હું આ બાબતો પર ધ્યાન આપતો નથી, હું મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરું છું
વૈભવ સૂર્યવંશી
ભારતના ૧૪ વર્ષના સ્ટાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ ૨૦૨૫માં વિરાટ કોહલી જેવા જાણીતા ચહેરાઓને પાછળ છોડીને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલ ભારતીય બનવા પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે ‘હું આ બાબતો પર ધ્યાન આપતો નથી. હું મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરું છું. હા, હું આ બાબતો વિશે સાંભળું છું અને થોડું સારું લાગે છે. હું તેને જોઉં છું એના વિશે સારું અનુભવું છું અને પછી આગળ વધું છું.’
બિહારનો ડાબા હાથનો બૅટર વૈભવ સૂર્યવંશી આ વર્ષે ૬ સદી ફટકારી ચૂક્યો છે. આ વર્ષે તેણે IPLમાં, એક યુથ વન-ડે સિરીઝમાં, એક યુથ ટેસ્ટ-સિરીઝમાં, એક રાઇઝિંગ સ્ટાર T20 ટુર્નામેન્ટમાં, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અને હવે યુથ વન-ડે એશિયા કપમાં સદી ફટકારી છે. તે યુથ વન-ડેમાં ભારત તરફથી હાઇએસ્ટ રન કરવાનો અંબાતી રાયડુનો ૨૦૦૨નો ૧૭૭ રનનો રેકૉર્ડ તોડતાં ચૂકી ગયો હતો. વૈભવની ૧૭૧ રનની ઇનિંગ્સ એક યુથ વન-ડે એશિયા કપની બીજી બેસ્ટ વ્યક્તિગત ઇનિંગ્સ રહી હતી.


