉલિડ છે. આ મારી છેલ્લી ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટ છે અને એમાં રોહન સાથે રમવાનું મારા માટે સ્પેશ્યલ છે. હું ૧૪ વર્ષની હતી ત્યારે તે જ મારો સૌથી પહેલો મિક્સ્ડ-ડબલ્સ પાર્ટનર હતો અને આજે હું ૩૬ વર્ષની છું અને તે ૪૨ વર્ષનો છે અને જુઓ, અમે બન્ને હજી પણ સાથે રમી રહ્યાં છીએ.’
ADVERTISEMENT
સાનિયાએ ૨૦૦૯માં સોહરાબ મિર્ઝા સાથે સગાઈ કરી હતી, પરંતુ થોડા જ સમયમાં બન્ને વચ્ચેનાં લગ્ન રદ થયાં હતાં. એપ્રિલ ૨૦૧૦માં સાનિયાએ પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે શાદી કરી હતી. ૨૦૧૮માં સાનિયાએ પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો જેનું નામ ઇઝહાન મિર્ઝા મલિક છે. સાનિયાએ ગઈ કાલે મેલબર્નના ઇન્ટરવ્યુમાં એવું પણ કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયન ઓપન સાથે મારો ૧૮ વર્ષનો સંબંધ છે અને ૧૮ વર્ષથી હું મેલબર્ન આવું છું. હું મારા ઘરે આવી હોઉં એવું જ મને હંમેશાં લાગે છે. અહીં મારી ફૅમિલી છે અને હું મારા ઘરે જ જમું છું. અહીં ઘણા ભારતીયોનો મને સપોર્ટ મળે છે.’

