૧૩મી ટી૨૦ મૅચ રમનાર આંધ્ર પ્રદેશની સબ્ભીનેની મેઘનાને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો

સબ્ભીનેની મેઘના અને સિલહટમાં વરસાદ પડતાં ડકવર્થ-લુઇસ મેથડના આધારે ભારતને વિજેતા ઘોષિત કરાયું.
બંગલાદેશમાં ચાલતા વિમેન્સ ટી૨૦ એશિયા કપમાં ભારતીય મહિલા ટીમે ગઈ કાલે વરસાદના વિઘ્નવાળી મૅચમાં મલેશિયાને ૩૦ રનથી હરાવીને આ સ્પર્ધામાં સતત બીજા વિજય સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું હતું. મલેશિયાને જીતવા માટે ૧૮૨ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ ૫.૨ ઓવરમાં એના બે વિકેટે ૧૬ રન હતા ત્યારે વરસાદ શરૂ થયો હતો અને પછી વધુ રમત નહોતી થઈ શકી અને છેવટે ભારતીય ટીમને વિજેતા જાહેર કરાઈ હતી. મલેશિયાની બેમાંથી એક વિકેટ દીપ્તિ શર્માએ અને એક રાજેશ્વરી ગાયકવાડે લીધી હતી.
મલેશિયાની સાત બોલર્સના આક્રમણ છતાં હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની ૧૮૧/૪નો તોતિંગ સ્કોર નોંધાવી શકી હતી. સ્મૃતિ મંધાનાને આરામ આપીને ઓપનિંગમાં સબ્ભીનેની મેઘના (૬૯ રન, ૫૩ બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)ને મોકો અપાતાં તેણે ટીમ-મૅનેજમેન્ટના નિર્ણયને સાચો ઠરાવ્યો હતો. તેની આ પ્રથમ ટી૨૦ સદી હતી. સાથી-ઓપનર શેફાલી વર્મા (૪૬ રન, ૩૯ બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) હાફ સેન્ચુરી ચૂકી ગઈ હતી, પરંતુ ત્રણ સિક્સરના ધમાકાથી તેણે અસલી ફૉર્મની ઘણા વખતે ઝલક બતાવી હતી. બન્ને વચ્ચે ૧૧૬ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. મહિલાઓના ટી૨૦ એશિયા કપમાં ભાગીદારીનો આ નવો વિક્રમ છે. તેમણે હરમનપ્રીત કૌર અને અનુજા પાટીલની ૨૦૧૨ની સીઝનની ૧૦૦ રનની ભાગીદારીનો રેકૉર્ડ તોડ્યો હતો.
ગઈ કાલની મૅચમાં વિકેટકીપર રિચા ઘોષે અણનમ ૩૩ રન બનાવીને ભારતને ૧૫૦-પ્લસનો સ્કોર અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ભારતે મંધાના ઉપરાંત સ્નેહા રાણા, પૂજા વસ્ત્રાકર અને મુખ્ય પેસ બોલર રેણુકા સિંહ ઠાકુરને પણ આરામ આપ્યો હતો.
ADVERTISEMENT
૧૩મી ટી૨૦ મૅચ રમનાર આંધ્ર પ્રદેશની સબ્ભીનેની મેઘનાને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. ભારતની આજે યુએઈ સામે (બપોરે ૧.૦૦ વાગ્યાથી) અને શુક્રવારે પાકિસ્તાન સામે મૅચ (બપોરે ૧.૦૦ વાગ્યાથી) રમાશે.

