મેગ લૅનિંગના ૭૭૭ છે, એલિસ પેરીના ૭૪૫ થયા
ભારતીય ફાસ્ટ બોલર મયંક યાદવ, બૅન્ગલોરની ઇન્જર્ડ સ્પિનર શ્રેયંકા પાટીલ અને આશા સોભના, સ્મૃતિ માન્ધનાના બૉયફ્રેન્ડ પલાશ મુછાલે ટીમ મૅનેજમેન્ટ સાથે મૅચનો આનંદ માણ્યો હતો.
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં શુક્રવારે બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બીજા રાઉન્ડની શરૂઆત રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સની રોમાંચક ટક્કર સાથે થઈ હતી. બૅન્ગલોરે ૭ વિકેટ ગુમાવીને મુંબઈ સામે ૧૬૭ રન કર્યા હતા જેના જવાબમાં મુંબઈએ ૧૯.૫ ઓવરમાં ૬ વિકેટે ૧૭૦ રન બનાવ્યા હતા. બૅન્ગલોરની WPLની ત્રીજી સીઝનની આ પહેલી હાર હતી. મુંબઈની ઑલરાઉન્ડર અમનજોત કૌર ત્રણ વિકેટ લઈને અણનમ ૩૪ રનની ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી હતી, પણ મૅચની સૌથી મોટી ઇનિંગ્સ ગઈ સીઝનની ઑરેન્જ કૅપ હોલ્ડર એલિસ પેરી રમી હતી.
ADVERTISEMENT
એલિસ પેરી
બૅન્ગલોર માટે ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર એલિસ પેરીએ ૪૩ બૉલમાં ૧૧ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૮૧ રન કર્યા હતા. ૧૮૮.૩૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને તે આ ટુર્નામેન્ટમાં ૭૦૦ પ્લસ રન કરનાર બૅન્ગલોરની પહેલી મહિલા ક્રિકેટર બની હતી. પેરીના કુલ ૭૪૫ રન થઈ ગયા છે. આ મૅચ પહેલાં તેના સિવાય માત્ર દિલ્હી કૅપિટલ્સની મેગ લૅનિંગ (૭૭૭ રન) ૭૦૦થી વધુ રન આ ટુર્નામેન્ટમાં કરી શકી છે.

