Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ‘ઇમ્પૅક્ટ પ્લેયર’થી ભારતીય ક્રિકેટને ફાયદો થયો ખરો?

‘ઇમ્પૅક્ટ પ્લેયર’થી ભારતીય ક્રિકેટને ફાયદો થયો ખરો?

21 May, 2023 12:32 PM IST | Mumbai
Yashwant Chad | feedbackgmd@mid-day.com

આ અખતરાથી ઑલરાઉન્ડરનું અવમૂલ્યન તો થયું જ છે, બૅટિંગ અને બોલિંગ બન્નેમાં સારી આવડત ધરાવતા ખેલાડીઓને બદલે સ્પેશ્યલિસ્ટ પ્લેયરનું મહત્ત્વ વધ્યું છે

હાર્દિક પંડ્યા

કરન્ટ ફાઇલ્સ

હાર્દિક પંડ્યા


દોઢ દાયકા પહેલાં જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) લલિત મોદીના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવી ત્યારે કોઈને સપનામાંય ખ્યાલ નહીં હોય કે આ ટુર્નામેન્ટને ક્રિકેટ જગતમાં આવી અકલ્પનીય સફળતા મળશે. આઇપીએલને લીધે ભારતના ઊગતા ક્રિકેટરોનો આત્મવિશ્વાસ તો આપોઆપ જ વધી ગયો અને વન-ડેમાં કે ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમે જોતજોતામાં મોખરાનું સ્થાન મેળવી લીધું એ પરિકથા નહીં પણ હકીકત બની ચૂકી છે અને એની ખાતરી કોઈને જોઈતી હોય તો જણાવીએ કે ભારતીય ક્રિકેટ ટીમ સતત બીજા વર્ષે પણ ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ઑસ્ટ્રેલિયા સામેનો આ મુકાબલો સાતમી જૂને શરૂ થશે અને એ માટે ટીમ ઇન્ડિયાને અત્યારથી જ બેસ્ટ ઑફ લક.

કરોડ રૂપિયાનો સવાલ



હવે આવી સફળતાપૂર્વક ચાલી રહેલી આઇપીએલમાં કોઈ અકળ કારણસર ભારતીય ક્રિકેટ બોર્ડે આ ટુર્નામેન્ટને વધુ આકર્ષક બનાવવા ઇમ્પૅક્ટ પ્લેયર (પ્રભાવી ખેલાડી)નો નવો અખતરો અજમાવ્યો, પરંતુ એનો ફાયદો ભારતીય ક્રિકેટને થયો? આ લાખ રૂપિયાનો નહીં, પણ કરોડ રૂપિયાનો સવાલ છે. જોકે ઇમ્પૅક્ટ પ્લેયરના નવા નિયમથી મૅચ ૧૧-૧૧ને બદલે ૧૨-૧૨ ખેલાડીઓની ટીમ વચ્ચે રમાય છે. આ સીઝનમાં ૨૦૦ રન સામાન્ય થઈ ગયા છે. ૨૨૦ કે ૨૩૦નો ટાર્ગેટ ચેઝ કરતાં પણ ટીમને ભય નથી સતાવતો, કારણ કે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે બોલરને બદલે બૅટરને ટીમમાં સમાવવામાં આવે છે.


કપિલ જેવા ઑલરાઉન્ડરની જરૂર

તાતી જરૂર છે કપિલ દેવ જેવા ઝડપી ગોલંદાજ અને આક્રમક બૅટરની. હાર્દિક પંડ્યાએ મહદંશે આ જરૂરિયાત પૂરી કરી છે, પરંતુ તેની ફિટનેસમાં ગાબડું પડતાં ભારતીય ક્રિકેટ બોર્ડે એકડેએકથી પેસ બોલિંગ ઑલરાઉન્ડર શોધવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડ્યું. હાર્દિકે ટી૨૦ અને વન-ડે મૅચો રમવાનું ફરી શરૂ કર્યું. કૅપ્ટન પણ બન્યો છતાં ક્રિકેટ બોર્ડ ટેસ્ટ વર્લ્ડ કપની ફાઇનલ માટે ફિટનેસને કારણે હાર્દિક પર જૂગટું ખેલવા તૈયાર નથી. ફરી એ જ પ્રશ્ન સામે આવે છે કે ઇમ્પૅક્ટ પ્લેયરના અખતરાથી ખરેખર ભારતીય ક્રિકેટ ટીમને લાભ થયો? અને થયો તો કેટલા ટકા? ભારત પાસે શાર્દુલ ઠાકુર જેવો લડાયક ખમીરવાળો ખેલાડી છે જે ટેસ્ટમાં સફળતા મેળવી ચૂક્યો છે, પરંતુ આપણે ફક્ત એક જ મીડિયમ પેસ બોલર ઑલરાઉન્ડર પર નભવું પડશે? બીજી મહત્ત્વની વાત, ઇમ્પૅક્ટ પ્લેયરના અખતરાથી ઑલરાઉન્ડર્સનું અવમૂલ્યન તો થયું જ છે. બૅટિંગ અને બોલિંગ બન્નેમાં સારી આવડત ધરાવતા ખેલાડીઓને બદલે મોટા ભાગે સ્પેશ્યલિસ્ટ પ્લેયરનું મહત્ત્વ વધી ગયું છે. આ નવા નિયમે તમામ ટીમને ૧૧-૧૧ને બદલે ૧૨-૧૨ પ્લેયર પર નિર્ભર કરતી કરી દીધી છે.


ફ્રૅન્ચાઇઝીઓને લાભ જ લાભ

ટૂંકમાં ઇમ્પૅક્ટ પ્લેયરના અખતરાથી ફ્રૅન્ચાઇઝીઓ-માલિકોને જરૂર ફાયદો થયો હશે, કારણ કે તેઓ ૧૨ ખેલાડીઓમાં પરદેશી ખેલાડીઓનો પણ ખૂબીપૂર્વક ઉપયોગ કરી શકે છે. બીજું; અમિત મિશ્રા, પીયૂષ ચાવલા જેવા ખેલાડીઓને આ અખતરો પોતાની કારકિર્દી લંબાવવા માટે ફાયદારૂપ બન્યો એની ના નહીં, પણ ભારતીય ક્રિકેટને કેટલો ફાયદો થયો એ સવાલ મહત્ત્વનો છે. ફાસ્ટ બોલર્સની ભારતીય ટીમને તાત્કાલિક જરૂર છે એવામાં ઇમ્પૅક્ટ પ્લેયરનો અખતરો ભારતીય ક્રિકેટ માટે કેટલા અંશે સફળ થયો એ સવાલ તો ચર્ચામાં રહેશે જ.

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2023 12:32 PM IST | Mumbai | Yashwant Chad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK