રાજસ્થાન રૉયલ્સે હાલમાં ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીનો એક રસપ્રદ ઇન્ટરવ્યું શૅર કર્યો છે.
રાજસ્થાન રૉયલ્સના મૅનેજર રોમી ભિંડરે હોટલ-રૂમમાં લીધો હતો વિસ્ફોટક ઓપનર વૈભવ સૂર્યવંશીનો ઇન્ટરવ્યુ
રાજસ્થાન રૉયલ્સે હાલમાં ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીનો એક રસપ્રદ ઇન્ટરવ્યું શૅર કર્યો છે. IPL 2026માં ઑરેન્જ કૅપ જીતનાર વૈભવ સૂર્યવંશી કહે છે, ‘મને બાળકોથી માંડીને વૃદ્ધો તરફથી જે પ્રેમ સોશ્યલ મીડિયા પર અને સ્ટેડિયમમાં મળ્યો છે એને હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. લોકો પૂછી રહ્યા છે કે રાજસ્થાન રૉયલ્સ પાસે બીજી ટ્રોફી ક્યારે આવશે. હું કહીશ કે આગામી વર્ષોમાં આપણે બીજી જ નહીં ત્રીજી, ચોથી અને પાંચમી ટ્રોફી પણ જીતીશું.’
આ ઇન્ટરવ્યુમાં વૈભવે બીજું શું-શું કહ્યું એ વાંચો...
જ્યારે ઑક્શનમાં મારા પર બે જ ટીમો (દિલ્હી અને રાજસ્થાન)એ બોલી લગાડી ત્યારે હું નિરાશ થયો. મનમાં થયું કે હું સારું રમું છું અને ટ્રાયલ્સ પણ મેં સારી આપી છે તો બધી ટીમોએ મારા પર બોલી લગાડવી જોઈતી હતી. જોકે રાજસ્થાન રૉયલ્સ સાથે રમવાનો અનુભવ કર્યા બાદ મેં લગભગ ૧૦૦૦ વખત આ ટીમમાં મને એન્ટ્રી અપાવવા બદલ ભગવાનનો આભાર માન્યો છે. ટીમનો દરેક સભ્ય મારી ફૅમિલી જેવી થઈ ગઈ છે.
T20માં જેમ જરૂર છે એ અનુસાર હું તોફાની બૅટિંગ કરૂં છું. વન-ડે અને ટેસ્ટ-ફૉર્મેટમાં હું પરિસ્થિતિ અનુસાર જ રમીશ. મોટો ટાર્ગેટ ત્રણેય ફૉર્મેટમાં રમવાનો છે. ભગવાનની કૃપાથી હું ભારત કે અન્ય ટીમો માટે જેટલા પણ સમય સુધી રમું એ દરેક મૅચમાં મૅચ વિનરની જેમ રમવા ઈચ્છું છું. મારે માત્ર રમવું નથી મારે આગામી દસથી ૨૦ વર્ષમાં દબદબો બનાવી રાખવો છે. મેં ક્રિકેટ એન્જૉય કરવા માટે શરૂ કર્યું હતું હું આખું જીવન એન્જૉય કરવા ઇચ્છું છું.
બાળપણમાં હું જ્યારે IPL જોતો હતો ત્યારે મને પણ ઑરેન્જ કૅપ પહેરવાનો અનુભવ કરવાની ઇચ્છા થઈ હતી. આ સીઝનમાં પહેલી વખત જ્યારે મને ઑરેન્જ કૅપ મળી ત્યારે મને સારું લાગ્યું. જોકે હું એના વિશે વધારે વિચારતો નથી, કારણ કે નજર લાગી શકે છે. હું ભગવાન પાસે હંમેશાં આશીર્વાદ, પાવર અને મજબૂત બનાવી રાખવાની કામના કરતો રહું છું.
હું મૅચ પહેલાં રૂમમાં અને પિચ પાસે આવીને મૅનિફેસ્ટેશન કરું છું. કયા બોલર સામે કેવી રીતે રમી શકાય, કેવી પરિસ્થિતિમાં કેવો શૉર્ટ રમવો એ બધા વિશે હું વિચારૂં છું. મૅનિફેસ્ટેશનને કારણે માઇન્ડસેટ સ્ટ્રૉન્ગ બને છે અને મને એનાથી ઘણી મદદ મળી છે.
વિરાટ કોહલી અને જય શાહ માટે શું કહ્યું?
વૈભવ સૂર્યવંશી કહે છે, ‘હું પહેલાં બૅન્ગલોરની ટીમ અને વિરાટ કોહલીનો મોટો ફૅન હતો. ફાઇનલ મૅચ બાદ વિરાટ કોહલીએ મારા ખભા પર હાથ મૂકીને મારી સાથે વાત કરી ત્યારે મને એ બધું સપના જેવું લાગ્યું. વિરાટ કોહલી મને મોટા ભાઈની જેમ સલાહ આપતા હતા. ICCના ચૅરમૅન જય શાહે પણ મને જમીન પર પગ રાખીને આગળ વધતા રહેવાની સલાહ આપી હતી.’
